Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

વોર્ડ નં. ૧૩ની પેટા ચુંટણીમાં ભાજપે કોંગ્રેસનાં પુર્વ કોર્પોરેટર નિતીન રામાણીને મેદાનમાં ઉતાર્યા

ભાજપનાં સતાવાર ઉમેદવારની જાહેરાત કરતા શહેર પ્રમુખ કમલેશ મીરાણીઃ ૧૦મીએ બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઇની પ્રતિમાને પુષ્પાંજલી આપી ઉમેદવારી ફોર્મ ભરશે

રાજકોટ, તા., ૭: શહેરનાં વોર્ડ નં. ૧૩ ની પેટા ચુંટણી આગામી તા. ર૭ મીએ યોજાનાર છે. આ ચુંટણી લડવા માટે ભાજપ -કોંગ્રેસ બન્ને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેનાં ભાગરૂપે આજે ભાજપ તેનાં સતાવાર ઉમેદવાર તરીકે આ પેટા ચુંટણી માટે નીમીત બનેલા કોંગ્રેસના પુર્વ કોર્પોરેેટર નીતીન રામાણીના નામની જાહેરાત કરી દીધી છે.

આ અંગે શહેર ભાજપ કમલેશ મીરાણીના જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧૩ ની પેટા ચુંટણી માટે અગાઉ આજ વોર્ડનાં કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર નીતીનભાઇ રામાણીને મેદાનમાં ઉતારવા નિર્ણય લેવાયો છે.

શ્રી મીરાણીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી તા.૧૦ના રોજ બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાયા બાદ નિતીનભાઇ રામાણી પેટા ચુંટણી માટે વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

નોંધનીય છે કે નિતીનભાઇ રામાણી અગાઉ ભાજપમાં હતા પરંતુ તેઓને આ ટર્મમાં ટીકીટ નહી અપાતા તેઓએ કોંગ્રેસમાંથી ટીકીટ મેળવી વોર્ડ નં. ૧૩ માં વિજયી થયા હતા અને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે છેલ્લા રાા વર્ષથી વોર્ડમાં કાર્યરત હતા. પરંતુ થોડા દિવસો અગાઉ તેઓએ કોંગ્રેસનાં આંતરીક વિખવાદથી વ્યથિત થઇ અને કોંગ્રેસ પક્ષમાંથી તેમજ કોર્પોરેટર પદેથી પોતાનું રાજીનામું ધરી દીધું હતું. જેના કારણે વોર્ડ નં. ૧૩ માં પેટા ચુટણી યોજાઇ રહી છે અને હવે ફરીથી તેઓએ આજ વોર્ડમાં ભાજપ તરફથી કોર્પોરેટર પદ માટે ચુંટણીમાં ઝંપલાવ્યું છે. જો તેઓ આ ચુંટણી જીતી જશે તો વોર્ડ નં. ૧૩ માં અને જનરલ બોર્ડમાં ભાજપનું સંખ્યાબળ વધશે.(૪.૭)

(3:58 pm IST)