Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજકોટ મહાનગરપાલિકાના GHTC-I લાઈટ હાઉસ પ્રોજેક્ટને અભૂતપૂર્વ આવકાર : ૧૧૪૪ આવાસો માટે પ્રથમ જ દિવસે ૪૫૦૦થી વધુ ફોર્મ ઉપડ્યા : પુરતી સંખ્યામાં ફોર્મ ઉપલબ્ધ હોઈ લોકો ધસારો ના કરે : મ્યુનિ.કમિશન ઉદિત અગ્રવાલની અપીલ

મનપાના છ સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી તા.૦૭-૦૧-૨૦૨૧ થી તા. ૨૨-૦૧-૨૦૨૧ થી સુધીમાં ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા : લાભાર્થીને આવાસમાં ન્યુનતમ ફર્નીચર, લાઈટ અને પંખાની પણ સુવિધા મળશે

રાજકોટ : રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રૈયાધાર STPની સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે નિર્માણ પામનાર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના GHTC-I લાઈટ હાઉસ પ્રોજેક્ટને નાગરિકો તરફથી અભૂતપૂર્વ આવકાર પ્રાપ્ત થયેલ છે. લાઈટ હાઉસ   પ્રોજેક્ટ હેઠળ બનનારા ૧૧૪૪ આવાસો માટે આજે તા. ૦૭થી રાજકોટ મહાનગરપાલિકાના સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી લોકોને ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવેલ છે. આજે તા.૭ના રોજથી ફોર્મ વિતરણ શરૂ થતા પ્રથમ દિવસે સાંજ સુધીમાં ૪૫૦૦થી વધારે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો વિગત ભરેલા ફોર્મ તા. ૨૨ સુધીમાં પરત કરી શકશે. વિશેષમાં આજે જોવા મળેલો લોકોના ધસારાને ધ્યાને લઈને મ્યુનિ. કમિશન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા પાસે પુરતી સંખ્યામાં આવાસના ફોર્મ ઉપલબ્ધ છે માટે લોકો વર્તમાન કોરોના કાળને ધ્યાનમાં રાખી ખોટો ધસારો ના કરે તે સૌના હિતમાં છે. સિટી સિવિક સેન્ટર કે બેંક ખાતે ફોર્મ લેવા કે પરત કરવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે અને તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થામાં શિસ્તબદ્ધરીતે પોતાનું યોગદાન આપી નાગરિક ધર્મ પણ નિભાવે તે હાલના સંજોગોમાં અત્યંત આવશ્યક છે.
વિશેષમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં બનનાર આવાસમાં ફર્નિચરની પણ સુવિધા આપવામાં આવનાર હોવા અંગે લોકોમાં જે વાતો થઇ રહી છે તે અંગે સૌ નાગરિકોને ખાસ જણાવવાનું કે, આવાસમાં લાભાર્થીને ન્યુનતમ માત્રામાં ફર્નિચરની સુવિધા અપાશે. જેમાં રસોડામાં પ્લેટફોર્મની નીચે કબાટ બનાવી દેવામાં આવશે તેમજ એક રૂમમાં એક કબાટ પણ તૈયાર કરી દેવામાં આવનાર છે. સાથોસાથ લાઈટ અને પંખાની સુવિધા પણ આપવામાં આવશે.

(6:48 pm IST)