Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

વિરપુર ઠાકોરસાહેબના દિકરીના રાજકોટના મકાનમાં ગેરકાયદે કબ્જો

રાજકોટના મોટી ટાંકી ચોકમાં આવેલી વિરપુર હાઉસ નામની મિલ્કત ઓરિસ્સા ભુવનેશ્વર સાસરૂ ધરાવતાં દિકરી દૂર્ગાદેવીને ગિફટ ડીડમાં પિતાજીની હયાતીમાં મળી હતીઃ ઠાકોરસાહેબના અવસાન બાદ દૂર્ગાદેવી પોતાના માતાને ભુવનેશ્વર લઇ ગયા'તાઃ પાછળથી તેમના ભાગના મકાનમાં કાકાના દિકરા દેવેન્દ્રસિંહ જાડેજા અને કાકી ચાંદકુમારીબા જાડેજાએ ગેરકાયદે કબ્જો જમાવી દૂર્ગાદેવી અને તેમના માતાનેે ઘરમાં પ્રવેશતા અટકાવ્યાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૭: વિરપુર ઠાકોર સાહેબના દિકરી કે જેઓ હાલ ઓરિસ્સા ભુવનેશ્વર સાસરે છે તેમને પિતાજી તરફથી રાજકોટમાં મોટી ટાંકી ચોકમાં આવેલા વિરપુર હાઉસ નામનું મકાન ગિફટ ડીડમાં મળેલુ હોઇ પિતાજી ઠાકોરસાહેબના અવસાન બાદ આ મકાનમાં તેણીના ભાગની મિલ્કતમાં પણ કાકાના દિકરા ભાઇ અને કાકીમાએ ગેરકાયદેસર કબ્જો જમાવી લઇ તેણીને મકાનમાં પ્રવેશતા અટકાવતાં કાવત્રુ રચી ભય બતાવી બળજબરીથી કબ્જો જમાવી ઠાકોરસાહેબના દિકરી અને તેમના માતાને તેમના જ મકાનમાં પ્રવેશતા અટકાવવા સબબ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ બારામાં પ્ર.નગર પોલીસે હાલ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ૩૨૦-બી, ખારવેલનગર ખાતે રહેતાં વિરપુરના સદ્દગત ઠાકોરસાહેબ શ્રી પુષ્પેન્દ્રસિંહજી જાડેજાના દિકરીબા અને ગિરીન્દ્રનારાયણ ભંજદેવના ધર્મપત્નિ શ્રી દૂર્ગાદેવીની ફરિયાદ પરથી મોટી ટાંકી ચોકમાં આવેલા વિરપુર હાઉસમાં રહેતાં દેવેન્દ્રસિંહ જદુર્વેન્દ્રસિંહ જાડેજા અને ચાંદકુમારીબા જદુર્વેન્દ્રસિંહ જાડેજા સામે આઇપીસી ૩૪૧, ૩૮૪, ૪૫૨, ૧૨૦ (બી) મુજબ કાવત્રુ રચી ભય બતાવી બળજબરી પુર્વક દૂર્ગાદેવીના મકાનમાં કબ્જો જમાવી લેવા અને ફરિયાદી દૂર્ગાદેવી સહિતને તેમાં પ્રવેશ કરતાં અટકાવવા સબબ ગુનો નોંધ્યો છે.

દૂર્ગાદેવીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું હાલ મારા બાળકો સાથે રહુ છું અને ગૃહિણી છું. મારા માવતર વિરપુરના છે. જેમાં વિરપુર ઠાકોરસાહેબ પુષ્પેન્દ્રસિંહજી મારા પિતાજી છે અને મારા માતા અલખનંદાદેવી છે. મારા લગ્ન ૨૦૦૦ની સાલમાં ભુવનેશ્વર રહેતાં ગિરીન્દ્ર નારાયણ ભંજદેવ સાથે થયા છે. જેનાથી સંતાનમાં મારે બે દિકરા છે. મારા પતિ ૨૦૧૪માં ગુજરી ગયા છે. મારા સાસુ સસરા લખનોૈમાં રહે છે.

મારા પિતાજીના નામે રાજકોટમાં સુભાષ રોડ પર વિરપુર હાઉસ નામનું બિલ્ડીંગ આવેલુ છે. આ મકાનમાં એક ભાગમાં મારા પિતાજી અને બીજા ભાગમાં મારા કાકા જદુર્વેન્દ્રસિંહ રહેતાં હતાં. ત્રીજા ભાગમાં મારા ફઇમબા કુમુદકુમારી રહેતાં હતાં. અમે પહેલા વિરપુર રહેતાં હતાં. હું ત્રણ વર્ષની હતી ત્યારથી અમે રાજકોટમાં વિરપુર હાઉસમાં રહેવા આવ્યા હતાં. મારે એક ભાઇ નિર્ભયસિંહ હતાં. તે મારાથી નાના હતાં. ૩૮ વર્ષની ઉમરે તેમનું ૨૦૧૩માં હાર્ટએટેકથી અવસાન થયું હતું.

વિરપુર હાઉસવાળા મકાનમાં અમારે આવવા-જવા માટે મકાનનો એક જ રસ્તો હતો. મારા લગ્ન બાદ હું મારા માતા-પિતાની સારસંભાળ માટે અવાર-નવાર રાજકોટ વિરપુર હાઉસમાં આવતી-જતી હતી. મારા ભાઇનું અવસાન થવાના કારણે મારા પિતાજીએ વિરપુર હાઉસમાં અમારા ભાગનું મકાન મને ગિફટ ડીડથી આપવાનું નક્કી કર્યુ હતું. એ પછી શ્રી શિવરાજસિંહ હરરિશ્ચંદ્રસ્િંહ વાળા ઢાંક દરબારસાહેબ તથા માનદેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ જાડેજા વિરપુર સ્ટેટની હાજરીમાં રાજકોટ ખાતે સબ રજીસ્ટ્રાર ઓફિસમાં રજી. નંબરથી તા. ૨૨/૦૮/૨૦૧૬ના રજ ગિફટ ડીડ મારા નામે કરી અપાયું હતું. મારા માતા-પિતા આ મકાનમાં જ રહેતાં હતાં. ત્યારબાદ મારા પિતાજી બિમાર રહેતાં હોઇ સારસંભાળ રાખવા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ મકાનનું ઘરકામ ગુલાબબેન અને નસીમબેન કરતાં હતાં. તેમજ રણજીતસિંહ જાડેજા મારા પિતાજીની સારવારમાં પગારદાર તરીકે રખાયા હતાં. જેઓ મારા પિતાજી ગુજરી ગયા ત્યાં સુધી નોકરી કરતાં હતાં. મારા પિતાજીનું તા. ૨૫/૦૭/૨૦૧૯ના રોજ અવસાન થયું છે. ત્યાં સુધી આ ઘરમાં તેઓ સારવાર અર્થે હતાં.

મારા લગ્ન થઇ ગયા હોઇ મારા ીપતાજી બિમાર હોઇ તેમની સારસંભાળ માટે કોઇ ન હોઇ મારા માતાએ મને રાજકોટ બોલાવતાં હું તા. ૦૯/૦૭/૨૦૧૯ના રોજ રાજકોટ આવી હતી. પરંતુ પિતાજી સ્વસ્થ થયા નહોતાં અને ૨૫/૭ના અવસાન પામ્યા હતાં. અંતિમવિધી પુરી થયા બાદ હું માતા સાથે રાજકોટ રોકાઇ હતી. એ પછી ૨૩/૦૮/૧૯ના રોજ મારા માતાને હું મારી સાથે ભુવનેશ્વર લઇ ગઇ હતી. મેં તા. ૯/૯/૧૯ના રોજ રાજકોટના પ્રિન્સીપાલ સિવિલ જજશ્રીની કોર્ટમાં સ્પેશિયલ દિવાની કેસ દાખલ કર્યો છે. જેમાં મારે વડિલો પાર્જિત મિલ્કતમાંથી અમારો હિસ્સો મેળવા અંગેનો દાવો હતો.

રાજકોટ છોડ્યાના દોઢેક મહિના પછી અમોને સગા-વ્હાલા મારફત જાણવા મળ્યું હતું કે મારા માતા-પિતા જે મકાનમાં રહેતાં  હતાં તેમાં અવર-જવર માટેનો સંયુકત રસ્તો હતો તે મારા કાકાના દિકરા દેવેન્દ્રસિંહ અને તેમના માતા ચાંદકુમારીબાએ બંધ કરી મકાન પચાવી પાડી કબ્જો કરી લીધો છે. આથી હું તા. ૧૬/૧૨/૧૯ના રોજ રાજકોટ આવી હતી અને ૧૮/૧૨ના અમારા મકાને જવું હતું, પરંતુ કાકાના દિકરા દેવેન્દ્રસિંહના ઉગ્ર સ્વભાવથી હું વાકેફ હોઇ જેથી મેં સુલેહશાંતિ ભંગ ન થાય એ માટે પ્ર.નગર પોલીસ મથકે જઇ પોલીસને સાથે આવવા અરજી કરી હતી.

આથી પોલીસના માણસો બપોરના દોઢેક વાગ્યે સાથે આવ્યા હતાં. હું, મારા માતા અને સગા હિતેન્દ્રસિંહ જાડેજા અમારા મકાને જતાં કાકાના દિકરા દેવેન્દ્રસિંહ જાડેજાએ મુખ્ય દરવાજો જ બંધ કરી દીધો હતો. વિનંતી કરવા છતાં ખોલ્યો નહોતો. તે વખતે તે ઉપર રેવશમાંથી જોતા હતાં. અમારા મકાન ઉપર દેવેન્દ્રસિંહ અને ચાંદકુમારીબાએ કબ્જો કર્યો હોઇ અમારો આ જગ્યાનો કાયદેસરનો અધિકાર હોવા છતાં અમને અમારા મકાનમાં જતાં રોકી અવરોધ કર્યો હતો. આથી અમે જે તે વખતે ત્યાંથી નીકળી ગયા હતાં. એ પછી મેં મારા ફોનમાંથી દેવેન્દ્રસિંહને 'ઓપન ધ ગેઇટ' એવો મેસેજ કર્યો હતો.

એ પછી અમે ગભરાઇને ૨૦/૧૨/૧૯ના રોજ પોલીસ કમિશનરશ્રીને અરજી કરી હતી. એ પછી અમે અમારા મકાને ગયા જ નથી. અમારા મકાનમાં અમારો કિંમતી સામાન, સોના-ચાંદીના દાગીના, એફડી સહિતની કિંમતી ચીજવસ્તુઓ છે. મારા માતા-પિતા શરૂઆતથી જ આ મકાનમાં રહે છે. મારા પિતાજીએ મને આ મકાન ગિફટ ડીડમાં આપેલુ છે અને પ્રોપર્ટી કાર્ડમાં પણ મારું નામ છે. પરંતુ પિતાજીના અવસાન બાદ મારા કાકાના દિકરા અને કાકામાએ મળી ગેરકાયદેસર રીતે અમારા મકાનનો કબ્જો મેળવી લીધો છે અને પચાવી પાડ્યું છે. તેમજ અમારી કિંમતી ચીજવસ્તુઓ પણ આ મકાનમાં જ છે.

દેવેન્દ્રસિંહ કુટુંબી ભાઇ થતાં હોઇ જેથી આ પ્રશ્ન પહેલા તો ઘરમેળે પતી જાય તેવા પ્રયાસો કર્યા હતાં. પરંતુ ભાઇ અને કાકીમાની વર્તુણક જોતાં તેઓ અમારી મિલ્કત પચાવી પાડવા જ ઇચ્છતા હોઇ અને પાછી આપે તેમ ન હોઇ જેથી મોડેથી ફરિયાદ કરી છે. એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રૂબરૂમાં આ એફઆઇઆર નોંધી પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવતાં પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ. ગોસાઇએ તપાસ શરૂ કરી છે.

(11:38 am IST)