Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

શહેરના ત્રણ વોર્ડમાં ૧૦ કલાક પાણી મોડુ વિતરણ : દેકારો

કાલાવડ રોડ પર ન્‍યારીના ટાંકાનો વાલ્‍વમાં ખામી સર્જાતા વોર્ડ નં. ૨, ૭, ૮ (પાર્ટ)ના રૈયા રોડ, નિર્મલા રોડ, ભીલવાસ સહિતના વિસ્‍તારોમાં અસર : સાંજના ૫ વાગ્‍યાથી આ વિસ્‍તારમાં પાણી વિતરણ શરૂ કરાશે

રાજકોટ તા. ૬ : શિયાળાની સીઝનની શરૂઆતની સાથે જ શહેરમાં પાણી વિતરણના ધાંધીયા સર્જાવાનો પ્રારંભ થયો છે ત્‍યારે પાણી વિતરણમાં વાલ્‍વમાં ખામી સર્જાતા વોર્ડ નં. ૨, ૭, ૮ (પાર્ટ)ના વિસ્‍તારોમાં ૧૦ કલાક મોડુ પાણી વિતરણ થતા લોકોમાં દેકારો બોલી ગયો છે.

આ અંગે મનપાના વોટરવર્કસ શાખાના સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે શહેરના કાલાવડ રોડ પર આવેલ ન્‍યારી પાણીના ટાંકે સપ્‍લાયનો મેઇન વાલ્‍વમાં સવારે ૫.૩૦ વાગ્‍યે ભંગાણ સર્જાતા પાણી વિતરણ પર અસર પહોંચી હતી.

આ વાલ્‍વમાં ભંગાણ થતા શહેરના વોર્ડ નં. ૨, ૭, ૮ (પાર્ટ)ના રૈયા રોડ, નિર્મલા રોડ, ભીલવાસ, જગન્‍નાથ સહિતના વિસ્‍તારોમાં સવારે ૫ વાગ્‍યાના બદલે સાંજે ૫ વાગ્‍યે મનપા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ વિસ્‍તારમાં ૧૦ કલાક પાણી મોડુ વિતરણ થતાં લોકોમાં દેકારો બોલી જવા પામ્‍યો છે.

વધુમાં સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે ન્‍યારી પાણીના ટાંકાના વાલ્‍વની કામગીરી બપોરના ૧ વાગ્‍યા આસપાસ પુરી થઇ જતાં બપોરના ૩.૩૦ વાગ્‍યા આસપાસ ટાંકામાં પાણીનું લેવલ શરૂ કરવામાં આવશે ત્‍યારબાદ ૫ વાગ્‍યે આ વિસ્‍તારોમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવનાર હોવાનું મનપા તંત્રવાહકોએ જણાવ્‍યું હતું.

(3:52 pm IST)