Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભરશિયાળે આજીમાં પાણી ઠલવાયુ : ૧૬.૪૭ ફુટ ભરાયો

સૌની યોજના હેઠળ આજી-૧માં નર્મદા નીરનું આગમન : ધારાસભ્ય અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત

રાજકોટ તા. ૭ : સૌની યોજના હેઠળ ત્રીજી વખત આજી-૧ ડેમમાં નર્મદાના પાણીથી ભરવાનું શરૂ થતાં ગઇકાલે આજી ડેમ ખાતે નર્મદાનું પાણી આવી પહોંચતા ધારાસભ્ય અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આજી ડેમ ૧૬.૪૭ ફુટ ભરાયો છે. બે દિ'માં ૨૦.૩૦ એમસીએફટી નર્મદા નીર આવ્યા છે.

આ અંગે મેયર બીનાબેન આચાર્યની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં આજુ બાજુના ગ્રામ્ય તથા નાના શહેરોમાંથી ધંધા રોજગાર માટે મોટી સંખ્યામાં આવતા લોકોના કારણે શહેર વસ્તી તથા વિસ્તારનો ખુબ જ વધારો થયેલ છે. જેથી શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા સ્થાનિક જળાશયો આજી, ન્યારી, ભાદર ડેમ દ્વારા દૈનિક ૨૦ મિનીટ પાણી આપવામાં ખુબ જ મુશ્કેલી પડતી. રાજકોટ શહેરની પાણીની સમસ્યા દુર થાય તે ખુબ જ જરૂરી હતું. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા ૨૦૧૭માં આજી-૧ ડેમને સૌની યોજના હેઠળ જોડી નર્મદાના નીરનું અવતરણ કરાયેલ અને રાજકોટ શહેરની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવેલ.

આજી ડેમમાં હાલનો પાણીનો જથ્થો ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ચાલે તેમ હોવાથી આગામી ચોમાસા સુધી શહેરને દૈનિક ધોરણે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી વિતરણ થઇ શકે તે માટે ફરીને નર્મદાના પાણીથી આજી ડેમને ભરવા માંગણી કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા આજી-૧ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનો નિર્ણય કરી, પાણીનો જથ્થો આપવાનું શરૂ કરેલ છે. ત્રીજી વખત આજી-૧ ડેમ ભરવાનું શરૂ કરેલ છે. જેના અનુસંધાને આજી-૧ ડેમ ખાતે નર્મદાનું પાણી આવી પહોચતા સ્થળ મુલાકાત લેતાં મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર વિગેરે ઉપસ્થિત રહેલ. આજી-૧ ડેમ ફરી ભરવાનું શરૂ થતા આગામી ચોમાસા સુધી શહેરને દૈનિક ૨૦ મિનીટ પીવાનું પાણી આપવામાં કોઈ મુશ્કેલી નહિ પડે તેમાં અંતમાં પદાધિકારીઓએ જણાવેલ.(૨૧.૨૧)

(3:58 pm IST)