Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

દિલ્હીની પેઢીએ શાપરની કંપની પાસેથી માલ ખરીદીને આપેલ ચેક રીટર્ન થતાં ફરીયાદ

રાજકોટ તા.૭: દિલ્હીની પેઢીએ શાપરની જાણીતી કંપની પાસેથી માલ ખરીદ્યો પરંતુ ચુકવણી અર્થે આપેલ પ લાખનો ચેક રીટર્ન થતા કોર્ટે આરોપી સામે સમન્સ ઇસ્યુ કર્યું હતું.

કેસની હકીકત જોતા શાપર-વેરાવળ સ્થિત ખુબ જ જાણીતી એવ અલ્ટ્રાકેબ ઇન્ડિયા લી. પાસેથી દિલ્હીની શ્રી હરિ ઇલેકટ્રોનિકલ્સ દ્વારા જુદાજુદા પ્રકારના ઇલેકટ્રીક કેબલ્સ ખરીદવા પરચેઝ ઓર્ડર આપેલ હતો અને સદરહું પરચેઝ ઓર્ડરઆધીન અલ્ટ્રાકેબ ઇન્ડિયા લી. દ્વારા ઓર્ડર મુજબ માલ પુરો પાડવામાં આવ્યો હતો અને આ માલ વેચાણનું બીલ આપવામાં આવ્યું હતું. સદરહું બીલ પેટેની અમુક રકત પ્રારંભિક તબક્કે આ કામના આરોપી દ્વારા અલ્ટ્રાકેબ ઇન્ડિયા લી.ને ચુકવી આપવામાં આવેલ હતી પરંતુ ત્યારબાદ રકમ ચુકવણીમાં ઠાગાઠૈયા શરૂ કરેલ હતા. કંપની દ્વારા બાકી રહેતી રકમ રૂ. ૫,૨૩,૭૬૭/- ની વારંવાર ઉઘરાણી કરવામાં આવતા આ કામના આરોપી દ્વારા કર્ણાટક બેન્ક લી.નો રૂ. ૫,૨૩,૭૬૭/-નો ચેક આપેલ હતો જે અલ્ટ્રાકેબ ઇન્ડિયા લી. દ્વારા બેંકમાં રજુ કરવામાં આવતા વગર વસુલાતે પરત ફરેલ હતો.

પરિણામે અલ્ટ્રાકેબ ઇન્ડિયા લી. દ્વારા પોતાના વકીલશ્રીમારફત આ કામના આરોપીને લીગલ નોટીસ પાઠવવામાં આવેલ હતી અને નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇ મુજબ સદરહું નોટીસ મળ્યેથી દિવસ ૧૫માં કાયદેસરની લેણી નીકળતી રકમની ચુકવણી કરી આપવા જણાવવામાં આવેલ હતું. આ નોટીસ આરોપીને બજી ગયા પછી પણ નિશ્ચિત સમય મર્યાદામાં આ કામના આરોપી દ્વારા કાયદેસરની લેણી નિકળતી રકમની ચુકવણી કરવામાં ન આવતા ના છુટકે આ કામના ફરીયાદી અલ્ટ્રાકેબ ઇન્ડિયા લી.ના અધિકૃત વ્યકિત જયેશ ભીખુભાઇ પટેલ દ્વારા ચોથા અધિક. સિનિ. સિવિલ જજ આર.એસ. રાજપૂત મેડમની કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા કોર્ટે આ કામના આરોપી સામે સમન્સ ઇસ્યુ કરી હાજર રહેવા ફરમાન કરેલ છે. આ કેસમાં અલ્ટ્રાકેબ ઇન્ડિયા લી. તરફે એડવોેકટ શ્રી ગજેન્દ્ર એમ. જાની તથા એડવોકેટ રાજેશ કે દલ રોકાયેલ છે.

(2:41 pm IST)