Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ગુજરાત અને ભાજપ એકબીજાના પર્યાયઃ રાજુભાઈ

વિધાનસભાની બેઠકો ઉપર વિક્રમજનક જીત મળશે, પ્રજાજનોનો નરેન્‍દ્રભાઈ મોદી ઉપર અતૂટ વિશ્વાસના લીધે રાજયમાં સાતમી વખત ભાજપ સરકાર બનશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં પ્રથમ તબક્કા અને બીજા તબકકાની કુલ મળી ૧૮૨  બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થયું છે. આ માટે તમામ મતદારો, નગરજનો, ઉમેદવારો તથા ચૂંટણી કામગીરી સાંથે સંકળાયેલા તંત્રના તમામ સ્‍ટાફ, અધિકારીઓ તથા સુરક્ષા જવાનોથી લઈ મીડિયાનો આભાર માનતા સૌરાષ્‍ટ્ર ભાજપ પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, એકિઝટ પોલના આંકડાઓ અને સૌના અંતરની લાગણી મુજબ ગુજરાત અને હિમાચલ-દેશનાં કમળ ખીલવા જઈ રહ્યાં છે. ચૂંટણી પરિણામના દિવસે ૮ ડિસેમ્‍બરે ભગવો લહેરાશે, કેસરિયો છવાઈ જશે. ગુજરાત વિધાનસભા૨૦૨૨ ની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થશે. વિપક્ષની કરારી હાર થશે. આમ તો મતદાન પહેલા પણ સૌ કોઈ આ વાત જાણતા જ હતા. પણ મતદારોનો મિજાજ જોતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્‍યાતિભવ્‍ય વિજય મેળવવાનો વિશ્વાસ વધારી દીધો છે.

ગુજરાતની પ્રજાએ ફરી એકવાર ભાજપ પર, કમળના નિશાન પર, ગુજરાતના સપૂતો વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ અને  મુખ્‍યમંત્રી શ્રીભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી આર પાટીલ  પર, ભરોસાની ભાજપ સરકારની વિકાસલક્ષી રાજનીતિ પર અને ભાજપ ઉમેદવારો પર ભરોસો મૂકયો છે ઍમ ચોકકસ કહી શકાય.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ છેલ્લા બે મહિનામાં સરકારી અને પાર્ટીના કુલ ૬૧ કાર્યક્રમોમાં હાજરી આપી આ સાથે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ભાજપની કુલ ૩૮ સભાઓને સંબોધી છે. રાજકોટ, સુરત અને અમદાવાદ ખાતે તેમના રોડ શો પણ ખૂબ જ સફળ રહ્યાં હતા. નરેન્‍દ્રભાઈ મોદીએ પોતાની જનસભા અને રેલીમાં ૧૦૦ કરતા વધુ વિધાનસભા બેઠકોને કવર કરી દીધી છે જે તમામ બેઠકો પર ભાજપની જીત નિતિ છે. આ સાથે જ કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથની અસંખ્‍ય રેલી, સભાઓ, બેઠકોના કારણે પણ ભાજપ તરફી જામેલો માહોલ વધુ મજબૂત બન્‍યો હતો.

ગુજરાત અને ભાજપ તો હવે એકબીજાના પર્યાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે નિમ્‍ન પ્રકારની રાજનીતિના સ્‍તરે ગયાએ પછી એમ લાગતું હતું કે લોકોને ભ્રમિત કરવાના તેમજ છેતરવાના પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે. જોકે ગુજરાત પહેલેથી વિકાસને વરેલું, શાંત, સમજુ અને પ્રગતિશીલ રાજ્‍ય છે. જે લોકોને આ વાત અને ગુજરાતનો વિકાસ ખટકે છે એવા લોકોએ આ રાજ્‍યની શાંતિ ખોરવવાનો પ્રયાસ કર્યો. શાંત, સુશીલ, સંસ્‍કારી પ્રજાને ધર્મ, જાતિ, જ્ઞાતિ વચ્‍ચે અંદર અંદર વહેચવાનો પ્રયાસ કર્યો. મફતની રેવડીઓ પણ વહેંચી. અંતે મતદારના મંતવ્‍ય જોતા ઍ લોકો ફાવ્‍યા નથી એવું સૌ કોઈનું મંતવ્‍ય છે.

રાજકોટ-સૌરાષ્‍ટ્રથી લઈ ગુજરાતની તમામ બેઠકોના મતદારોએ આ વખતે પણ એક તરફી, ભાજપ માટે મતદાન કર્યું છે. આજ સુધી આપણા રાજ્‍યના લોકો વિકાસની વાતને ધ્‍યાને રાખીને ચાલ્‍યા છે અને આગળ પણ આ જ રાહે ચાલશે. રાજયમાં  ૨૪ વર્ષ અને કેન્‍દ્રમાં છેલ્લા ૮ વર્ષમાં જે ભાજપની ડબલ એન્‍જીન સરકારે કામ કર્યા છે તેને મતદારોએ મતદાન કરતા વખતે બરાબર ધ્‍યાને રાખ્‍યા છે એવું જણાય રહ્યું છે. ૧૯૯૫ પછી સતત સાતમી વાર ફરી ઍક વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે અને એ પણ પ્રચંડ જન સમર્થન સાથે. દેશની જનતા જ નહીં, દુનિયાભરના લોકો પણ નરેન્‍દ્રભાઈ મોદીથી પ્રભાવીત હોવાનું યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(11:44 am IST)