Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

પરંપરાગત ધાન્યોને પોષણ અભિયાનમાં સામેલ કરવા દેશવ્યાપી પોસ્ટકાર્ડ ઝુંબેશ

૧ લાખ પોસ્ટકાર્ડનો ટાર્ગેટઃ ૧૦મીએ હૈદ્રાબાદમાં અધિવેશન

રાજકોટઃ તા.૪, પર્યાવરણીય વિકાસ કેન્દ્રના તુષાર પંચોલીની યાદી મુજબ મીલેટ નેટવર્ક ઓફ ઇન્ડિયા દ્વારા પરંપરાગત ધાન્યો બાજરો, જુવાર, રાગી જેવા ધાન્યને પોષણ અભિયાનમાં સામેલ કરવા દેશ વ્યાપી પોસ્ટકાર્ડ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડીશા, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડની ૧૪ સ્વૈચ્છિક સંસ્થાઓ આ અભિયાનમાં સામેલ થઇ છે. ગુજરાતમાંથી ૫ હજાર પોસ્ટકાર્ડ અને દેશમાંથી લગભગ ૧ લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવશે.

આંગણવાડી યોજના હેઠળ યુવતિઓ અને મહિલાઓમાં પરંપરાગત ધાન્યો અંગે જાગૃતિ ફેલાવવી જરૂરી હોવાનું સંસ્થા માને છે. પરંપરાગત ધાન્યો, બાજરો, જુવાર, રાગીને વિશેષ મહત્વ આપવાની જરૂર છે. વધુ પડતા કેલરીવાળા ખોરાકને લીધે સુક્ષ્મ પોષક તત્વોની ઉણપ, કુપોષણ પ્રોસેસ ફુડનો ઉપયોગ વગેરે મુદાઓ પરત્વે નિતી ધડનારાઓનું ધ્યાન ગયુ નથી. દેશના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ પોષણની સ્થિતિ અલગ મુદો છે.

રાગી જેવા પરંપરાગત ધાન્યો આપણને પુરતા પોષક તત્વો આપી શકે છે એવુ લોકોની નજરમાં આવ્યું છે. આ ધાન્યોને જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે જરૂરીયાતમંદોેને પહોંચાડવાની જરૂર છે. આ માટે જ મીલેટ નેટવર્ક ઓફ ઇન્ડિયા દ્વારા પોસ્ટકાર્ડ અભિયાન ચલાવાય રહયું છે. આ અભિયાનની પુર્ણાહુતિ તા.૧૦ અને ૧૧ ડિસે.ના રોજ હૈદ્રાબાદ ખાતે મીલેટ નેટવર્ક ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન કરવામાં આવશે. તેમ પર્યાવરણ વિકાસ કેન્દ્રના તુષાર પંચોલીની યાદીમાં જણાવાયું છે.

(2:53 pm IST)