Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જાણીતી ઓનલાઇન શોપીંગ કંપનીના નામે રજીસ્ટર એડીથી મળેલા સ્ક્રેચકાર્ડમાં યુવાન ૧૧.પ લાખ જીત્યોઃ તપાસ કરતા બધુ હંબક નિકળ્યું

જાગૃત રેલ્વે કર્મચારી રાજેશ વાઘેલાને શંકા જતા ઇ-મેઇલ મારફત 'માપવા-તોલવા'ની જાણીતી કંપનીના નામે મળેલા દસ્તાવેજો સંદર્ભે ઉલટ તપાસ કરતા આવી કોઇ ઓફર કંપનીએ નહિ કર્યાનું ખુલ્યું: છાશવારે મોટા ઇનામોની લાલચ આપી બેંક એકાઉન્ટની વિગતો અને ડીપોઝીટ મંગાવી છેતરપીંડી કરતા તત્વોથી લોકો ચેતે

કાર્ડ સ્ક્રેચ કરતા 'તમે ૧૧.પ લાખ જીત્યા છો' તેવી ઓફર તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા., ૬: દેશમાં ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ યુવાનોમાં ટોચ ઉપર છે. જેનો લાભ લઇ છેતરપીંડી કરતા ભેજાબાજો અવાર નવાર મેદાને પડતા હોય છે. આવા ભેજાબાજોના ચક્કરમાં ફસાઇ અનેક લોકો હજારોથી લાખો રૂપીયા પણ ગુમાવતા હોય છે. આ બારામાં અનેક ફરીયાદો પણ થઇ ચુકી છે. ત્યારે રાજકોટ રેલ્વેમાં ફરજ બજાવતા રાજેશ વાઘેલા નામના જાગૃત યુવાનને આવા ચિટરોએ જાણીતી ઓનલાઇન શોપીંગ કંપનીના નામે રજીસ્ટર એડીથી સ્ક્રેચ કાર્ડ મોકલી  ચક્કરમાં ફસાવવા ઝાળ પાથરી હતી પણ આ યુવાને તેમની યોજના ઉંધી વાળી હતી. 

'માપવા-તોલવા'ના ભળતા નામની જાણીતી કંપનીના નામે એક રજીસ્ટર એડી. રાજેશ વાઘેલા, બ્લોક નંબર-૧૦૯, કોઠી કંમ્પાઉન્ડ, ફલોર મીલ નજીક, જંકશન વિસ્તાર રાજકોટના એડ્રેસ ઉપર પોસ્ટ મારફત આ કવર મળ્યું હતું. જે ખોલતા અંદરથી એક સ્ક્રેચ કાર્ડ અને 'એનટી' ના નામે એચએસબીસીથી એપ્વ્રુડ સિક્કાવાળુ રીડેમ્સન રૂલ્સ અને કંડીશનવાળુ ફોર્મ મળ્યું હતું. આ પૈકીના કાર્ડને સ્ક્રેચ કરાતા ૧૧.પ લાખ આ યુવાન જીત્યાનું ખુલ્યું હતું અને સ્ક્રેચ કાર્ડમાં ઓફર ૩૦ દિવસ વેલીડ રહેશે તેવું દર્શાવાયું હતું. સાથે કેટલાક નિયમોને આધીન તેમના બેંક એકાઉન્ટની માહીતી અને કેટલીક ડીપોઝીટ જીતેલી રકમ મેળવવા માટે મોકલવા જણાવાયું હતું. જો કે, જાગૃત કર્મચારી રાજેશ વાઘેલા ઘડીના પલકારામાં આ કારસ્તાન બોગસ હોવાનું સમજી ગયા હતા અને ચોક્કસ કંપની સાથે ઇ-મેઇલથી પત્ર વ્યવહાર કર્યો હતો. જેના જવાબમાં આ ઓફર તદન હંબક હોવાનું બહાર આવ્યું હતું. જાગૃત કર્મચારીએ અન્ય કોઇ આવી લોભામણી ઓફરમાં ફસાઇ નાણા ગુમાવે નહિ તે માટે ચેતવણી આપી છે. સાથોસાથ કંપનીએ પણ અમારા તરફથી આવી કોઇ ઓફર નહિ હોવાનું જાહેર કરી ડીપોઝીટની રકમ કે ખાતાની વિગતો નહિ મોકલવા લોકોને અપીલ કરી છે.

(3:32 pm IST)