Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કણકોટ ખાતે ૮મીએ સવારે ૮ વાગ્‍યાથી ૧૪-૧૪ ટેબલ પર ગણતરી : કુલ ૯૯ રાઉન્‍ડ થશે

પહેલા પોસ્‍ટલ બેલેટ ગણાશે : ૧૫૦૦ અધિકારીઓ - કર્મચારીઓના ઓર્ડરો

રાજકોટ તા. ૫ : રાજકોટમાં આઠ વિધાનસભા બેઠકોની મત ગણતરી ૮મી ડિસેમ્‍બરે કણકોટ એન્‍જિનિયરિંગ કોલેજ ખાતે રિસિવિંગ સેન્‍ટર ખાતે યોજાશે. અહીં આઠ વિધાનસભાના સ્‍ટ્રોંગરૂમમાં ૧૪-૧૪ ટેબલ પર સવારે ૮ વાગ્‍યાથી ૧૪ સુપરવાઈઝર, ૧૪ આસિસ્‍ટન્‍ટ સુપરવાઈઝર, ૧૪ માઈક્રો ઓબ્‍ઝર્વર દ્વારા મતગણતરી શરૂ થશે.

જનરલ ઓબ્‍ઝર્વર્સ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુ, અધિક ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચર, આઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ તેમજ વિધાનસભા બેઠકના રાજકીય પક્ષોના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારોની ઉપસ્‍થિતિમાં સ્‍ટ્રોંગરૂમ ખુલશે અને પછી મતગણતરી શરૂ થશે.

સૌથી પહેલાં પોસ્‍ટલ બેલેટની ગણતરી શરૂ થશે. બાદમાં ઈ.વી.એમ.થી મત ગણતરી શરૂ થશે. સમગ્ર મત ગણતરી પ્રક્રિયા દરમિયાન આશરે ૧૫૦૦ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ જોડાશે.

(11:33 am IST)