Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પટેલ સેવા સમાજ દ્વારા ધો. ૧૧ના વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે નિઃશૂલ્ક કોચીંગ કલાસ

રાજકોટ તા. ૪: સમાજમાં શિક્ષણને સુદૃઢ બનાવવા પ્રયત્નશીલ પટેલ સેવા સમાજ રાજકોટ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૧ ના ગુજરાતી માધ્યમના વિજ્ઞાન પ્રવાહના નિઃશૂલ્ક કોચીંગ કલાસનો પ્રારંભ કરાયો છે.

જરૂરિયાતમંદ છાત્રોને વિજ્ઞાન પ્રવાહના મુખ્ય ચાર વિષયો ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયલોજી અને મેથ્સના નિપૂણ શિક્ષકો દ્વારા આ કોચીંગ અપાશે. સંસ્થાની પહેલને આવકારીને જે તે વિષયના શિક્ષણ કાર્ય માટે સમગ્ર રાજકોટમાં જેમની નામના છે તેવા અનેક શિક્ષકોએ પણ નિઃશૂલ્ક કોચીંગ આપવાની તત્પરતા બતાવી હતી.

માયાણી ચોકમાં આવેલા બેકબોન શોપીંગ સેન્ટર ખાતે આ નિઃશૂલ્ક કોચીંગ કલાસ હાલ ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ માટે શરૂ થયા છે. આવતા વર્ષે ધોરણ ૧રના ગુજરાતી માધ્યમના વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે મુખ્ય ચાર વિષયો માટે કોચીંગ શરૂ કરાશે. નિઃશૂલ્ક કોચીંગ કલાસની વ્યવસ્થા પટેલ સેવા સમાજની યુવા સંગઠનની ટીમ સંભાળી રહી છે. આ કાર્ય માટે પટેલ પ્રગતિ મંડળ અને ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટ (ઉમિયાધામ) નો પણ સહયોગ મળ્યો છે.

આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવતા એક સંદેશામાં સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્ડ માર્શલ) એ જણાવાયું હતું કે, સમાજ ઉત્કર્ષ માટે સમાજમાં શિક્ષણ સુદૃઢ હોવું જરૂરી છે. આ વાત ધ્યાને રાખી સંસ્થાએ હંમેશા શૈક્ષણિક પ્રવૃત્તિને અગ્રતા આપી છે.

આ કોચીંગ કલાસને સફળતા મળે તે માટે નિપૂણ શિક્ષકો સર્વશ્રી ડો. દેવેન્દ્ર કનેરિયા ઉપરાંત યુવા સંગઠનના પ્રમુખ ડેનીશ કાલરીયા કન્વીનર વિનુભાઇ ઇસોટીયા અને ઇન્ચાર્જ વિજય ગોધાણી ઉપરાંત હાર્દિક નીદ્રોડા, જયદીપ પટેલ, હરેશ પાડલીયા, રાજન ભાલોડીયા જહેમત ઉઠાવી રહ્યાં છે.

(2:54 pm IST)