Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વાંસળીથી વિખૂટા સ્વરે હૈયાં ઢંઢોળી પૂછ્યું, તમે માધવને દીઠો છે કયાંય?

પંડિત રોનુજીની વાંસલડી અને શ્રોતાઓના કર-તાલ થી સપ્તસંગીતિમાં બાંકે બિહારીની પૂજા થઇ : ગોવિંદમાં 'ગો' એટલે ઇન્દ્રિય અને 'વિંદ' એટલે ચરાવવું તે, આ આધુનિક ગોવિંદે શ્રોતાઓને સૂરોથી ચરાવ્યા : અધરથી ફુટેલી મધુર સરવાણી સ્વર તાપણે ઉરની ઉજાણીનો આસ્વાદ શ્રોતાઓને મનભરી માણ્યો :પંડિત રોનુ મઝુમદાર ના વેણુ વાદનથી સપ્ત સંગીતિનું આંગણુ જાણે 'બંસીવટ' બની ગયું: વાંસળીથી વહેતો થયેલો સૂર જાણે કદંબની ડાળ શોધી રહ્યો હોય તેવો અહેસાસ થયો : વાંસળીના છીદ્રો પર ફરતી કોમળ આંગળીઓ અને અધર થી વેણુને મધુર સ્પર્શ.. તેમના સ્વરોની ફૂંક ઇશ્વરીય સુખ આપી ગઇ

રાજકોટ, તા. ૦૭ : રાધાની આંખો, ગોપીઓની તાળી, નરસિંહની કરતાલ અને મીરાંનો એકતારો ઉછીનો લઇને કૃષ્ણને શોધવા આવેલા શ્રોતાઓના હૃદય નીચોવાયા જયારે મહિયર ઘરાના સ્વરસ્થ બાંસુરી વાદક પંડિત રોનુ મઝુમદારે બંસીમાં પ્રાણ ફૂંકયા. નવ ભાષાઓ પર પ્રભૂત્વ ધરાવતા પંડિતજી વાંસલડીથી સંગીતની ભાષા બોલ્યા ત્યારે તે દરેકને હૃદય સોંસરવી ઉતરી ગઇ. પંડિત રોનુજીએ નમસ્કાર કરી સપ્તસંગીતિનો આભાર માની સૂરોને શ્રોતાઓની જોળીમાં નાંખવા આવ્યો છું તેમ જણાવી તેમની નમ્રતાનો પરિચય આપ્યો હતો.

સપ્ત સંગીતિની ચતુર્થરાત્રી સ્વરની ચરમસીમાને પામી જયારે પંડિત રોનુ મઝુમદારજીએ રાગ જયજયવંતિને ગતિ આપી. આલાપ, જોડ, જાલા અને રૂપક તાલના ઠેકા સાથે પ્રારંભ થયો. આ રાગમાં પંડિતજીએ બાગેશ્રી અંગ ને સ્પર્શ કર્યો હતો. જેથી રાગનો નીખાર વધી ગયો. રાગના આરોહના સ્વર... ધ ની રે, ગ મ ધ ની સાં.. અવરોહમાં... સાં ની ધ પ મ ગ રે, ગ રે સા (ની કોમળ) આવે છે. વાદનની સાથે તેમણે ફૈયાઝ ખાઁ સાહેબની પ્રખ્યાત બંદિશ 'મોરે મંદિર આજ લો નહીં આયે, કૈસી મેરો ચૂક ભયી મોરે સજની..' ગાઇ કંઠની કોમળતાનો પણ પરિચય આપ્યો. તેમણે ગાયનની તાલીમ આ ક્ષેત્રે એમના ગુરૂ પં. લક્ષ્મણપ્રસાદ જયપુરવાલે પાસેથી પ્રાપ્ત કરી છે. દ્રૂત તીનતાલના ઠેકા સાથે ગાયનમાં આવતા ખટકા, ગમક અને લયકારીનો પાંચ સપ્તક સુધીના જાદુથી લોકોને રીતસર હિપ્નોટાઇઝ કરી નાંખ્યા.

સભાના મધ્યાહનમાં રાગ નંદ ને રેલાવ્યો. બાંસુરી માટે ડિફિકલ્ટ રાગ નંદ (જે નંદ કલ્યાણ કે આનંદી કલ્યાણ તરીકે પણ ઓળખાય છે) માં મધ્યલય તીનતાલમાં તેમણે લખેલી બંદિશ 'અજહું ના આયે ઘનશ્યામ, રાહ તકત હારે નૈન હમારે' ને રજુ કરી. તેમની વાંસળીમાંથી નીસરતા મોહક અને માદક સૂર જયારે શાંત વાતાવરણમાં રેલાયા ત્યારે એનો મધુરનાદ ભાવકોને રસમાધુર્યનું પાન કરાવતો હતો. સપ્તસંગીતિનું આંગણુ જાણે 'બંસીવટ' બની ગયું.

'તુ કૌન હૈ મેરા, કોઇ નહિં.. મૈ કૌન હું તેરા કોઇ નહિં.. લેકિન જબ ભી આતે જાતે તું મીલ જાતા હૈ, તુજ પર પ્યાર બહોત આતા હૈ..' રાજકોટની ઓડિયન્સને સંબોધી આ શેર પંડિત રોનુ મઝુમદારે જયારે કહ્યું ત્યારે વાહ..વાહ.. અને તાળીઓનો જાણે વરસાદ થયો. બનારસ અંગ ને લઇ રાગ પિલુ નો રસ ઘોળ્યો. જેમાં ફિલ્મી ગીતો 'ધીરે સે આજા અખીયન મેં..' અને 'અબકે બરસ ભૈયા બાબુલ..' ને રજુ કરતા લોકોના હૈયાની સાથે કંઠ પણ ગાઇ ઉઠ્યા. એ પછી રાગ ગારા માં 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે..'ને ગુંજતુ કરી પંડિતજીએ શ્રોતાઓને ઘા વિના ઘાયલ કરી દીધા.

રાગ હંસધ્વની (જા તોસે નહિં બોલું કન્હૈયા અને લાગી લગન સખી પતિ સંગ)..તેમાંથી રાગ સરસ્વતી, રામદાસી મલ્હાર, બસંત, બસંતબહાર, સહાના બહર... આહા.. પંડિતજીએ જાણે રાગોનો છપ્પનભોગ ધર્યો. વાંસળીના છીદ્રો પર ફરતી કોમળ આંગળીઓ અને અધર થી વેણુને મધુર સ્પર્શ.. તેમના સ્વરોની ફૂંક ઇશ્વરીય સુખ આપી ગઇ.

કૃષ્ણની વાંસણી હોય અને નરસૈયો ન હોય તેવું બને.? નરસિંહનું પ્રભાતિયું 'વૈષ્ણવજન તો તેને રે કહિયે..' મૂળ સ્વરૂપે લોકસંગીતના રૂપે પ્રવાહિત કર્યું ત્યારે એક જ પ્રશ્ન ઉઠ્યો.. વાંસળીથી વિખૂટા સ્વરે હૈયાં ઢંઢોળી પૂછ્યું, તમે માધવને દીઠો છે કયાંય ? વાંસળીથી વહેતો થયેલો સૂર જાણે કદંબની ડાળ શોધી રહ્યો હોય તેવો અહેસાસ થયો. પં. રોનુજીની વાંસલડી અને શ્રોતાઓના કર-તાલ થી સપ્તસંગીતિમાં બાંકે બિહારીની પૂજા થઇ. પંડિતજીએ શ્યામળાને સૂરોથી સજાવ્યો.. ગોવિંદમાં 'ગો' એટલે ઇન્દ્રિય અને 'વિંદ' એટલે ચરાવવું તે. આ આધુનિક ગોવિંદે શ્રોતાઓને સૂરોથી ચરાવ્યા. પંડિત રોનુ મઝુમદારની મુરલી એ લીલા કરી.

સભાના અંતિમ પડાવે રાગ ભૈરવી છેડી વાંસણીને વાચા આપી. ઉસ્તાદ ફૈયાઝ ખાઁ સાહેબની બંદિશ 'ખુલ ખુલ જાયે..બાજુ બંધ..' તથા ગુજરાતનું દ્યરેણું એવા પં. ઓમકારનાથ ઠાકુરની બંદિશ 'મત જા મત જા જોગી, પાંવ પડું મૈ તેરે..' ગાઇ અને બજાવી. પં. રોનુજીએ શ્રી હેમુગઢવી અને શ્રી પુરૂષોત્ત્।મ ઉપાધ્યાયને પણ યાદ કર્યા. પંડિત રિનુજી સાથે બનારસ ઘરાનાના પંડિત શુભ મહારાજે સંગત કરી. તબલા ને ગાતુ કર્યું. તેમના નાના પંડિત કિશન મહારાજ પાસેથી મેળવેલી સઘન તાલીમ તેમના વાદનમાં ઉપસી આવી હતી. રોનુજી સાથે તેમના શિષ્ય અને રાજકોટ આકાશવાણીના બી-હાઇ ગ્રેડ કલાકાર ઉનાના વિપુલ વોરાએ સ્વર સંગાથ કર્યો. પં. રોનુ મઝુમદારના અધર થી ફુટેલી મધુર સરવાણી સ્વર તાપણે ઉરની ઉજાણીનો આસ્વાદ શ્રોતાઓને મનભરી માણ્યો.

નિઓ... તુમ જીયો...

પં.રોનુ મઝુમદારને માણવા ૧૮૦૦થી વધુ લોકો ઉમટી પડ્યાઃ સપ્ત સંગીતિની વેબસાઇટ પરથી લાઇવ પ્રસારણ

રાજકોટઃ સતત ચોથા વર્ષે સપ્તસંગીતિનું કાબીલેદાદ આયોજન કરવા બદલ નીઓની સમગ્ર ટીમને નમન. પંડિત રોનુ મઝુમદાર ને માણવા ૧૮૦૦ થી વધુ લોકો ઉમટ્યા છતા વ્યવસ્થામાં કયાંય પણ કચાસ ન દેખાઇ. શ્રોતાઓએ પગથિયા પર બેસીને પણ મજા માણી. સંગીત એ સાંભળવા કરતા પિવાની પરંપરા છે. અને સંગીત પિવરાવવાની પરંપરાને જાળવવા સ્વરનું પરબ નિયો એ ખોલ્યું છે. શ્રી વિક્રમભાઇએ કહેલું કે, પ્રાઇવેટ બેઠકમાં આવા દિગ્ગજ કલાકારોને સાંભળવા પૈસા આપવા પડે જયારે નીઓએ વિનામુલ્યે અમૂલ્ય કલાકારોને જાહેરમાં રજુ કર્યા છે. હું તેનાથી થોડું આગળ કહીશ કે નીઓ જેમ સરકારી શાળાઓમાં બાળકોને ભણવાની સુવિધાઓ આપે છે તેમ રાજકોટમાં સંગીત માટે તો આખી સપ્તસંગીતિ નામની નિશાળ જ શરૂ કરી છે. જેને શિખવું છે, સમજવું કે માણવું છે તે બધાને નીઓની સંગીતની નિશાળમાં બધુ જ મળી રહે છે. જે લોકો પ્રત્યક્ષ આવી નથી શકતા તેઓ પરોક્ષ રીતે એટલે કે 'સપ્તસંગીતિ.ઓઆરજી' વેબસાઇટ પરથી પણ માણી શકે છે. થેંન્ક યુ નીઓ.. તુમ જીયો.

ઉર્મિ મકવાણાએ પોતાની પ્રતિભા દર્શાવી

રાજકોટ : સપ્તસંગીતિનો મંચ ઉગતા કલાકારોને પણ તક આપે છે ત્યારે રાજકોટની ઉર્મિ મકવાણાએ રાગ રાગેશ્રીમાં 'એકલ સબ દુખ દેખો મોરે કરતાર..' બંદિશ મધ્યલય ત્રીતાલમાં સાથે રજુ કરી. આલાપ, તાન અને લયકારીનો સુંદર પ્રયાસ કર્યો. એ બાદ રાગ હંસધ્વનીમાં કબીર ભજન કે જે મૂળ અશ્વિની ભિડે દેશપાંડે એ ગાયું છે તે 'લગન બીન જાગેના નીર મોહીં' રજુ કર્યું. તેની સાથે તબલા સંગત વેદ શુકલ અને હાર્મોનિયમ સંગત પલાશ ધોળકિયાએ કરી હતી.

કલામાં 'આવડી ગયું' તે ખતરનાક વસ્તુ છે : પંડિત રોનુ મઝુમદાર

રાજકોટ : નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સપ્તસંગીતિ ૨૦૨૦માં પધારેલા પંડિત રોનુ મઝુમદારજીએ જણાવ્યું હતું કે, આજકાલ આવતા રિયાલિટી શોમાં કલાકારો આવે છે, તૈયારી પણ કરે છે. પણ જયારે કોઇ જજ કે કોઇ અન્ય તેના વખાણ કરે ત્યારે તે બધું જ આવડી ગયું હોય તેમ માની લે છે. જે સાચા કલાકાર માટે તે ખતરનાક છે.

પંડિતજીએ જણાવ્યું હતું કે, હવેના ગીતોમાં મજા નથી રહી. આર.ડી. બર્મન સાથે કામ કરી ચૂકેલા રોનુજીએ અનેક ફિલ્મોમાં બાંસુરી વગાડી છે. ૧૯૪૨ અ લવ સ્ટોરી ના ગીત કુછ ના કહો માં તેમણે ફ્લ્યુટ વગાડી છે. તેમના બે પુત્રો સિધ્ધાર્થ અને ઋષીકેશ પણ પિતાના પગલે બાંસુરી વગાડે છે. પંડિતજીએ ૨૦૦૯ માં બ્રિથલેસ ફ્લ્યુટ નામનું આલ્બમ બનાવેલું જેમાં પહેલા ભાગમાં હકીકતમાં બ્રિથલેસ વાંસળી વગાડી. કારણ આ શિશિર વાદ્ય સ્વાસ (હવા) થી જ વાગે અને એક સાથે એક સ્વાસમાં વગાડવું ખુબજ અશકય કહી શકાય તેવી બાબત છે પણ પંડિતજીએ તે શકય કરવાનો પ્રયત્ન કર્યો અને સફળ પણ રહ્યા.

(3:52 pm IST)