Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

આનંદપુરમાં સદ્દગુરૂ સેવા સેતુ પરિવાર દ્વારા વિનામુલ્યે નેત્રયજ્ઞ

મધ્યપ્રદેશના અંતરીયાળ ગામમાં તા. ૨૬ નવેમ્બર ૨૦૧૮ થી તા. ૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી કેમ્પ : આંખના ૧૨૦૦૦ ઓપરેશનનો લક્ષ્યાંક : દર્દીને ભોજન, દવા, કાળા ચશ્મા, ધાબળાનું કરાતુ વિતરણ : ગુરૂભાઇ બહેનોનો સહયોગ

રાજકોટ તા. ૭ : સદ્દગુરૂશ્રી રણછોડદાસજી મહારાજની પ્રેરણાથી 'સદ્દગુરૂ સેવા સેતુ પરિવાર, રાજકોટ' પ્રેરક શ્રી સદ્દગુરૂ રણછોડદાસજી મહારાજ તેમજ શ્રી સદ્દગુરૂ શ્રી રણછોડદાસજી મહારાજ સ્થાપિત શ્રી સદ્દગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ આનંદપુરના સંયુકત ઉપક્રમે ૭ મો સેવા યજ્ઞ તા. ૨૬-૧૧-૨૦૧૮ થી તા. ૧૨-૧-૨૦૧૯ સુધી આયોજીત થયો છે.

શ્રી ગુરૂદેવે પોતાની હાજરીમાં નેત્રયજ્ઞ કરેલ તે જિલ્લાઓ ગુના, વિદિશા, સુજાલપુર સાગર અને મુરેના ઉપરાંત દમોહ, શીવપુરી, રાયસેન, ભોપાલ, શીહોર, સાજાપુર, આગર, રાજગઢ, અશોકનગર, સ્યોરપુર, બેતુલ, હરદા તેમજ ઉત્તરપ્રદેશના લલીતપુર ઉપરાંત રાજસ્થાનના કોટા, બારાં, ઝાલાવડ સહિત ૨૧ જિલ્લાઓનમાં જેનું અંતર આનંદપુરથી ૭૦ થી ૯૦ કિ.મી. આસપાસ થાય છે. ત્યાં મોતિયાબિંદના ઓપરેશનનો પ્રચાર કરીને જરૂરીયાતવાળા ક્ષેત્રોમાં આઉટ રીચ કેમ્પોનું આયોજન કરીને જરૂરીયાતમંદ દર્દીને વાહન દ્વારા સદ્દગુરૂ નેત્ર ચિકિત્સાલય આનંદપુર સુધી લાવી તેમની જરૂરીયાત મુજબના મોતિયાબીંદુના ઓપરેશનો અને ઉચિત ઉપચાર કરવામાં આવી રહેલ છે.

ઓપરેશન પછી તેમને પુનઃ કેમ્પ સ્થળે પહોંચાડી આપવાની સેવા પણ પુરી પાડવામાં આવે છે. નેત્રયજ્ઞ દરમિયાન દર્દીનારાયણને ચા-નાસ્તો, ભોજન, દવા, કાળા ચશ્મા તેમજ ઓપરેશન કરાવનાર દર્દીને એક ધાબળો તેમજ જરૂરીયાતવાળા દર્દીને સ્લીપર વિનામુલ્યે વિતરણ સેવા સદ્દગુરૂના પ્રસાદરૂપે ગુરૂભાઇઓના સહયોગથી આપવામાં આવે છે.

માનવ કલ્યાણ અર્થે નેત્રયજ્ઞની સેવા સદ્દગુરૂ સેવા પરિવાર રાજકોટ, મુંબઇ, ગુનાના સર્વે ગુરૂ ભાઇબહેનોના સહકારથી છેલ્લા છ વર્ષથી સદ્દગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ આનંદપુરના સંયુકત ઉપક્રમે થઇ રહી છે. જે મુજબ વર્ષ ૨૦૧ર-૧૩ માં ૬૪૪૪ ઓપરેશન, વર્ષ ૨૦૧૩-૧૪ માં ૯૦૮૪, વર્ષ ૨૦૧૪-૧૫ માં ૮૬૮૫, વર્ષ ૨૦૧૫-૧૬ માં ૧૦૩૦૪, વર્ષ ૨૦૧૬-૧૭ માં ૮૮૭૪, વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૨૯૮૫ ઓપરેશનો કરાયા હતા.

આ વર્ષનો ટારગેટ ૧૨૦૦૦ ઓપરેશનોનો રાખવામાં આવેલ છે.

આ કેમ્પોની વધુ માહીતી માટે મહેન્દ્રભાઇ પી. દતાણી મો.૯૪૨૮૮ ૯૦૪૯૦ અથવા ફોન ૦૨૮૧- ૨૨૩૦૬૩૯ ઉપર અથવા બીપીનભાઇ હેરમા મો.૯૪૨૮૨ ૮૩૭૭૮ અથવા પરેશભાઇ ચૌહાણ મુંબઇ મો.૯૯૩૦૦ ૦૩૦૨૭ અથવા નિકેત મસરાણી સુરત મો.૯૯૦૪૩ ૯૮૦૪૩ નો સંપર્ક કરવા જયદેવભાઇ ઓઝાની યાદીમાં જણાવાયુ છે.

સદ્દગુરૂનગર - આનંદપુર વિશે

મધ્યપ્રદેશના આ અંતરિયાળ ગામ પર શ્રી ગુરૂદેવ શી રીતે પસંદગી ઉતારી એનો એક ઇતિહાસ છે. અત્યારે જયાં શ્રી રામદાસ હનુમાન મંદિર આવેલું છે એ સ્થાનની આસપાસ ત્યારે ગાઢ જંગલ હતું. લોકો એને 'બુડાખેરેના જંગલ' તરીકે ઓળખતા. આ જંગલની વચમાં એક નાનકડીશ્રી હનુમાનજી મહારાજની દેરી. આનંદપુર ગામના રમેશભાઇ, ગોવર્ધનભાઇ અને સુરેશભાઇના પિતા કુંદનલાલજી ઉપાધ્યાય પરણીને અવંતીબાઇ સાથે આનંદપુર આવેલા. સ્વભાવે પોતે શાંત, સરળ અને માયાળુ, લગ્ન થયા પૂર્વે જ અવંતીબાઇના મોટાભાઇ ઘર છોડીને જતા રહેલા. પાછળથી એવા સમાચાર મળેલા કે તેઓ સાધુ થઇ ગયા છે.

લગભગ ૭૦ વર્ષ પહેલાં બનેલી આ ઘટના છે. એક દિવસ ગામના કોઇ સંત સેવી ખેડૂત સમાચાર લાવ્યા કે એક મહાત્મા થોડા દિવસથી બુડાખેરેમાં આવ્યા છે ને હનુમાનજીની દેરીના ઓટલા પર બેસીને આકરી તપસ્યા કરે છે. સમાચાર સાંભળતા અવંતીબાઇના મનમાં વીજ ઝબકારો ઉઠયો, એમને થયું, કયાંક મારા ભાઇ તો નહી આવ્યા હોય? પોતાના પતિને સાથે લઇને તેઓ બેલગાડામાં બુડાખેરે પહોંચી ગયા.

દેરીની બાજુમાં આવેલા ઝાડ નીચે શ્રી ગુરૂદેવ પદ્દમાસન લગાવીને બેઠેલા. બેલગાડી ઉભી રહેતા એમણે આંખો ખોલી. અવંતીબાઇને ખ્યાલ આવી ગયો કે આ મારા ભાઇ નથી. મારા ભાઇ પણ કયાંક આ રીતે રહેતા હશે. એવો વિચાર આવતા એમની આંખો વરસવા માંડી. અંતર્યામી શ્રી ગુરૂદેવ એમની પીડા સમજી ગયા. તરત બોલ્યાઃ 'બાઇ, સમજ લો કિ મેં હી તુમ્હારા ખોયા હુઆ ભાઇ હું.' અવંતીબાઇનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠયો. એ પળે જ એમના હૃદયની ભાવનાઓ શ્રી ગુરૂદેવ સાથે ભાઇ-બહેનના સંબંધે જોડાઇ ગઇ. એમણે કાળજીપૂર્વક શ્રી ગુરૂદેવની સેવા કરી. અવંતબાઇના મા સુંદરમાં એમને ભેલસામાં મળ્યા. સુંદરમાની આંખોમાંય શ્રી ગુરૂદેવ પુત્ર તરીકે જ વસ્યા. પુત્ર વિરહમાં દુઃખી રહેતા માતાજીનો શ્રી ગુરૂદેવે હૃદયપુર્વક મા તરીકે સ્વીકારકર્યો.

એક દિવસ સુંદરમાંની હાર્દિક ઇચ્છા જાણીને પોતે એમને વચન આપ્યું કે તેઓ ગમે ત્યાં હશે તો પણ માના અંતિમ દિવસોમાં જરૂર આવી પહોંચશે ને એક પુત્ર તરીકે એમની ચિતામાં લાકડાય નાંખશે.

ઉપાધ્યાય પરિવાર સાથે ધીરે-ધીરે  આખું આનંદપુર ગામ શ્રી ગુરૂદેવને 'મામાજી' તરીકે ઓળખવા લાગ્યું. શ્રી ગુરૂદેવે પણ આનંદપુરને પોતાનું જ માન્યું. એ ગામ પ્રત્યે અમને વિશેષ લગાવ રહ્યો. પોતે અવાર-નવાર આનંદપુર પધારે અને અવંતીબાઇ પર ભાતૃપ્રેમ વરસાવી જાય.

(4:26 pm IST)