Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

તા.૧૬ થી ર૬ પ્રદેશ ભાજપના સાતેય મોરચા દ્વારા બુથવાઇઝ ૧ લાખથી વધુ બેઠકો

દરેક જિલ્લામાં મીડિયા વર્કશોપ : કાર્યક્રમો જાહેર કરતા મહેશ કસવાલા

ભાજપના ચુંટણી ઇન્ચાર્જ મહેશ કસવાલાએ આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં પાર્ટીના પ્રદેશ મીડિયા સંયોજક પ્રશાંત વાળા પણ ઉપસ્થિત છે. 

રાજકોટ, તા. ૭ : ભાજપા પ્રદેશ પ્રવકતા અને આગામી સ્થાનિક સ્વરાજયની ચૂટણીના પ્રદેશ ઇન્ચાર્જશ્રી મહેશભાઈ કસવાલાએ આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતે ઇલેકટ્રોનિક મીડિયાને સંબોધન કરી રાજયભરમાં જિલ્લા/તાલુકા/મહાનગરોમાં વ્યાપક પ્રમાણમાં યોજાવા જઈ રહેલી  સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ સંદર્ભે ભાજપાના સાતેય મોરચાઓ અને વિવિધ વિભાગો દ્વારા આગામી સમયમાં થનાર વિવિધ કાર્યક્રમોની કાર્યયોજના વિશે માહિતી આપી હતી.

 શ્રી કસવાલા એ જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના અનુસંધાને છેલ્લા બે દિવસથી પ્રદેશ ભાજપા કાર્યાલય ખાતે ભાજપાની વિવિધ ચૂંટણીલક્ષી સંગઠનાત્મક વ્યવસ્થા અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિવિધ બેઠકો યોજાઇ હતી. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં રાજયભરમાં યોજાવા જઇ રહેલી આ ચૂંટણીઓ અતિમહ્રત્વની છે. ૫મી જાન્યુઆરીએ મીડિયા અને શોશિયલ મીડિયા વિભાગની બેઠકો તેમજ ગઈકાલે ૬ જાન્યુઆરીએ  ભાજપાના તમામ મોરચાના પ્રદેશ આગેવાનશ્રીઓની એક સંયુકત બેઠક યોજાઇ હતી અને ત્યારબાદ વિવિધ મોરચાના પ્રદેશ હોદ્દેદારશ્રીઓએ મોરચાના જિલ્લાના અપેક્ષિત અગ્રણીશ્રીઓ સાથે મોરચા સૅં બેઠકો યોજી હતી.

શ્રી કસવાલાએ ભાજપાના આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ૧૨ તારીખ સુધીમાં ભાજપાના તમામ મોરચાની જિલ્લા બેઠકો પૂર્ણ થશે. તા. ૧૬ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી સુધીમાં ભાજપાના સાતેય મોરચાઓ રાજયના ૫૦ હજારથી વધુ બુથોમાં બે-બે બેઠકો દ્વારા વ્યાપક જનસંપર્ક કરી રાજયભરમાં ૧ લાખ કરતા વધુ ગ્રૂપ બેઠકો-ખાટલા બેઠકો કરશે. ભાજપાનો પ્રત્યેક મોરચો તેમના કાર્યક્ષેત્ર અનુરૂપ પત્રિકા સાથે મતદારો પાસે જઈ ભાજપા સરકારની કામગીરીથી અવગત કરશે. ભાજપા સરકારે કરેલી પ્રજાહિતની કામગીરી, જનકલ્યાણકારી  યોજનાઓ, ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારા સર્વવ્યાપી, સર્વસ્પર્શી બને તે માટે ભાજપા દ્વારા જનસંપર્કનું આ મોટું અભિયાન હાથ ધરવામાં આવશે તેમ શ્રી કસવાલાએ જણાવ્યું હતું.

શ્રી કસવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ ૪૧ જિલ્લા/મહાનગરોમાં ભાજપા મીડિયા વિભાગના યોજાનાર વર્કશોપનો આજથી પ્રારંભ થયો છે, આગામી એક અઠવાડિયામાં જિલ્લા સ્તરે ભાજપાના મીડિયા વર્કશોપ યોજાશે, ત્યારબાદ ભાજપાના ૫૭૯ સંગઠનાત્મક મંડલોમા પણ મીડિયા વિભાગ દ્વારા ગ્રૂપ બેઠકો યોજાશે. ભાજપાના સોશિયલ મીડિયા વિભાગ દ્વારા પણ ૧૨ જાન્યુઆરી સુધીમાં તમામ જિલ્લા/મહાનગરોમાં બેઠકો પૂર્ણ થશે અને તમામ મંડલોમા પણ સોશિયલ મીડિયામાં રુચિ ધરાવતા ૨૦-૨૫ કાર્યકર્તાઓ સાથે ગ્રૂપ મિટિંગો યોજાશે.

(4:24 pm IST)