Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પ્યાર મેં ધોખાઃ પ્રેમીએ સગર્ભા પ્રેમિકાને તરછોડી દીધી,મુંબઇની યુવતિ સંતાનને જન્મ આપવા રાજકોટ આવી

દોઢેક માસથી નિરાશ્રીતોને સાચવતી સંસ્થામાં આશરો લીધોઃ નવમો મહિનો શરૂ થતાં ઝનાનામાં દાખલ

રાજકોટ તા. ૭: અઢી અક્ષરનો પ્રેમ ગમે ત્યાં ગમે તેની સાથે થઇ જતો હોય છે. પરંતુ પ્રેમ નિભાવવો અઘરો હોય છે. અહિ એવા કિસ્સા રોજબરોજ સામે આવતાં રહે છે જેમાં પ્રેમી કે પ્રેમિકાની દગાખોરીનો ભોગ બનતાં હોય છે. મુંબઇ પંથકની એક  યુવતિ સાથે આવુ જ થયું છે. સાથે નોકરી કરતાં યુવાન સાથે પ્રેમ થયા બાદ તેના થકી સગર્ભા બની હતી. પરંતુ પ્રેમીએ જાકારો દઇ દેતાં આ યુવતિ પ્રેમની નિશાની સમા સંતાનને જન્મ આપવા છેક રાજકોટ આવી છે. અહિની સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં તે પુરા નવ માસના ગર્ભ સાથે દાખલ થતાં તબિબોએ તેણી કુવારી માતા બનવાની હોઇ આ કેસને એમએલસી જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ મારફત ભકિતનગર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવવામાં આવતાં પીએસઆઇ એ. વી. પીપરોતર અને રામદેવસિંહ તેણીનું નિવેદન નોંધવા પહોંચ્યા હતાં. જો કે આ યુવતિએ પોતાને કોઇ ફરિયાદ નહિ હોવાનું કહ્યું હતું અને પોલીસ સમક્ષ પોતાની કહાની વર્ણવી હતી. મુંબઇ પંથકમાં રહી નોકરી કરતી આ યુવતિને સાથે જ કામ કરતાં એક યુવાન સાથે પરિચય થયો હતો. હમઉમ્ર એવા આ બંને યુવાહૈયાઓ પછી પ્રેમના પંથે આગળ વધી ગયા હતાં. છેલ્લે ખુબ આગળ વધી ગયા હતાં અને યુવતિ સગર્ભા બની ગઇ હતી. આ વાતની તેણીએ પ્રેમીને જાણ કરતાં તે આ બાળક પોતાનું છે જ નહિ...તેવું કહી તેણીને તરછોડીને જતો રહ્યો હતો.  લવ, સેકસ ઓૈર ધોખા...જેવી આ કહાનીમાં પ્રેમી થકી સગર્ભા થઇ અને પ્રેમી તરછોડીને જતો રહ્યો હોવા છતાં યુવતિએ પોતાનો પ્રેમ સાચો છે એ સાબિત કરવા ગર્ભમાં ઉછરી રહેલા પ્રેમીના સંતાનને જન્મ આપવાનો નિર્ધાર કરી લીધો હતો. જેમાં તેને પરિવારજને પણ સાથ આપ્યો હતો. આ યુવતિએ પોતાના વતનથી દૂર બીજા રાજ્યમાં માતા બનવાનું નક્કી કર્યુ હતું અને ઇન્ટરનેટ થકી રાજકોટની નિરાશ્રીત મહિલાઓને સાચવતી સંસ્થાનો સંપર્ક કર્યો હતો.

જરૂરી કાર્યવાહી બાદ આ યુવતિને સંસ્થામાં પ્રવેશ અપાયો હતો. ત્યારે તેણીના પેટમાં સાત માસનો ગર્ભ હતો. હવે તેણીને નવ માસ પુરા થતાં ગઇકાલે દુઃખાવો ઉપડતાં ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબિબોએ તેણી કુંવારી માતા બનતી હોઇ પોલીસને જાણ કરી હતી. જો કે યુવતિએ પોતાના તરફથી ફરિયાદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સાચો પ્રેમ આવો પણ હોઇ શકે! કહાની સત્ય છે, પરંતુ ભોગ બનનાર પોતાની ઓળખ દર્શાવવા ઇચ્છતા ન હોઇ અહિ નામ લખાયું નથી.

(1:19 pm IST)