Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ભરવાડ-રબારી-ચારણ સમાજની કાલે રેલી

લોકરક્ષક ભરતીમાં અનુ.જાતિ કેટેગરીમાં ન સમાવાતા રોષ : કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાશે

રાજકોટ તા. ૭ : લોકરક્ષક (પોલીસ) ભરતી ૨૦૧૮ માં અનુસુચિત જનજાતિ કેટેગરીમાંથી ભરવાડ, રબારી, ચારણ સમાજના ઉમેદવારોને દુર કરી દેવાતા આ મામલે ભારે રોષની લાગણી પ્રસરી છે. કાલે રાજકોટમાં રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઘડી કઢાયો છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભરવાડ-રબારી-ચારણ સમાજ એકતા સમિતિના આગેવાનોએ જણાવેલ કે કટ આઉટ મેરીટ કરતા વધારે ગુણ હોવા છતા ભરવાડ-રબારી-ચારણ જ્ઞાતિના ઉમેદવારોને મેરીટ લીસ્ટમાંથી બહાર કાઢી નાખી તંત્ર દ્વારા ભારોભાર અન્યાય કરવામાં આવેલ છે.

લોકરક્ષક દળનું જાહેર કરવામાં આવેલ મેરીટ લીસ્ટ રીવાઇઝ કરી થયેલો આ અન્યાય દુર કરવાની માંગણી સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ઉદેશીને તૈયાર કરવામાં આવેલ વિસ્તૃત આવેદનપત્ર કાલે કલેકટરને રેલી સ્વરૂપે જઇ સુપ્રત કરાશે.

આ રેલીમાં ૧૦ હજારથી વધુ સંખ્યામાં ભરવાડ, રબારી અને ચારણ સમાજના લોકો જોડાશે.

કાલે સવારે ૧૦ વાગ્યે રાજકોટના મોરબી રોડ, ગીરીરાજ પાર્ટી પ્લોટ ખાતેથી આ પગપાળા રેલી શરૂ થશે. કલેકટર કચેરીએ જઇ મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવા માટેનું આવેદનપત્ર સુપ્રત કરાશે.

ગીર, બરડા, આલેચ વિસ્તારમાં વસવાટ કરતા અને વિસ્થાપિત થયેલા ભરવાડ, રબારી, ચારણ સમાજને વર્ષ ૧૯૫૬ થી જ મહામહીમ રાષ્ટ્રપતિશ્રીના જાહેરનામાથી અનુસુચિત જનજાતિનો દરજજો આપવામાં આવેલ છે. આ બાબતે રાજય સરકાર દ્વારા રાજકીય દબાણોને વશ થઇ વિસંગતતા ઉભી કરવામાં આવી છે તે ભારોભાર અન્યાયકર્તા છે. આ બાબતે ત્વરીત ઘટતી કાર્યવાહી કરવા માંગણી ઉઠાવવામાં આવી છે.

૧૧ મુદ્દાઓ સાથેનું આ વિસ્તૃત આવેદનપત્ર કાલે કલેકટરશ્રીને અપાશે. આ રેલીમાં સંતો મહંતો શ્રી રામબાલકદાસ, મહંતશ્રી વઢવાણી મંદિર દુધઇ, રામબાપુ મહંતશ્રી નગાબાપા ઠાકર, બાવળીયા, ભુવાઆતા શ્રી જેઠાઆતા જુનાગઢ, અરજણભાઇ મોરી કન્વીનર આદીજાતી લડત સમિતિ, કરણાભાઇ માલધારી, વિભાભાઇ જોગરાણા, જીલુભાઇ ગમારા, રાજુભાઇ ચાવડીયા, રણજીતભાઇ મુંધવા વગેરે ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભરવાડ-રબારી-ચારણ એકતા સમિતિના આગેવાનો સર્વશ્રી કરણાભાઇ માલધારી, મુન્નાભાઇ ગઢવી, વિભાભાઇ જોગરાણા, જીલુભાઇ ગમારા, જગદીશભાઇ મોરી, રાણાભાઇ લોહ, રણજીતભાઇ મુંધવા, રામભાઇ રગીયા, વાઘજીભાઇ કરમટા, દયાળભાઇ કરમટા, વિરમભાઇ કરમટા, ખીમાભાઇ વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:57 pm IST)