Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ખુલ્લા આકાશ નીચે ઠંડીમાં ઠુઠવાયા ગરીબો : તંત્ર પાણીમાં

રાજકોટમાં ૫-૫ રેનબસેરા, જાળવણીમાં લાખો રૂપિયાનો ખર્ચ છતા નિરાધારો ફૂટપાથ પર નિઃસહાયઃ રસ્તાઓ, ફૂટપાથો પર રહેતા ગરીબ લોકોનું સ્થળાંતર ન કરી ઘરોમાં છુપાઈ રહ્યા અધિકારીઓઃ આજી ડેમ અને રામનગરના રેનબસેરામાં એક વર્ષમાં એક પણ લાભાર્થી ન આવ્યા : ભોમેશ્વર રેનબસેરાનો ખર્ચ ૧૦ લાખ

રાજકોટ, તા. ૭ : છેલ્લા બે માસથી સ્વચ્છતા સર્વેક્ષણ પાછળ દિવસ - રાત દોડી રહેલી મહાપાલિકાને હાડ થિજવી નાખતી ઠંડીમાં રસ્તા તથા ફૂટપાથ પર રહેતા ગરીબો અને બેઘર લોકોને રેનબસેરામાં ખસેડવાની ચિંતા થઈ નથી. નિરાધાર લોકોને આશ્રય આપવા માટે મહાપાલિકાએ શહેરમાં પાંચ સ્થળોએ રેનબસેરા બનાવ્યા છે અને તેની જાળવણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેનો લાભ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચતો નથી.

હાલ ઠંડીના માહોલમાં રાત્રે અને સવારના સમયે બાળકો, વૃદ્ધો, મહિલાઓ, અસશકત ગરીબ લોકો નિઃસહાય હાલતમાં જોવા મળે છે. ખુલ્લા આકાશ નીચે રહેતા ગરીબો, ભિક્ષુકોને મહાપાલિકાએ રેનબસેરામાં ખસેડવા માટે ડ્રાઈવ યોજી નથી. શહેરમાં જાહેર માર્ગો, ખુલ્લા પ્લોટ, બાગબગીચા સહિતના સ્થળોએ ગરીબો જોવા મળે છે. સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કીંગમાં મહાપાલિકાને ચમકવુ છે જે માટે શહેરમાં રંગરોગાનથી આભાસી ચિત્ર ખડુ કરાયુ છે. પરંતુ શહેરમાં કેટલા ગરીબો છે તેમની શું હાલત છે તે વિશે કોઈને કંઈ પડી નથી. રાજકોટને સ્માર્ટ સીટી બનાવવું છે પરંતુ ગરીબ લોકો તો આજે પણ જયાં હતા ત્યાં જ છે. મહાપાલિકા તેઓને રેનબસેરામાં ખસેડી ન શકે તો પછી આવા લોકોના ઉત્કર્ષની તો વાત જ કયાં કરવી. સામાજીક સંસ્થાઓ ધાબળા વિતરણ કરી યથાશકિત મદદ કરે છે પરંતુ આવી સેવામાં મહાપાલિકાના અધિકારીઓને રસ હોતો નથી.

કરોડોની સરકારી યોજનાઓમાં છેવાડાના માનવીનો વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ એવો દાવો કરાય છે તો રસ્તા પર રહેતા આ ગરીબોનો વિકાસ કયારે કરાશે તેનો જવાબ અપાતો નથી. અધિકારીને આ અંગે પૂછતા બચાવ કરે છે. ગરીબોનું સ્થળાંતર કરવામાં આવે છે. પરંતુ રસ્તા પર રહેતા આ લોકો રેનબસેરામાં જવા તૈયાર નથી.

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીએ કહેર મચાવ્યો છે. સુસવાટા મારતા કાતિલ પવનો ફૂંકાઈ રહ્યા છે. ઘરની અંદર પણ ઠંડીની તીવ્ર અસર જોવા મળે છે. તો ખુલ્લામાં રહેતા લોકોની હાલત કેવી હશે તે વિચારી શકાય. રસ્તા, ફૂટપાથ અને ઓવરબ્રીજના પીલર નીચે ગરીબો દાનમાં મળેલા ધાબડા ઓઢીને કે તાપણુ કરીને રહેતા જોવા મળે છે.

રાજકોટમાં મહાપાલિકા દ્વારા ભોમેશ્વર, આજીડેમ, બેડીનાકા આજી નદીના કાંઠે, જૂના ઢોર ડબ્બા મરચા પીઠ અને રામનગરમાં રેનબસેરા બનાવવામાં આવ્યું છે. હજુ એક સરકારી હોસ્પિટલ પાસે બની રહ્યું છે. જેમાં ભોમેશ્વરના રેનબસેરામાં લાભાર્થીઓ વધુ હોવાનું જાણવા મળે છે.

વર્ષ ૨૦૧૭- ૧૮માં આ રેનબસેરા માટે મહાપાલિકાએ ૧૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે અનેે ૫૭૮૩૬ લોકોએ તેનો લાભ લીધો હોવાનું જણાવાયું છે. આજી ડેમ ખાતેના રેનબસેરાનો ગત વર્ષ એક પણ વ્યકિતએ લાભ લીધો ન હતો. બેડીનાકા આજી નદીના કાંઠે આવેલા રેનબસેરાને ૭૮૫૦૦ની ગ્રાન્ટ અપાઈ હતી જેની સામે ૨૬૧૬ લાભાર્થી હતા. જૂના ઢોર ડબ્બા મરચા પીઠ ખાતેના રેનબસેરાને ૬૬૦૦૦ ફાળ વાયા હતા જેની સામે ૧૫૯૬ લાભાર્થી આવ્યા હતા. રામનગરના રેનબસેરાને ગત વર્ષ કોઈએ લાભ લીધો ન હતો. શહેરામાં આવેલા પાંચ રેનબસેરાના નિભાવ પાછળ મહાપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. નિરાધાર, જરૂરીયાતમંદ લોકો તેમાં જવા તૈયાર ન હોય તો તે પાછળ કારણ શું છે તે જાણવાની જરૂર છે. રસ્તા પર કોઈ પણ જાતની સુવિધા ન હોવા છતાં ગરીબો આશ્રયસ્થાને જવા તૈયાર ન હોય તો તે માટે કોઈ કારણ હોઈ શકે. એ લોકો જવા તૈયાર નથી એટલે શું તેમને ઠંડીથી ઠૂંઠવાતા છોડી દેવાના તેવો સવાલ જાગૃત નાગરિકોમાંથી ઉઠયો છે.(૩૦.૧૧)

 

(4:17 pm IST)