Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ભાજપ સરકારમાં દિલ છે જ નહિ, આ તો ડીલ કરનારી સરકાર છેઃ ઈન્દ્રનિલ

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિને ગામેગામથી મળી રહેલ ખેડૂતોનું સમર્થન : આ આંદોલન હવે માત્ર ખેડૂતોનું જ નહિ પણ જનઆંદોલન બની ગયું છેઃ ડાયાભાઈ ગજેરા * કાયદાની કલમો- નિયમોમાં ખેડૂતો ફસાઈ જશે, ખેડૂત ધારશે તો પણ કરાર રદ્દ કરી શકાશે નહી અને ફરિયાદ પણ નહિ કરી શકેઃ પાલભાઈ આંબલીયા

રાજકોટઃ દેશભરના વિવિધ ૪૫૦ કરતા વધારે ખેડૂત સંગઠનો સરકારે લાવેલા ત્રણ કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે દસ લાખ કરતા વધારે ખેડૂતો છેલ્લા ૪૨ દિવસથી દિલ્હીની બોર્ડર પર ટ્રેકટરને ઘર બનાવી રોડ પર બેસી અહિંસક આંદોલન ચલાવી રહ્યા છે તેના સમર્થનમાં ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો સાથે મળી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની રચના કરી આ ખેડૂત આંદોલનને સમર્થન કરી રહયા છે તેની સામે ગુજરાત સરકાર ખેડૂતોને દિલ્હી જતા રોકી રહી છે એટલું જ નહીં પણ ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે ધરણાં -દર્શન કરવાની પણ છૂટ આપવામાં આવતી નથી ખેડૂત આગેવાનોની અટક કરવી, તેને નજરકેદ કરવા એ રોજિંદી ઘટના બની ગઈ છે ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતો સુધી સાચી વાત પહોંચાડવા, ગુજરાતમાં પણ આ ત્રણ બીલનો વિરોધ થાય, ગુજરાતમાંથી પણ ખેડૂતો દિલ્હી જાય તે માટે ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા આશય સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોને રૂબરૂ મળી પત્રિકા વિતરણ કરી આગામી દિવસોમાં દિલ્હીથી રાષ્ટ્રિય કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આદેશ આવે ત્યારે ગુજરાતમાંથી વધારેમાં વધારે ખેડૂતો દિલ્હી પહોંચે તેવા આશય સાથે ખેડૂત જાગૃતિ અભિયાનના ભાગરૂપે  વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટિમ પહોંચી હતી.

આજુબાજુના ગામના ખેડૂતો, તેની આસપાસના ગામના ખેડૂતો અને વાંકાનેર તાલુકાના ખેડૂત આગેવાનોની ઉપસ્થિતમાં ગુજરાત કિસાન સહર્ષ સમિતિના સહ કન્વીનર ડાયાભાઈ ગજેરાએ ખેડૂતોને આ ત્રણ કાયદાના ગેરફાયદા સમજાવતા કહ્યું હતું કે આ ત્રણ કાયદા માત્ર ખેડૂતોને જ નુકશાન કરે છે એ માન્યતા ભૂલ ભરેલી છે આ ત્રણ કાયદાથી ભવિષ્યમાં મજૂર, ગરીબ, મધ્યમવર્ગના તમામ લોકોને અસર કરશે એટલે અત્યારે દિલ્હીમાં ચાલતા આંદોલનને ખેડૂત ઉપરાંત ટ્રક એસોસિએશન, મજૂર યુનિયન, ટ્રેડ યુનિયન, વકીલ એસોસિએશન, ડૉકટર એસોસિએશન, શિક્ષક સંઘ, આંગણવાડીની બહેનો પણ સમર્થન જાહેર કરી આંદોલનમાં જોડાઈ ગયા છે આ આંદોલન હવે ખેડૂત આંદોલન નહિ પણ જન આંદોલન બની ચૂક્યું છે.

પાલભાઈ આંબલિયા એ ખેડૂતોને આ ત્રણ કાયદાની દરેક કલમમાં ક્યાં કઈ કઈ બાબત ખેડૂતોને નુકશાનકારક છે તેનું માર્ગદર્શન આપતા કહ્યું હતું  કે ર્ફામિંગ એકટ એ ખેડૂત અને કંપની વચ્ચે કરારથી અસ્તિત્વમાં આવશે કરાર કરતી વખતે કંપનીઓ ખેડૂતોને લોભામણી લાલચો આપી ખેડૂતોને લલચાવી અભણ ખેડૂતોને ફસાવશે ખેડૂતો એક વખત કરાર કરી દીધા પછી આ ત્રણ કાયદાની કલમોમાં નિયમોમાં ખેડૂત ફસાઈ જશે ખેડૂત ધારશે તો પણ કરાર રદ્દ કરી શકશે નહીં, ખેડૂતને અન્યાય થતો હશે તો પણ ખેડૂત પોલીસ ફરિયાદ કરી શકશે નહીં, ખેડૂત નામદાર કોર્ટ સમક્ષ જઇ શકશે નહીંઁ.  ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂએ ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે આ સરકારમાં દિલ છે જ નહીં આ સરકાર તો ડીલ કરવાવાળી સરકાર છે સરકાર સંવેદનશીલતાની વાતો કરે છે પણ સરકારમાં સંપૂર્ણ સંવેદનહીનતા છે આ સરકાર જ્યારે જયારે જેને જેને ફાયદો અપાવવાની વાત કરે છે ત્યારે ત્યારે ફાયદાને બદલે નુકશાન જ થયું છે ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પાકવીમાં યોજનામાં ખેડૂતોને ફાયદો આપવાનું કહ્યું હતું ઉલટાનું ખેડૂતોને નુકશાન થયું, નોટબંધીમાં કહ્યું હતું કે કાળુનાણું ખતમ થઈ જશે આંતકવાદીઓની કમર તૂટી જશે પણ જનતાની કમર તૂટી ગઈ દેશના અર્થતંત્રની કમર તૂટી ગઈ, GST વખતે કહ્યું હતું કે વેપારીઓને ફાયદો થશે વાસ્તવિકતા જોઈએ તો GST માં ૫૦ થી વધારે સુધારાઓ કરવા છતાં વેપારીઓ હેરાન પરેશાન છે.

આમ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ગામડાઓનો પ્રવાસ ખેડી ખેડૂતોને સાચી માહિતી આપી ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા -યાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે.

(3:11 pm IST)