Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મારા સગા પોલીસમાં છે, કોઇએ મને હાથ અડાડ્યો તો છરીથી હાથ કાપી નાંખીશઃ ધારા વ્યાસની પોલીસ કર્મીઓને ધમકી

જાગનાથ પ્લોટ-૩૩માં ભાડેથી રહેતી ધારાએ બીજા ભાડુઆત સાથે ડખ્ખો કર્યોઃ ફરિયાદને આધારે પોલીસ તપાસ માટે પહોંચતા ધારા અને તેના પતિ અભય વ્યાસે ફરજમાં રૂકાવટ કરીઃ બંનેની ધરપકડ

રાજકોટ તા. ૭: હાલ લંડન રહેતાં પરિવારના જાગનાથ પ્લોટ-૩૩માં આવેલા મકાનમાં ભાડેથી રહેતી ધારા અભય વ્યાસ અને તેના પતિ અભય હસમુખભાઇ વ્યાસે  આ મકાનમાં જ ઉપરના માળે ભાડેથી રહેતાં દરબાર પરિવારના મહિલા સાથે ઝઘડો કરી બાદમાં તપાસ માટે આવેલા મહિલા પોલીસ કર્મચારી તથા બીજા પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી 'મારા સગા પોલીસ ખાતામાં છે, કોઇએ હાથ અડાડ્યો તો છરીથી હાથ કાપી નાંખીશ' તેવી ધમકી આપી ધમાલ મચાવતાં અને પોલીસ કર્મચારીને મારવા દોડતાં આ મામલે ગુનો નોંધી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે ભકિતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહિલા હેલ્પ લાઇન ૧૮૧ના કર્મચારી દક્ષાબેન કેશુભાઇ મકવાણાની ફરિયાદ પરથી ધારા વ્યાસ અને તેના પતિ અભય હસમુખભાઇ વ્યાસ સામે આઇપીસી ૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. દક્ષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે અમે સોમવારે ૧૮૧ના કાઉન્સીલર અનુરાધાબેન સાથે ફરજમાં હતાં ત્યારે રાત્રે અગિયારેક વાગ્યે જાગનાથ પ્લોટ-૩૩માં રહેતાં ઉષબા રાયસિંહ જાડેજાનો ફોન આવ્યો હતો કે પડોશી ધારાબેન અભયભાઇ વ્યાસ અને તેના પતિ અભયભાઇ હેરાનગતિ કરી રહ્યા છે.

આ ફોન કોલને આધારે અમે ગાડી લઇ બનાવની જગ્યાએ જતાં ધારાબેન ત્યાં હાજર નહોતાં. તેણીને ફોન કરતાં તેણે 'હું પોલીસ કમિશનર કચેરીએ છું, તું અહિ આવ' તેમ કહી મને ફોનમાં ગાળો દેતાં હું અરજદાર ઉષાબાને લઇને પોલીસ કમિશનર કચેરીએ પહોંચતા જ ધારાબેને જેમફાવે તેમ ગાળો ભાંડતા તે કન્ટ્રોલ થાય તેમ ન હોઇ પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી ગાડી બોલાવી હતી. આ કારણે ધારાબેન વધુ ઉશ્કેરાઇ ગયેલ અને બધાની હાજરીમાં વધુ ગાળો બોલવા માંડતા મહિલા પીએસઆઇને બોલાવ્યા હતાં. ધારાબેન સાથે તેના પતિ પણ હાજર હતાં તે પણ પત્નિને મદદ કરતાં હતાં. ધારાબેન પોતાની પાસે નાની બાળકી હોઇ તેની આડમાં બેફામ વર્તન કરી પોતે એ-ડિવીઝન પહોંચે છે તેમ કહી રવાના થઇ ગયેલ.

એ પછી મહિલા પીએસઆઇ આવતાં અમે ધારાબેનના પતિને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇને પહોંચ્યા હતાં. ત્યાં અરજદાર ઉષાબાનો ફરીથી ફોન આવ્યો હતો કે ધારાબેને ઘરમાં તોડફોડ શરૂ કરી છે. આથી અમે ફરીથી એ-ડિવીઝનના કોન્સ. કોકીલાબેન, ઇન્વે સ્ટાફના ધર્મેન્દ્રસિંહ, ક્રિપાલસિંહ, જયપાલસિંહ સહિતના ગાડી લઇ જાગનાથ-૩૩માં જતાં ધારાબેને ફરીથી ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે મારા સગા પોલીસમાં છે, હું કોઇનાથી ડરતી નથી, કોઇએ મને હાથ અડાડ્યો છે તો છરીથી હાથ કાપી નાંખીશ...આમ કહી ધમકી દઇ બેફામ ગાળો ભાંડી હતી અને મારવા દોડતાં તેને માંડ-માંડ કન્ટ્રોલ કરી પોલીસ મથકે લાવી ફરજમાં રૂકાવટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જે મકાનમાં ધારા વ્યાસ અને તેના પતિ ભાડે રહે છે તેમાં જ ઉષાબા તેના પરિવાર સાથે ઉપરના માળે રહે છે. આ મકાનના મુળ માલિક લંડન રહે છે. ઉષાબાને મકાનમાંથી હાંકી કાઢવા આ ઝઘડો કરવામાં આવ્યો હતો. ફરજમાં રૂકાવટની ફરિયાદને આધારે પીએસઆઇ વી. સી. રંગપરીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)