Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

૫૩ ગુનાઓમાં સામેલ ઇભલાની સાતમી વખત પાસા તળે જેલયાત્રા

મહિલા એએસઆઇ એ. વી. બકુતરાની ફરજમાં રૂકાવટ કરનારા શખ્‍સને સુરત જેલમાં ધકેલી દેતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ : બી-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૬: જુના મોરબી રોડ પર ચામડીયા ખાટકીવાસ પાસે રહેતાં અને આ વિસ્‍તારમાં ગુનાખોરની છાપ ધરાવતાં તેમજ મારામારી, રાયોટીંગ, ફરજમાં રૂકાવટ, હત્‍યાની કોશિષ, આર્મ્‍સ એક્‍ટ, દારૂ, જૂગાર, એટ્રોસીટી સહિતના ત્રેપન જેટલા ગુનાઓમાં સામેલ ઇબ્રાહીમ ઉર્ફ ઇભલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ.૩૫-રહે. મોરબી રોડ ગણેશનગર-૧૦)ને વધુ એક વખત પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્‍યો છે.

ઇબ્રાહીમ ઉર્ફ ઇભલાએ તાજેતરમાં જ મોરબી રોડ પર રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલા મહિલા એએસઆઇ એ. વી. બકુતરા સહિતની ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી કરી ધમકી આપી હતી. જે તે વખતે મહિલા એએસઆઇ સહિતે ઇભલાના ભાઇઓ, મિત્ર સહિતને દબોચી લીધા હતાં. ઇભલો ત્‍યારે કાર લઇને ભાગી ગયો હતો. તેને ક્રાઇમ બ્રાંચની ટીમના બી. જે. જાડેજા સહિતે દબોચી લીધો હતો અને આગવી ઢબે પુછતાછ કરવામાં આવી હતી.

અગાઉ છ વખત વડોદરા, સુરત, ભુજ ખાસ જેલ, અમદાવાદની જેલોમાં પાસા તળે હવા ખાઇ આવેલા ઇભલાને વધુ એક વખત એટલે કે સાતમી વખત પાસામાં ધકેલી દેવાયો છે. આ વખતે સુરત જેલહવાલે કરાયો છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે વોરન્‍ટ ઇશ્‍યુ કરતાં બી-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, ડી. સ્‍ટાફ ઇન્‍ચાર્જ પીએસઆઇ આઇ. એમ. શેખ,  એએસઆઇ સલિમભાઇ માડમ, હેડકોન્‍સ. હિતેષભાઇ ગઢવી, મહેશભાઇ રૂદાતલા અને લાલજીભાઇ હાડગડા સહિતે વોરન્‍ટ બજવણી કરી હતી.

(3:30 pm IST)