Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

કોંગી આગેવાનો પર ભાજપના ઇશારે ખોટો કેસ કરવાના વિરોધમાં કોંગ્રેસનાં ધરણાઃ ૯૧ની અટકાયત

કોંગ્રેસનાં પુર્વ મહીલા કોર્પોરેટરનાં પતિને ખોટી રીતે લેન્ડ ગ્રેબીંગ કેસમાં ફસાવી દેવાના આક્ષેપો સાથે બહુમાળી ભવન ચોકમાં ધરણા-સુત્રોચ્ચાર વખતે પોલીસ તુટી પડીઃ પ્રમુખ અશોક ડાંગર, મહેશ રાજપુત, મનસુખ કાલરીયા સહીતના આગેવાનો-કાર્યકરોની અટકાયતઃ મહીલા કાર્યકરો સાથે ગેરવર્તણુંક કરાયાનો આક્ષેપ

કોંગી કાર્યકર સામે લેન્ડ ગ્રેબીંગનો ખોટો કેસ કરાયાનાં આક્ષેપો સાથે આજે શહેર કોંગ્રેસનાં ધરણા યોજાયા તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૭: કોંગ્રેસનાં અગ્રણી અને પુર્વ મહીલા કોર્પોરેટરનાં પતિને ભાજપના ઇશારે પોલીસ તંત્રએ ખોટા કેસમાં ફસાવી દીધા હોવાના આક્ષેપો સાથે આ બાબતનો વિરોધ દર્શાવવા શહેર કોંગ્રેસનાં ૧પ૦ થી ર૦૦ જેટલા આગેવાનો અને કાર્યકરોએ આજે સવારે ૧૦ વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજયો હતો. તે વખતે પોલીસે ત્રાટકી અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહીત ૯૧ જેટલાં આગેવાનોની કલમ ૬૮ મુજબ અટકાયત કરી લઇ આ કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો.

આ અંગે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપુતના જણાવ્યા મુજબ કોંગ્રેસના અગ્રણી કનકસિંહ જાડેજા ઉપર લેન્ડ ગ્રેબીંગનો કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હોવા બાબતે આજે સવારે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની શહેર કોંગ્રેસ દ્વારા શાંતિપુર્વક બેસી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ.  આ માટે પોલીસ કમિશ્નરશ્રીની પુર્વ મંજુરી પણ માંગવામાં આવી હતી.

પરંતુ આજે સવારે ધરણા કાર્યક્રમ શરૂ થયા બાદ પોલીસે ત્રાટકી અને કાર્યકરોને ઢસડી-ઢસડીને અટકાયતની કાર્યવાહી કરી હતી.

દરમિયાન આ ધરણામાં ઉપસ્થિત પ્રમુખ અશોક ડાંગર, પુર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુુરૂ, મનસુખભાઇ કાલરીયા, શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, મહેશ રાજપુત, યુનુસ ભાઇ, વિરલ ભટ્ટ , પુર્વ વિપક્ષ્ૅાી નેતા વશરામભાઇ સાગઠીયા, વોર્ડ નં. ૧૬ના બુખારી બાપુ સહીતનાં આગેવાનો કાર્યકરોએ ધરણા વખતે શાસકો વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. અને આ કેસમાં ભાજપના ઇશારે રાજકીય કિન્નાખોરીથી કોંગી આગેવાનનો ફસાવાયાનો આક્ષેપ કર્યો હતો.

આ તકે પુર્વ મહીલા કોર્પોરેટર ઉવર્શીબા કનકસિંહ જાડેજાએ એવા આક્ષેપો કર્યા હતા કે જયારે જયારે ચુંટણી નજીક આવે તે વખતે આ પ્રકારે કોંગ્રેસના આગેવાનો પર ખોટા કેસ કરાવી શાસકો રાજકીય કિન્નાખોરી કરે છે. આ વખતે અમારા જાડેજા પરીવાર સામે લેન્ડ ગ્રેબીંગનો ખોટો કેસ કરાયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતમાં વિરોધ માટે આજે ધરણા યોજી અને અમને સમર્થન  આપ્યું હતું.

આ તકે ઉવર્શીબાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ધરણા વખતે મહીલા કાર્યકરો સાથે ગેર વર્તણુક કરીને અટકાયતો કરાઇ હતી. જે મહીલાઓના સન્માનને ઠેસ પહોંચી છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો સહીત કુલ ૯૧ લોકોની પોલીસે અટકાયત કરી હતી.

(3:12 pm IST)