Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મતગણત્રી પહેલા દરેક બેઠક ઉપર ઓછામાં ઓછા પ-બૂથોના-EVM વોટની ગણત્રી VV પેટ રસીદ સાથે સરખાવો

૭૧-રાજકોટના ઉમેદવાર વશરામ સાગઠીયાનો મુખ્‍ય ચૂંટણી પંચ-કલેકટરને પત્ર...

રાજકોટ તા. ૬ : ૭૧-રાજકોટના વિધાનસભા બેઠકના ઉમેદવાર વશરામ સાગઠીયાએ મુખ્‍ય ચુંટણી અધીકારીને પત્ર પાઠવી ગુજરાત વિધાન સભાની એક દરેક સીટ ઉપર ઓછામાં ઓછા પ બુથોના ઇ.વી.એમ.વોટની ગણતરી વી.વી.પેટની રસીદો સાથે સરખાવવા માંગણી કરી છે.

પત્રમાં ઉમેર્યું હતું કે અત્‍યાર સુધી એક વી.વી.પેટની રેન્‍ડમ ગણતરી કરવાની પધ્‍ધતિ છે, તે એવી હતી કે બધા મતોની ગણતરી થઇ જાય ત્‍યારબાદ ડ્રો સિસ્‍ટમથી વિધાન સભાની એક દરેક સીટ ઉપર કોઇ એક બુથની પસંદગી કરવામાં આવે છે અને તે બુથના ઇ.વી.એમ.મતોને વી.વી.પેટની રસીદો દ્વારા ગણતરી કરીને સરખાવવામાં આવે છે, પરંતુ આ ગણતરી સામાન્‍ય રીતે મતદાનની ગણતરી પૂર્ણ થયા બાદ કરવામાં આવે છે. જેથી આ વખતે મતદાનની ગણતરી પૂર્ણ થઇ ગયેલ હોય તમામ જીતેલા તેમજ હારેલા ઉમેદવારો કે તેના એજન્‍ટો સામાન્‍ય રીતે કોઇ હાજર હોતા નથી અને માત્ર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં આ વી.વી.પેટની ગણતરી થતી હોય અને જો આ ગણતરીમાં કોઇ ખામી કે ચૂક ધ્‍યાને આવે તો આ વખતે આવા સરકારી અધિકારીઓ કોઇ જંજટમાં પડવા માંગતા હોતા નથી. અને અધિકારીઓની આવી માનિસકતાને લીધે કદી આવી કોઇ ફરીયાદો અગાઉ જોવા મળેલ નથી. અને સત્‍ય બહાર આવતું નથી જેથી આ પ્રક્રિયા માત્ર એક યાંત્રીક ફોર્માલિટી બનીને રહી જાય છે.

જેથી આ વખતે અમારી આપને વિનંતી છે કે વિધાન સભાની એક દરેક સીટ ઉપર કોઇ એક બુથ નહીં પરંતુ ઓછામાં ઓછા પ બુથોના ઇ.વી.એમ.વોટની ગણતરી વી.વી.પેટની રસીદો સાથે સરખાવવામાં આવે અને મતગણતરી કરવામાં આવે અને આ તમામ પ્રક્રિયા મત ગણતરી ચાલુ થયા પહેલા કરવામાં આવે જેથી કરીને જો ઇ.વી.એમ. અને વી.વી.પેટના મતોની ગણતરીમાં કોઇ ખામી જણાઇ આવે તો આગળની મતગણતરી કરવી કે નહી તે અંગે ઉમેદવારો અને તેના એજન્‍ટોની હાજરીમાં અધિકારીઓ દ્વારા નિસપક્ષ નિર્ણય લઇ શકાય અને ચુંટણી પંચની પ્રતિષ્‍ઠા ફરીથી સ્‍થાપિત થાય.

(3:44 pm IST)