Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

નિવૃત શિક્ષીકા ૩૪.૨૦ લાખ ખાઇ જનારો રિતેશ માવાણી ૪ દિવસના રિમાન્ડ પરઃ ઘરની જડતી

જે તે વખતે એચડીએફસી બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરતાં રિતેશે વૃધ્ધાને ભોળવીને ચેક મેળવી લઇ પોતાની પત્નિના ખાતામાં નાણા ટ્રાન્સફર કરી લીધા'તાઃ યુનિવર્સિટી પોલીસે બેંકો પાસેથી પણ માહિતી મંગાવી કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ લોટસ એવન્યુ ઇ-૨૦૨માં રહેતાં મીનાબેન જગદીશભાઇ કામાણી (જૈન વણિક) (ઉ.વ.૬૫) નામના નિવૃત શિક્ષીકા સાથે વર્ષ ૨૦૧૫-૧૬-૧૮ના ગાળામાં ગેસ્ફોર્ડ સિનેમા પાસે આવેલી એચડીએફસી બેંકના તે વખતના રિલેશનશીપ મેનેજર ચિત્રકુટધામમાં રહેતાં શખ્સ રિતેશ અભીઁન્દ્રભાઇ માવાણી (વાણીયા) (ઉ.વ.૨૯)એ વિશ્વાસ કેળવી   શિક્ષીકાના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી આપવાના બહાને ચાર ચેકોમાં સહીઓ કરાવી લઇ રૂ. ૨૯,૨૦,૦૦૦ની મરણ મુડી સમાન રકમ પોતાની પત્નિના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઇ તેમજ બીજા ૫,૦૦,૦૦૦ આરટીજીએસથી ટ્રાન્સફર કરાવી લઇ કુલ રૂ. ૩૪,૨૦,૦૦૦ની ઠગાઇ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ શખ્સના ચાર દિવસના રિમાન્ડ મંજુર થતાં પોલીસે તપાસ આગળ ધપાવી છે.

યુનિવર્સિટી પોલીસે રિતેશ માવાણીને સાથે રાખી તેના ઘરની જડતી કરી હતી. તેણે ઠગાઇથી મેળવી લીધેલી નિવૃત શિક્ષીકાની રકમ ઇન્વેસ્ટ કરી દીધી હોવાનું રટણ કર્યુ છે. પોલીસે રિતેશ અને તેની પત્નિ જે બેંકોમાં ખાતા ધરાવે છે તે બેંકો પાસેથી પણ માહિતી મંગાવી છે. રિતેશ પાસેથી વિશેષ વિગતો ઓકાવવાની હોઇ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જયુ. ફ.ક. મેઇન કોર્ટના જજશ્રી એમ.એસ. અમલાણીએ ૪ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરી હેઠળ પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, એચ. જે. બરવાડીયા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, પુષ્પરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, નિર્મળસિંહ ઝાલા સહિતે રિતેશે ઠગાઇથી ચાંઉ કરેલા નાણા રિકવર કરવા અને તેની પત્નિની ધરપકડ કરવા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)