Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

બેકાબૂ કારે ૭૧ વર્ષીય વૃદ્ધને ટક્કર મારી હવામાં ઉછાળ્યો

રૃંવાડા ઊભા થઈ જાય તેવો સીસીટીવી સામે આવ્યો : રાજકોટમાં બનેલા અકસ્માતના બે બનાવોમાં ત્રણ જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું પણ સામે આવ્યું છે

રાજકોટ,તા. : રાજકોટ શહેરના પંચવટી સોસાયટી પાસે આવેલા સતનામ હોસ્પિટલ વાળા રોડ પર અકસ્માતનો એક બનાવ સામે આવ્યો હતો. જે અકસ્માતના બનાવમાં ૭૧ વર્ષીય વૃદ્ધ ધીરજલાલ જેઠવાને એક કારે ટક્કર મારી હતી. જેના કારણે નિવૃત તલાટીમંત્રી ધીરજલાલ જેઠવાને તાત્કાલિક અસરથી નજીકની જલારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થવા પામ્યો છે. ત્યારે હાલ બનાવનાર સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ઈજાગ્રસ્ત થયેલા ધીરજલાલ જેઠવાના પુત્ર કૌશિક જેઠવાએ જણાવ્યું હતું કે, પંચવટી સોસાયટીના બાજુમાં આવેલા પંચરત્ન સોસાયટી શેરી નંબર ત્રણમાં મારા પિતા પરિવાર સાથે રહે છે ત્યારે બપોરના અંદાજિત બારેક વાગ્યા આસપાસ તેઓ માસ્ક લેવા માટે પ્લેઝર લઈ સતનામ હોસ્પિટલ વાળા રોડ પર નીકળ્યા હતા. ત્યારે સૌ પ્રથમ તેમણે રોડની એકબાજુ પોતાનો પ્લેઝર પાર્ક કરી માસ્ક લેતા હતા.

સમયે એક કારે તેમને ટક્કર મારી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થવા પામી છે. ત્યારે હાલ અત્યારે તેમની સારવાર જલારામ હોસ્પિટલમાં ચાલી રહી છે. ત્યારે તબીબોના કહેવા મુજબ તેમને સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જેના કારણે તેમને બે જેટલી સર્જરી કરવી પડે તેમ છે. ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ નો સ્ટાફ જલારામ હોસ્પિટલ આવી પહોંચ્યો હતો. ત્યારબાદ પીએસઆઇ કક્ષાના અધિકારી દ્વારા જરૂરી નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. બીજી અકસ્માતની ઘટના રાજકોટ શહેરની ભાગોળે બની હતી. જે ઘટનામાં ઇન્ડિયન ગેસનો ટ્રક કોસ્મોપ્લેક્સ ચોકડીથી એસઆરપી ઘંટેશ્વર ગ્રુપ ૧૩ના રસ્તે થઈ રાજકોટ માધાપર ચોકડી તરફ આવી રહ્યો હતો. એસઆરપીથી થોડે દૂર ટ્રક રાજકોટના માધાપર ચોકડી તરફ વળાંક લઇ રહ્યો હતો તે સમયે ન્યારી ચેકપોસ્ટથી રાજકોટ માધાપર ચોકડી તરફ આવતા રસ્તેથી વેગનાર કાર તેમજ આઈ-૨૦ કાર આવી રહી હતી.

સૌપ્રથમ ઇન્ડિયન ગેસના ટ્રકની પાછળના ભાગે વેગનાર કાર ઘૂસી ગઈ હતી. ત્યાર બાદ જોત જોતામાં તેની પાછળ આવતી ૈ૨૦ કાર પણ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના પગલે ટ્રકમાં વધારે નુકસાન થવા પામ્યું હતું પરંતુ બંને કારમાં મોટું નુકસાન થયું છે. સાથે અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(9:06 pm IST)