Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

શાસ્ત્રી મેદાનની પથારી ફરી ગઇ પછી... હાશ... તંત્ર જાગ્યુ ખરૂ : અદ્યતન ડેવલપ કરાશે : કલેકટરે કમીટી રચી કાઢી

દિવાલો તૂટી ગઇ તે માર્ચ સુધીમાં રીપેર કરી લેવાશે : ખાનગી ટ્રાવેલ્સની બસોને હવે ઉભી નહિ રહેવા દેવાય : એસ.ટી.ને પણ કહી દેવાયું જેમ બને તેમ ઝડપી મેદાન ખાલી કરો : સફાઇ તથા કેલેન્ડર એકટીવીટી ઉપર ખાસ ભાર... : કમીટીમાં એડીશનલ કલેકટર-સીટી પ્રાંત-૧, કોર્પોરેશનના ડે. કમીશનર -આર. એન્ડ બી સીવીલ ઇલકેટ્રી તંત્ર-પોલીસ-મામતદાર સીટી સર્વેના અધિકારીઓ લેવાયા

રાજકોટ, તા. ૭ :  શહેરની વચ્ચો વચ્ચ આવેલા ઐતિહાસિક શાસ્ત્રીમેદાનની છેલ્લા ૪ વર્ષમાં પથારી ફરી ગઇ છે, ફરતી કમ્પાઉન્ડ વોલ તૂટી ગઇ છે,  ખાનગી ટ્રાવેલ્સની બસોનું આડેઘડ પાર્કિંગ થઇ રહ્યું છે. રાત્રે અનેક ન્યુસન્સ આવારા તત્વો એકઠા થતા હોય છે, તેમાં પણ બસ સ્ટેશન થયા બાદ શાસ્ત્રીમેદાન જાણે ભંગારનું મેદાન-અખાડો હોય તેવુ લાગી રહયું છે, એક વખત આ મેદાન ૧પમી ઓગસ્ટ-પ્રજાસત્તાક પર્વની ઉજવણી - શાનદાર પરેડ, વાજપૈયી સહિતના ધૂરંધરોની જાહેર સભા, દર રવિવારે યુવા વર્ગનો ક્રિકેટ કલબલાટ, અવનવા સર્કલો, ભાતીગળ પ્રદર્શનોને કારણે વિખ્યાત બન્યું હતું. પરંતુ ભિક્ષુકો ઉપરાંત દારૂ-જૂગારની ટેવવાળાની ઘુષણખોરી-આડેધડ ખાનગી બસોનું પાર્કીંગ, જંગલ જેવા ઝાડવા ઉગી જવાને કારણે ગંદકીનું મેદાન જેવુ ભાસી રહ્યું છે. તાજેતરમાં આ બધુ કલેકટરે નિહાળ્યું. નિરીક્ષણ કર્યુ અને આખરે કલેકટર તંત્ર હસ્તકના મેદાનની કાયાપલટ કરવા કલેકટરશ્રી રેમ્યા મોહને બીડૂ ઉઠાવ્યું છે, અને અદ્યતન રીતે ડેવલપ કરવા, તૂટી ગયેલી ફરતી કમ્પાઉન્ડ ફરી ઉભી કરવા, સઘન સફાઇ, ર૪ કલાકની ખાનગી સિકયુરીટી, કેલેન્ડર એકટીવીટી વિગેરે બાબતો સંર્દભે  કલેકટરે એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પંડયા હેઠળની આખી કમીટી રચી કાઢી છે, અને તેમાં તમામ ડીપાર્ટમેન્ટ આવરી લીધા છે.

ટૂંકમાં શાસ્ત્રીમેદાનની કાયાપલટ કરવા આખરે તંત્ર જાગ્યું છે, કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું કે જે ફરતી કમ્પાઉન્ડ વોલ તૂટી ગઇ તે માર્ચ સુધીમાં ફરી બાંધી લેવા આર એન્ડ બી.ને કહી દેવાયું છે, કમીટીમાં એડીશ્નન કલેકટર ઉપરાંત સીટી પ્રાંત-૧, કોર્પોરેશનના ડે. કમીશ્નર, આર એન્ડ બી.ના  ઇજનેર, સીવીલ ઇલેકટ્રીકના ઇજનેર, પોલીસના પ્રતિનિધી, સીટી મામલતદાર, સીટી સર્વેના અધિકારીનો સમાવેશ થાય છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે હાલ જે બસ સ્ટેશન છે તેમને પણ જેમ બને તેમ ઝડપી મેદાન ખાલી કરવા જણાવી દેવાયું છે, અમે પ્રેસર પણ લાવી રહ્યા છીએ, મેદાન ડેવલપ થયા બાદ - સમથળ કરાયા બાદ ર૪ કલાક સિકયુરીટી રહેશે, દરેક મોટા શહેરમાં જે સાફ-સૂથરા મેદાનો હોય છે, તેવું મેદાન બની જશે, કામગીરી આજથી શરૂ કરી દેવા સુચના અપાઇ ગઇ છે.

અત્રે એ નોંધનીય છે કે હાલ શાસ્ત્રી મેદાનનું ભાડૂ ૧ ચો. મી.ના ૧ હજાર જેટલુ છે, તે વધારાશે કે કેમ તે અંગે કલેકટરે જણાવ્યંુ હતું કે તે અંગે બાદમાં નિર્ણય લેવાશે.

કલેકટર કચેરી સામેના મનુભાઇ ઢેબર સેનેટોરીયમ જગ્યા પણ કલેકટરની છે,તે લઇ લેવા અંગે અને ડેવલપ કરવા અંગે પણ ટૂંકમાં કાર્યવાહી થશે તેમ શ્રી રેમ્યા મોહને ઉમેર્યુ હતું.

ઇશ્વરીયા પાર્ક ઓસમ ડુંગર ૧૪મી બાદ ખોલાશે : હાલ માધાપરથી ઇશ્વરીયા સુધી ૪૧ લાખના ખર્ચે અદ્યતન રસ્તો બનાવાશે : કલેકટરનો નિર્દેશ

રાજકોટ, તા. ૭ : કલેકટરશ્રી રેમ્યા મોહને પત્રકારોને જણાવ્યું હતું કે ઇશ્વરીયા પાર્કથી માધાપર સુધીનો જે સીંગલ પટ્ટી રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે તે અદ્યતન નવો બનાવવા સુચના અપાઇ છે. કલેકટર અને જીલ્લા આયોજન તંત્રની ગ્રાંટમાંથી કુલ ૪૧ લાખના ખર્ચે આ રસ્તો નવો બનાવવા આદેશો કરાયા છે.  ઇશ્વરીયા પાર્ક પ્રાયવેટ પાર્ટીને સોંપવા અંગે તેમણે જણાવેલ કે હાલ એવી કોઇ યોજના નથી, પરંતુ ડી.પી. આરનું પ્લાન ચાલે છે, આ માટે હવે ટેન્ડરો પ્રસિધ્ધ થશે, તેમજ કરોડોના ખર્ચે બની રહેલા ઇશ્વરીયા પાર્કના સાયન્સ સીટી સેન્ટરનું ફેબ્રુઆરીમાં લોકાપર્ણ થાય તેવી શકયતા છે. હાલ સ્ટેટ લેવલે કામગીરી ચાલુ છે.

(4:21 pm IST)