Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભૂપત ભરવાડની હત્યાના આરોપી સિકંદર અને અસલમને કાયદાનું ભાન કરાવતી થોરાળા પોલીસ

રાજકોટઃ શુક્ર-શનીવારની મોડી રાત્રે મનહરપરાના ભૂપત ઘુઘાભાઇ બોળીયા (ઉ.૨૫) નામના ભરવાડ યુવાનને તેનો જ મિત્ર સિકંદર ઉર્ફ સિકલો હુશનેભાઇ જૂણેજા (ઉ.૨૯-રહે. મેરામબાપાની વાડી પાછળ શેરી નં.૩-૪) પોતાના મિત્ર શિવાજીનગર-૧૫માં રહેતાં અસલમ અલીભાઇ પઠાણ (ઉ.૩૦) સાથે ચાલતી માથાકુટનું પોતે સમાધાન કરાવી દેશે તેમ કહીને સાથે લઇ ગયા બાદ અસલમ સાથે મળી ભૂપતને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. થોરાળા પોલીસે આ બંને આરોપીઓને દબોચી લઇ આકરી પુછતાછ કરી હતી. આજે બપોરે આ બંને આરોપીઓને શિવાજીનગર ચોકમાં લઇ જઇ આગવી ઢબે કાયદાનું ભાન કરાવવાની કાર્યવાહી થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. પી.આઇ. એસ. એન.ગડ્ડુ, પીએસઆઇ પી. ડી. જાદવ, અજીતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર, કેલ્વીન સાગર, બળભદ્રસિંહ જાડેજા, વિજયભાઇ, ધર્મેન્દ્રસિંહ, આશિષભાઇ, રોહિતભાઇ કછોટ સહિતના સ્ટાફે આરોપીઓને ઝડપી લીધા બાદ આજે બપોરે બંનેને કાયદાનું ભાન કરાવાયું હતું. અસલમના મિત્રને અગાઉ ભૂપત ભરવાડ સાથે માથાકુટ થઇ હતી. તે કારણે ૩૧મીએ અસલમ અને ભૂપત વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું સમાધાન કરવા ભૂપતને તેનો મિત્ર સિકંદર પોતાના મિત્ર અસલમ પાસે લઇ ગયો ત્યારે ફરી ઝઘડો થતાં અસલમ અને સિકંદર બંને છરીથી તૂટી પડ્યા હતાં અને ભૂપતનું ઢીમ ઢાળી દીધું હતું. અસલમે પોલીસ સમક્ષ એવું રટણ કર્યુ હતું કે જો પોતે ભૂપતને ન મારત તો પોતાને ભૂપત મારી નાંખત. તસ્વીરમાં બંને શખ્સને ચોકમાં ફેરવાયા તે દ્રશ્ય તથા પોલીસ મથકમાં બંનેની પુછતાછ થઇ તે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૧૪)

(4:21 pm IST)