Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પીડીએમ કોલેજ પાસે રસ્તો ઓળંગી રહેલા સુથાર પ્રોૈઢ ધીમેશભાઇનું બાઇકથી ઠોકરે મોત

કારખાનેથી છુટીને વૈદવાડીમાં ઘરે જતા'તા ત્યારે કાળ ભેટ્યોઃ વડગામા પરિવારમાં શોકઃ બાઇક ચાલકની શોધ

રાજકોટ તા. ૭: ગોંડલ રોડ પર પી.ડી. માલવીયા કોલેજના ગેઇટ સામેના રોડ પર રસ્તો ઓળંગી રહેલા વૈદવાડીના સુથાર પ્રોૈઢને બાઇક ચાલક ઉલાળીને ભાગી જતાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ વૈદવાડી-૪માં રામ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૧માં રહેતાં અને અટીકામાં કારખાનામાં કામ કરતાં ધીમેશભાઇ ચીમનલાલ વડગામા (ઉ.૫૨) નામના સુથાર પ્રોૈઢ સાંજે સવા આઠેક વાગ્યે કારખાનેથી છુટીને ઘરે પગપાળા જતાં હતાં ત્યારે પીડીએમના ગેઇટ સામે બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ધીમેશભાઇનું મોત નિપજ્યું હતું.

બનાવ અંગે માલવીયાનગરના પીએસઆઇ એ. આર. મલેકએ મૃતકના પુત્ર રક્ષીતભાઇ વડગામા (ઉ.૨૨)ની ફરિયાદ નોંધી છે. બાઇકના નંબર જીજે૩એચજી-૯૧૩૪ હોવાની વિગતો પોલીસને મળતાં આ બાઇકના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૃત્યુ પામનાર ધીમેશભાઇને સંતાનમાં એક પુત્ર છે. બનાવને પગલે વડગામા સુથાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(2:42 pm IST)