Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

મુંબઇની મિલન માર્કેટનો ગુંજુ વિદેશી સિગારેટ મોકલતો હતોઃ પારસ વધુ નફાથી વેંચતો'તો

વિદેશી સિગારેટના બોકસ પર 'ધુમ્રપાનથી કેન્સર થાય' તેવી ચેતવણી અને ચિત્રો નથી હોતાં : એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, અઝહરૂદ્દીન અને સોનાબેન મુળીયાની બાતમી પરથી પીએસઆઇ અન્સારી અને ટીમે ૧. ૬૪ લાખની સિગારેટ સાથે પકડી લીધો

રાજકોટ તા. ૭: શહેર વિસ્તારમાં ગેરકાયદે તમાકુ ઉત્પાદન તેમજ ગેરકાયદે સીગારેટ  વેંચાણની પ્રવૃતિ અટકાવવાની સુચના અંતર્ગત એસઓજીએ સાધુ વાસવાણી રોડ પર ટોપલેન્ડ રેસિડેન્સી બ્લોક નં. કે-૬૬માં રહેતાં પારસ નવીનભાઇ દોશી (ઉ.વ.૩૬)ના ઘરમાં દરોડો પાડી તેને રૂ. ૧,૬૪,૨૫૦ની કિંમતના વિદેશી સિગારેટના ૨૭૩૦ પેકેટ (૨૭૩ બોકસ) સાથે પકડી લીધો છે. આ વિદેશી સિગારેટના બોકસ પર ધુમ્રપાનથી કેન્સર થાય છે તેવી ચેતવણી અને ચિત્રો હોતા નથી. પારસ આવી સિગારેટ મુંબઇની મિલન માર્કેટના ગુંજુ નામના શખ્સ પાસેથી મંગાવી પેકેટ દીઠ બે-ત્રણ ગણી વધુ રકમ લઇ કમાણી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

એસઓજીના વિજેન્દ્રસિંહ એ. ઝાલા, કોન્સ મ.અઝહરૂદીન બુખારી તથા કોન્સ. સોનાબેન મુળીયાને મળેલી બાતમી પરથી પીએસઆઇ એમ. એસ. અન્સારી અને ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. ગેરકાયદે વિદેશી સિગારેટનો જથ્થો મળતા તમાકુ નિયત્રણ ધારા હેઠળ  કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ કમીશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના તથા એસઓજી પો.ઇન્સ.આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ.અંસારી, પો.હેડ.કોન્સ ઝહીરભાઇ ખફીફ, વિજેંદ્રસિંહ ઝાલા, મ.અઝરૂદીન બુખારી, અનીલસીંહ ગોહીલ, સોનાબેન મુળીયાએ આ કામગીરી કરી હતી.

પારસે પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે અગાઉ તેના પિતા પાન-બીડીની એજન્સી ધરાવતાં હતાં. પોતે કંઇક અલગ કરવા ઇચ્છતો હોઇ મુંબઇની મિલક માર્કેટના ગુંજુ નામના શખ્સનો સંપર્ક કરી ત્યાંથી વિદેશી સિગારેટ લાવી જે ભાવે આવી હોઇ તેના કરતાં અઢી-ત્રણ ગણા ભાવે પાનની દૂકાનો કે શોખીન ગ્રાહકોને વેંચી દેતો હતો. છએક મહિનાથી આ ધંધો ચાલુ કર્યો હતો.

(12:55 pm IST)