Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગોંડલ : લાંચના ગુનામાં હેડ કોન્સ્ટેબલને ત્રણ વર્ષની સજા ફરમાવતી ગોંડલ સેશન્સ અદાલત

રાજકોટ તા. ૬ : ગોંડલના લાંચના ગુનાનો કેસ ચાલી જતાં ગોંડલ સેશન્સ અદાલતે આરોપી હેડ કોન્સ્ટેબલને ત્રણ વર્ષની સજા ફરમાવેલ છે.

આ કેસની ટુંકી હકીકત એવી છે કે, તા. ૨/૦૬/૨૦૧૨ના રોજ મોવીયામાં રહેતા વિનોદભાઇ મોહનભાઇ કાલરીયા જેઓ કમીશન એજન્ટ હતા અને તેમના નાનાભાઇ રાજેશભાઇ મોહનભાઇ કાલરીયા તથા અન્ય ૬ વ્યકિતની જુગારધારાના કેસમાં ધરપકડ થયેલ અને ત્યારબાદ તેઓ જામીન મુકત થયેલ અને આ ગુન્હાના આરોપી અને પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઇ ભાણભાઇ બાબરીયાએ ફરિયાદી વિનોદભાઇ કાલરીયાને જણાવેલ કે તમારા ભાઇ વિરૂધ્ધ ૧૫૧ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હોય જેથી રાત્રે આઠેક વાગ્યે જણાવેલ સ્થળ પર આવજો અને કહેલ કે તમારા ભાઇનો મોબાઇલ મારી પાસે છે અને છોડાવવો હોય તો વ્યવહાર કરવો પડશે જેથી ફરીયાદી મૂળ આરોપી રમેશભાઇને જણાવેલ કે શું વ્યવહાર કરવો પડશે ત્યારે આરોપી રમેશભાઇએ આ કામના મૂળ ફરીયાદી વિનોદભાઇ મોહનભાઇ કાલરીયાને જણાવેલ કે મોબાઇલ દીઠ રૂ. ૧૦૦૦ એમ કુલ રૂ. ૭૦૦૦ આપવાના થશે અને રકજકના અંતે રૂ. ૩૦૦૦ આપવાનું નક્કી થયેલ. જેથી ફરીયાદી વિનોદભાઇ મોહનભાઇ કાલરીયાએ એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે આરોપી રમેશભાઇ ભાણભાઇ બાબરીયા વિરૂધ્ધ લાંચ રૂશ્વત ધારાની ફરીયાદ કરેલ.

સબબ ફરીયાદ આપ્યા બાદ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર પી.એ.ઝાલા મારફત લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને ફરીયાદી તથા એ.સી.બી. પોલીસ સ્ટેશનના માણસો અને સરકારી પંચ મારફત ટેપ કરવા માટે તા.ર/૦૬/ર૦૧૨ ના રોજ ગોંડલ હાઈવે પર આવેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગયેલ ત્યારબાદ જે ટેબલ પર આરોપી રમેશભાઈ બાબરીયા બેઠા હતા ત્યાં ફરીયાદી ગયેલ અને રમેશભાઇ બાબરીયાએ લાંચની રૂ. ૩૦૦૦ની માંગણી કરતા ફરીયાદી વિનોદભાઈ કાલરીયાએ લાંચની રકમ આપેલ અને આરોપી રમેશભાઈ બાબરીયાએ લાંચની રકમ સ્વીકારેલ અને પોતાના ખીસ્સામાં રાખી દીધેલ.

સબબ ત્યારબાદ આરોપી રમેશભાઈ બાબરીયા ને એ.સી.બી.ની ટ્રેપ થયેલ છે તેવી જાણ થતાં આરોપી રમેશભાઈ બાબરીયાએ લાંચની ૨કમ પોતાના ખીસ્સામાંથી કાઢી ટેબલ પર મુકી બનાવ સ્થળેથી ભાગી ગયેલ આમ પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલ લાંચનું છટકુ સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું અને સજા પામેલ આરોપી રમેશભાઈ ભાણભાઈ બાબરીયા વિરૂધ્ધ લાંચ રૂશ્વત ધારા અંતર્ગત ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ.

સદર ગંભીર બનાવનો ગુન્હો દાખલ થયા બાદ આ કામના આરોપી રમેશભાઈ ભાણભાઈ બાબરીયા સામે ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ સેશન્સ અદાલત ગોંડલ ખાતે ચાલી જતાં સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકારી વકીલ જી.કે.ડોબરીયા દ્વારા કુલ-૮ સાહેદોને તપાસવામાં આવેલ.

સબબ નામદાર અદાલતે આ કેસમાં ફરીયાદી તથા પંચની જુબાનીને લક્ષમાં રાખી અને ગોંડલ સેન્સસ અદાલત ખાતે ફરજ બજાવતા સરકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયાની ધારદાર દલીલોને ઘ્યાને લઈ લાંચ રૂશ્વત ધારા ૧૯૮૮ ની કલમ-૭, તથા૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) મુજબના ગંભીર ગુન્હામાં આરોપી રમેશભાઈ ભાણભાઈ બાબરીયાને તકસીરવાન ઠરાવી સેન્શસ જજે ત્રણ વર્ષની સજા તથા રૂ. ૧૦૦૦૦ નો દંડ ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ ઘનશ્યામભાઇ કે. ડોબરીયા રોકાયેલા હતા.

(3:15 pm IST)