Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સફાઇ-વૃક્ષારોપણ અને પાણી બચાવવા લોક સહયોગથી ઝૂંબેશ : મેયર

રાજકોટને હકિકતમાં સ્વચ્છ-રળિયામણુ બનાવવા કમ્મર કસતાં પ્રદિપ ડવ : રેંકડીઓ-ખાણી-પીણી બજારમાં ગંદકી રોકવા જન જાગૃતિ અભિયાનઃ પાણીનાં બોર રિચાર્જ કરી જળ સંચય અભિયાનઃ કોર્પોરેટરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ધાર્મિક-સામાજીક-શૈક્ષણીક સંસ્થાઓનો સહયોગ લેવાશે

રાજકોટ, તા. ૬ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પૂર્વે મેયર ડો. પ્રદિપ ડવના માર્ગદર્શન હેઠળ કચરાના ન્યુસન્સ પોઇન્ટ ક્રમશૅં  દૂર કરવાનું જે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તેના પ્રોત્સાહક પરિણામો બાદ હવે મેયર ડૉ.પ્રદિપ ડવ દ્વારા રાજકોટને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે શહેરના વિવિધ ક્ષેત્રોની સંસ્થાઓને જોડીને  ઁસ્વચ્છ રાજકોટ અને શહેરમાં વધુને વધુ વૃક્ષારોપણ તથા વૃક્ષની જાળવણી થાય તે માટે જન જાગૃતિ અભિયાનઁ શરૂ કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, સ્વચ્છતા એક એવી બાબત છે જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. માનવીય પ્રકૃતિ સાથે તેનો સીધો સંબંધ છે.આપણે જે શેરી મહોલ્લામાં રહીએ છીએ અને જ્યાં કામ કરીએ છીએ ત્યાં આસપાસ સાફસફાઇની  કાળજી લઈએ તો  આપણું શહેર આપોઆપ સ્વચ્છ બનવા લાગશે. રાજકોટ મહાનગરપાલિકા સ્વચ્છતા માટે જે પ્રયાસ કરે છે તેમાં તેને એકલા હાથે અપેક્ષિત સફળતા મળવી કઠીન છે. જો અપેક્ષિત પરિણામ મેળવવું હશે તો સૌ રાજકોટવાસીએ પણ તેમાં યોગદાન આપી નાગરિક ફરજ નિભાવવી પડશે. સ્વચ્છતામાં તંત્રની સાથે શહેરીજનોનો સહયોગ અને જાગૃતતા આવશે તો ચોક્કસ સારૂ પરિણામ મળશે.

વિશ્વ આખું કલાઈમેટ ચેન્જ માટે ચિંતિત છે. રાજકોટ શહેરમાં કાર્બનનું પ્રમાણ ઘટે અને શુદ્ધ ઓકિસજન મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા જુદા જુદા પગલાઓ લઇ રહી છે. કલીન રાજકોટ, ગ્રીન રાજકોટને સાર્થક કરવા રાજકોટ શહેરમાં વધુને વધું વૃક્ષોનું વાવેતર થાય અને જાગૃતતા આવે તે માટે જુદી જુદી ઔદ્યોગિક એકમો, સામજિક સંસ્થાઓને જોડવામાં આવશે.

વિશેષમાં, રાજકોટ શહેરનમાં દિન-પ્રતિદિન વસ્તી અને વિસ્તારનો વધારો થઇ રહ્યો છે. શહેરીજનોને દૈનિક ૨૦ મિનિટ પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે ખુબ જ ખર્ચ કરી રહેલ છે. ત્યારે શહેરીજનો દ્વારા પાણીનો બગાડ ન થાય તેમજ  પાણીનું તળ ઉચું થાય તે માટે પોતાના બોર રીચાર્જ કરે તે માટે પણ અભિયાન હાથ ધરેલ છે.

     મેયરએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં સ્વચ્છતામાં નંબર મેળવેલ  શહેરોમાં લોકજાગૃતિને કારણે ખૂબ જ સારું પરિણામ જોવા મળ્યું છે. રાજકોટમાં પણ સ્વચ્છતા જનજાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ આ અભિયાનમાં સામેલ કરી શહેરના જે જે વિસ્તારો કચરો ફેંકવામાં આવે છે. તેમજ ચા, પાનની, દુકાનો, ખાણીપીણી અને શાકભાજીની રેકડીઓ વિગેરેને જગ્યાએ જ્યાં વધુ કચરો ફેંકવામાં આવે છે તેવા વિસ્તારોને સંસ્થાઓને જોડી જાગૃતતા માટે દતક આપવાનું આયોજન કરવામાં આવશે.

ચાલુ વર્ષે ટ્રી ગાર્ડના બદલે ગો ગ્રીન હેઠળ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાને જોડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે ૩ વર્ષ સુધી જાળવણી પણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ વૃક્ષોનું વાવતેર કરવામાં આવેલ છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બિઝનેસમેનો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ધાર્મિક સંસ્થાઓ, વ્યાપારી એસોસિએશન, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ સોસાયટીઓ તેમજ અલગ અલગ સેલિબ્રિટીઓ વિગેરે સાથે મીટીંગો કરી સૌને સાથે મળીને રાજકોટ શહેરને સ્વચ્છ તેમજ હરિયાળું બનાવવા કટીબધ્ધ બનીએ તેમ મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું.

(3:40 pm IST)