Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજકોટમાં વધુ એકનો જીવ લઇ લેવાયો

શનિવારે થયેલી હત્યામાં મા-દિકરાને થોરાળા પોલીસે પકડ્યા ત્યાં ભકિતનગર પોલીસની હદમાં રવિવારે રાતે ખૂનનો બનાવ

ઇંડા ખાવા પૈસા ન દેતાં હુડકો કવાર્ટરના કાળુભાઇ કોળીને નામીચીન કાળુ ગઢવીએ પેટમાં છરી ભોંકી પતાવી દીધા : કોઠારીયા ચોકડી પાસે માધવ પાર્કિંગના ગેઇટ પાસે રાત્રે બનાવઃ ઘાયલને પત્નિ-મોટાભાઇએ હોસ્પિટલે ખસેડ્યો પણ દમ તોડી દીધોઃ પરિવારમાં કલ્પાંત

વધુ એક ખૂનઃ હત્યાનો ભોગ બનેલા નિર્દોષ કોળી યુવાન કાળુભાઇ ભાદરકાનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, તેનું કોઠારીયા રોડ હુડકોમાં આવેલું ઘર અને  નીચેની તસ્વીરમાં શોકમય સ્વજનો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. શનિવારે સાંજે થોરાળા પોલીસ મથક હેઠળના ચુનારાવાડ શિવાજીનગરમાં ભગવતીપરાના યુવાનને તેની જ પ્રેમિકાના પતિએ છરી ભોંકી પતાવી દીધો હતો. જેમાં પ્રેમિકાએ પણ દિકરાનો ગુનો છુપાવવા મદદ કરી હોઇ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ત્યાં ગઇકાલે રવિવારે રાતે ભકિતનગર પોલીસની હદમાં નિર્દોષ યુવાની લોથ ઢળી છે. કોઠારીયા રોડ હુડકોના કોળી યુવાન પાસે કોઠારીયા ચોકડી પાસે માધવ પાર્કિંગના ગેઇટ પાસે આ વિસ્તારના નામચીનની છાપ ધરાવતાં શખ્સે ઇંડા ખાવા પૈસા માંગતા કોળી યુવાને પૈસા ન આપતાં પેટમં છરી ભોંધી દીધી હતી. તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ જીવ બચી શકયો નહોતો.

હત્યાની આ ઘટનામાં ભકિતનગર પોલીસે હત્યાનો ભોગ બનેલા કોઠારીયા રોડ હુડકો કવાર્ટર સી-૨૬૨માં રહેતાં કાળુભાઇ રામજીભાઇ ભાદરકા (ઘેડીયા કોળી) (ઉ.વ.૪૨)ના પત્નિ રંભાબેન ભાદરકાની ફરિયાદ પરથી કોઠારીયા હુડકો ચોકડી પાસે રહેતાં અને અગાઉ પણ હત્યા, મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા કાળીયો ગઢવી સામે આઇપીસી ૩૦૨, ૩૪૨, ૧૨૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે.રંભાબેને  પોલીસને જણાવ્યું છે કે  હું  પતિ સાથે રહું છું અને ઘરકામ કરું  છું. મારા પતિ અલગ અલગ કારખાનાઓમાંથી છુટક ભંગારની ખરીદી કરી લે-વેચનો ધંધો કરતા હતા અને મારે સંતાનમાં એક દીકરી હીના (ઉં.વ ૧૯) અને એક દીકરો અજય (ઉ.વ.૧૭) છે. અમારા મકાનની બાજુમાં મારા જેઠ લખમણભાઇ રામજીભાઇ ભાદરકા તેના પરીવાર સાથે રહે છે અને તેઓ પણ ભંગારનો લગતો ધંધો કરે છે.

રવિવારે સાંજના સાડા છએક વાગ્યે હું મારા પતિ તથા બાળકો સાથે ગોંડલ રોડ પર આવેલ ડી માર્ટ મોલમાં ઘરવખરી ખરીદી કરવા ગયા હતાં. રાતે પોણા નવેક વાગ્યે ત્યાંથી ઘરે આવ્યા હતાં. એ પછી મારા પતિ મને અને સંતાોનને ઘરે મુકી  'કોઠારીયા ચોકડી પાસે ઇંડાનો નાસ્તો કરી હમણાં આવું છું' તેમ કહીને ઘરેથી નીકળ્યા હતાં. ત્યાર બાદ સાડા નવેક વાગ્યેં મારા પતિને લોહી લુહાણ હાલતમાં કોઠારીયા ચોકડીએ જે ઇંડાની લારીએ ઇંડા ખાવા ગયેલ તે હબીબભાઇનો ભત્રીજો અરમાન મારા પતિના એકટીવામાં બેસાડી ઘરે મુકવા આવ્યો હતો.

આ વખતે તેના પેટમાંથી લોહી નીકળતું હતું અને શર્ટ પણ લોહીવાળો થઇ ગયો હતો. મેં શું થયું? તેમ મારા પતિને પુછતા તેણે કહેલું કે-મને કોઠારીયા ચોકડીએ કાળુ ગઢવીએ છરીનો ઘા મારી દીધો છે. આ પછી તુરત જ હું અને મારો દિકરો, અમારા ભાડુઆત એમ બધા અમારી સ્વીફટ કારમાં તુર જ મારા પતિને ઢેબર રોડ મધુરમ હોસ્પીટલ લઇ ગયા હતાં. મારા જેઠ લખમણભાઇ અને મારા પતિના મિત્રો પણ આવી ગયા હતાં. પતિને મધુરમ્ હોસ્પીટલમાં ઇમરજન્સી સારવારમાં લઇ ગયા હતાં.

ત્યાં પણ મારા પતિએ મને અને મારા જેઠ લખમણાઇને વાત કરી હતી કે-હું કોઠારીયા ચોકડી શ્રી માધવ પાર્કીંગના ગેઇટ પાસે આવેલી હબીબભાઇની લારીએથી ઇંડા ખાઇને આવતો હતો ત્યારે કોઠારીયા ચોકડીએ રહેતાં કાળુ ગઢવીએ મારી પાસે આવી છરી બતાવી ઇંડા ખાવા રૂપિયા માંગ્યા હતાં. મે રૂપીયા આપવાની ના પાડતા મારા એકટીવા આડે તે આવી ગયો હતો અને મને ઉભો રાખવા કોશિષ કરી હતી. મેં એકટીવા હંકારવા પ્રયાસ કરતાં તેણે પાછળ પછળ આવી રૂપિયા માંગી બોલાચાલી કરી હતી અને તેના હાથમાં રહેલી છરીનો ઘા મારા પેટના ભાગે ડાબી બાજુ મારી દીધો હતો.  મને લોહી નીકળવા લાગતા બીજા લોકો ભેગા થઇ જતાં કાળુ ત્યાંથી ભાગી ગયો હતો. આ વાત થઇ ત્યારબાદ મારા પતિને સારવાર માટે ઇમરજન્સીમા઼ લઇ જવાયા હતાં. પરંતુ સારવાર ચાલુ થઇ ત્યાં જ થોડીવારમાં જ તેનું મોત નિપજ્યું હતું.

રંભાબેનની ઉપરોકત કેફીયતને આધારે પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આરોપીને ઝડપી લેવા પોલીસે દોડધામ આદરી હતી. પરંતુ હાથમાં આવ્યો નહોતો. તે બાર-પંદર વર્ષ પહેલા પણ હત્યાના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. અગાઉ તેના વિરૂધ્ધ મારામારી, છેડતીના ગુના પણ નોંધાયા છે અને બે વખત પાસામાં પણ જઇ આવ્યો છે. (૧૪.૬)

મરનાર, મારનાર બંનેના નામ સરખા

. હત્યાનો ભોગ બનનારનું નામ કાળુભાઇ છે અને હત્યા કરનારનું નામ પણ કાળુ ઉર્ફ કાળીયો છે. તેનું સાચુ નામ હિમત અમુદાન લાંગા (ગઢવી) છે. પણ વિસ્તારમાં લોકો તેને કાળુ ઉર્ફ કાળીયો ગઢવી તરીકે વધુ ઓળખે છે.

પત્નિ-સંતાનો સાથે મોલમાંથી ખરીદી કરી કાળુભાઇ ઘરે આવ્યા...ના ના કરતાં નાસ્તો કરવા ગયા ને હુમલો થયો

. હત્યા થઇ એ પહેલા કાળુભાઇ પત્નિ અને સંતાનો સાથે ગોંડલ રોડ ડી માર્ટમાં ખરીદી કરવા ગયા હતાં. એ પછી બધા ઘરે આવ્યા હતાં. તે બહાર નાસ્તો કરવા નહોતાં જવાના. પણ ફરી અચાનક   ઇચ્છા થઇ અને 'હું હમણા જ નાસ્તો કરીને આવુ છું' કહીને ઘરેથી એકટીવા લઇને નીકળ્યા હતાં અને હુમલો થયો હતો જે જીવલેણ સાબિત થયો હતો. (૧૪.૬)

હત્યાનો ભોગ બનેલા કાળુભાઇ બે ભાઇમાં નાના હતાં: પુત્ર-પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી

. હત્યાનો ભોગ બનનાર કાળુભાઇ ભાદરકા બે ભાઇમાં નાના હતાં. તેના માતાનું નામ જીવીબેન અને અને પિતાનું નામ રામજીભાઇ છે. મોટા ભાઇનું નામ લખમણભાઇ છે. કાળુભાઇ ભંગાર લે વેંચનું કામ કરતાં હતાં. તેની હત્યાથી ૧૯ વર્ષની પુત્રી હીના અને ૧૭ વર્ષના પુત્ર અજયએ પિતાનું છત્ર  ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

કાળુભાઇએ એકટીવા ભગાવવા પ્રયાસ કર્યો, પણ હત્યારાએ પાછળ દોડી આંતરીને ઘા ઝીંકયો

. કાળુભાઇ કોળીના એકટીવા આડે ઉભા રહી જઇ કાળુ ગઢવીએ રૂપિયા માંગ્યા હતાં. આથી કાળુભાઇએ ના પાડી એકટીવા હંકારી મુકવા પ્રયાસ કરતાં કાળુએ પાછળ પાછળ જઇ વાહન આંતરી છરીનો ઘા ઝીંકી દીધો હતો. (૧૪.૬)

ઇંડાની લારીવાળો દવાખાને લઇ જવાને બદલે કાળુભાઇને લોહીલુહાણ હાલતમાં એકટીવામાં બેસાડી ઘરે મુકવા આવ્યો!

. કાળુભાઇ હુડકો ચોકડીએ ઇંડાનો નાસ્તો કરી એકટીવા પર ઘરે જવા રવાના થયા ત્યારે કાળુ ગઢવીએ તેને અટકાવી ઇંડા ખાવા રૂપિયા માંગ્યા હતાં. જે કાળુભાઇએ ન દેતાં તેના પેટમાં છરી ભોંકી દીધી હતી. એ પછી ઇંડાની લારીવાળા હબીબભાઇનો ભત્રીજો અરમાન તેને દવાખાને લઇ જવાને બદલે તેના જ એકટીવામાં બેસાડી તેની ઘરે લઇ આવ્યો હતો. એ પછી કાળુભાઇને દવાખાને ખસેડાયા હતાં. ત્યાં સુધીમાં કદાચ પુષ્કળ લોહી વહી ગયું હતું. ડોકટરોએ પ્રયાસ કર્યો હતો પરંતુ કાળુભાઇનો જીવ બચી શકયો નહોતો. પેટમાં ઝીંકાયેલો એક જ ઘા જીવલેણ સાબિત થયો હતો. (૧૪.૬)

આરોપી હિમત ઉર્ફ કાળીયો અમુદાન લાંગા... અગાઉ હત્યા, મારામારી, છેડતીના ગુનામાં સંડોવણીઃ બે વખત પાસા તળે જેલની હવા પણ ખાઇ ચુકયો છે

. નિર્દોષ કોળી યુવાન કાળુ ભાદરકાની હત્યા કરી ભાગી ગયેલો કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે રહેતો આરોપી હિમત ઉર્ફ કાળીયો ઉર્ફ કાળુ અમુદાન લાંગા અગાઉ બાર-પંદર વર્ષ પહેલા સર્વિસ રોડ પર થયેલી એક હત્યામાં સંડોવાઇ ચુકયો છે. આ ઉપરાં તેના વિરૂધ્ધ મારામારી, છેડતી સહિતના ગુના નોંધાઇ ચુકયાનું અને બે વખત પાસા તળે જેલની હવા પણ ખાઇ ચુકયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

ડીસીબીની ટીમે બે શકમંદને ઉઠાવી લીધા

હત્યાની આ ઘટનામાં ભાગી ગયેલા આરોપી હિમત ઉર્ફ કાળીયાને શોધવા ડીસીબી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં અગાઉ ભકિતનગરમાં ફરજ બજાવી ચુકેલા પીએસઆઇ પી. બી. જેબલીયા, વિક્રમભાઇ રબારી, દેવાભાઇ ધરજીયા સહિતની ટીમે આરોપીને ઝડપી લેવા તેના ઘર અને બેઠક ધરાવતો હોય એ સ્થળે દરોડા પાડ્યા હતાં. પરંતુ તે હાથમાં આવ્યો નહોતો. તેની સાથે સંપર્ક ધરાવતાં એકાદ બે શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લીધા હતાં.

(11:39 am IST)