Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રસીકરણની તૈયારી : કાલે ફરી મોકડ્રીલ

શહેરના વધુ ૯ સ્થળોએ ડ્રાય રન : મ.ન.પા.ની આરોગ્ય શાખા દ્વારા આયોજન : ગત સપ્તાહે પાંચ જગ્યાએ મોકડ્રિલ યોજાઇ હતી

રાજકોટ તા. ૭ : સમગ્ર દેશ કોરોના વેકસીનની પ્રતીક્ષા કરી રહ્યો છે. જુદી જુદી મેડીકલ ટીમો દ્વારા કોરોના વેકસીનને લઈને ટ્રાયલ ચાલી રહી છે. ખુબ જ ટૂંકા સમયમાં કોરોના વેકસીન સમગ્ર વિશ્વમાં આવાની તૈયારીઓ જણાઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેકસીન આવ્યા પહેલા સંપૂર્ણ તૈયારીના ભાગરૂપે અગાઉ પાંચ સ્થળોએ મોકડ્રીલ (ડ્રાય રન) કર્યા બાદ આવતીકાલે તા. ૮ના વધુ ૯ સ્થળોએ આરોગ્ય શાખા દ્વારા મોકડ્રીલ (ડ્રાય રન)નું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરના વધુ ૯ સ્થળોને પ્રાઇમરી વેકસીન આપવા અંગે પસંદગી કરવામાં આવી છે, જેમાં (૧) વોકહાર્ડ હોસ્પિટલ, (૨) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, (૩) પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, (૪) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, (૫) શાળા નં. ૬૧, (૬) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, (૭) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, (૮) શાળા નં. ૪૩ અને (૯) કોઠારી નિદાન કેન્દ્ર – રોટરી ભવન ખાતે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેડીકલ ટીમ દ્વારા મોકડ્રીલ (ડ્રાય રન) યોજાશે.

મોકડ્રીલ (ડ્રાય રન) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જુદી જુદી જગ્યાએ એક સમાન રીતે કામગીરી કરવામાં આવશે. જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. હાજર રહેશે.

મનપા દ્વારા એકત્ર કરાયેલ ડેટા પ્રમાણે આરોગ્ય કર્મચારીઓને બોલાવવામાં આવશે, પસંદગી કરાયેલ ૯ સ્થળોએ ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવશે પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેકસીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યકિતના ડોકયુમેન્ટ ચકાસણી કરવામાં આવશે અને વ્યકિતએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેકસીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ co-win સોફટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેકસીન લેનારને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યકિતએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે.   આ મોકડ્રીલ (ડ્રાય રન) કરવાનો હેતુ વેકસીન સમયે ઉદ્દભવતા પ્રશ્નોનો પહેલાથી જ નિરાકરણ કરી શકાય. ડોકયુમેન્ટ સંબંધી અથવા સોફટવેર સંબંધી પ્રશ્નોનો નિરાકરણ કરી શકાય તેમજ આવનારા દિવસોમાં કોરોનાની વેકસીન આપવાની થાય ત્યારે વધારે સારી રીતે અમલીકરણ કરી શકાય. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:22 pm IST)