Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રવિવારની રાતે બે બનાવઃ રાજનગર ચોકમાં કાર ડિવાઇડર પર ચડી ગઇ, અયોધ્યા ચોકમાં પલ્ટી મારી ગઇઃ બે ઘવાયા

અર્ટીગામાં બેસી રાતે બે વાગ્યે છ જણા જમવા નીકળ્યા'તા...'કર્ફયુ' ન નડ્યો પણ 'કુતરૂ' નડી ગયું

રાજકોટઃ શહેરમાં રવિવારની રાતે બે અલગ અલગ સ્થળે બે કારને અકસ્માત નડ્યો હતો. જેમાં રાજનગર ચોકમાં એક કાર રોડ ડિવાઇડરમાં ચડી જઇ ખાંગી થઇ ગઇ હતી. તો અયોધ્યા ચોકમાં કુતરૂ આડે આવતાં તેને બચાવવા જતાં કાર ગોથુ ખાઇ જતાં તેમાં બેઠેલા છ પૈકી બે યુવાનને ઇજા થઇ હતી. બંને બનાવમાં કારમાં નુકસાન થયું હતું. જાણવા મળ્યા મુજબ ૧૫૦ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે અયોધ્યા ચોકમાં રાતે બે વાગ્યા આસપાસ અર્ટીગા કાર જીજે૦૩કેપી-૦૧૩૧ પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા છ પૈકીના બે રામથાપરા-૪ના રોહિત અરવિંદભાઇ પરમાર (ઉ.વ.૧૫) તથા ભગવતીપરા-૪ના વિપુલ મુકેશભાઇ બારૈયા (ઉ.૨૫)ને ઇજા થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના આર. બી. ગીડાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. કુતરૂ આડે આવી જતાં કાર પલ્ટી મારી ગયાનું જણાવાયું હતું. કારમાં વનરાજભાઇ, દકુભાઇ સહિતના છ લોકો હતાં. આ લોકો રાતે બે વાગ્યે જામનગર રોડ પરની કોઇ હોટેલમાં જમવા જવા માટે નીકળ્યા હતાં. તેને રાતે ૧ થી સવારના ૫ સુધી કર્ફયુ હોવાની કદાચ ખબર નહિ હોય, અથવા તો કોઇ નહિ રોકે એમ સમજીને નીકળી ગયા હતાં...કર્ફયુ કે પોલીસ ન નડી પણ કુતરૂ નડી ગયું અને કાર ગોથું ખાઇ ગઇ હતી. બીજા બનાવમાં નાના મવા રોડ રાજનગર ચોક પાસે એન્ડેવર કાર જીજે૦૩એમબી-૯૯૦૨ના ચાલકે કોઇ કારણોસર કાબૂ ગુમાવી દેતાં કાર રોડ ડિવાઇડર પર ચડી ગઇ હતી. ઘટનાને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. અ કારમાં ચાલક કોણ હતું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરની તસ્વીરો અયોધ્યા ચોકમાં ગોથુ મારી ગયેલી અર્ટીગા કારની છે અને નીચેની તસ્વીરો રાજનગર ચોકમાં ડિવાઇડર પર ચડી ગયેલી કારની છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:59 pm IST)