Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નવા હિરાસરની જમીન અંગે થયેલ બોગસ વીલ અન્વયે ગુનો દાખલ કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા.૬: રાજકોટ તાલુકાના નવા હિરાસર ગામની જમીન અંગે ખોટુ વીલ થવા અંગેની ફરિયાદ અન્વયે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસને ગુનો દાખલ કરવાનો હુકમ થયેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, નવા હીરાસર, તા.જી. રાજકોટના રહે.મેઘજીભાઇ ચોથાભાઇ સોલંકીએ મુળ ગામ ચોટીલા તથા હાલ રહે. હીરાસરવાળાઓ દેવજીભાઇ ચકુભાઇ રાઠોડ (ગાબુ) તેમજ તેમના ભાઇ મીઠાભાઇ ચકુભાઇ ગાબુ તથા રાજેશભાઇ હરજીભાઇ સોલંકી અને હરજીભાઇ ટપુભાઇ સોલંકી વિગેરેઓ સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં તેમજ પોલીસ કમિશ્નર રાજકોટમાં હીરાસર ગામની ખેતીની જમીન સંબંધે ખોટુ વીલ ઉભુ કરી ગેરકાયદેસર કબજો કરી તથા ફેન્સીંગ કરી, ધમકી આપી અને કબ્જો ખુલ્લો કરવા ૫૦ લાખની ખંડણી માંગેલ આથી ફરીયાદીએ આરોપીઓ વિરૂધ્ધ આપેલ ફરીયાદનાં કામે રાજકોટ પોલીસ કમિશ્નરે તથા કુવાડવા પોલીસ ઇન્સ્પેકટર ગુન્હો દાખલ ન કરતાં, તેમજ આ સબંધે આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદીએ અનેક વખત લેખીત તથા મૌખીક રજુઆત પોલીસ અધિકારીઓ સમક્ષ કરવા છતાં તેમજ માહિતી અધિકાર નીચે ફરીયાદીએ આપેલ અરજીઓની તપાસ સબંધે માહિતી માંગવા છતા પણ પોલીસ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ કોઇ અગમ્ય કારણોસર ગુન્હો દાખલ કરી અને પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ નહીં, જેથી ફરીયાદી મેઘજીભાઇ ચોથાભાઇ સોલંકીએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પે.ક્રિમીનલ અપીલ દાખલ કરેલી.

સદરહું અપીલનાં કામે ગુજરાત હાઇકોર્ટ આરોપી વિરૂધ્ધ દિવસ-૧૫માં એફ.આઇ.આર.નોંધવાનો હુકમ રાજકોટ પોલીસ કમિશ્નરશ્રી તથા પોલીસ ઇન્સ્પેકટર-કુવાડવા પોલીસ સ્ટેશન સામે કરેલ છે. આ કામે ફરીયાદી વતી જય સંજયભાઇ ગઢવી, કેતનભાઇ એન.સિંધવા તથા યોગેશભાઇ એ.રતનપરા એડવોકેટસ તરીકે રોકાયેલા છે.

(11:23 am IST)