Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

લોકરક્ષક દળની ભરતીમાં રબારી સમાજના યુવાનોને ભારોભાર અન્યાયઃ અનુસુચિત જનજાતિના લાભોથી વંચિત : ફાટી નીકળેલો રોષ

સૌરાષ્ટ્રના ૧૭ હજાર કુટુંબોમાં કચવાટની લાગણીઃ પોરબંદરમાં ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો : પાસ થયેલા યુવાનોના નામ કમી કરી નખાતા દેકારોઃ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન

રબારી સમાજના યુવાનોને લોકરક્ષક દળની ભરતીમાં ઘોર અન્યાય સામે આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૬ : સમસ્ત સોરઠીયા રબારી સમાજ રાજકોટ જીલ્લા એકમે મૂખ્યમંત્રીશ્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા સોરઠીયા રબારી સમાજને સરકાર તરફથી અન્યાય થવા અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા અલગ અલગ જિલ્લાના અંદાજે ૧૭૦૦૦ કુટુંબો જે મુળ ગીર બરડા અને આલેચના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા હતા તેની ઓળખ માટે સરકાર તરફથી વિગત દર્શક કાર્ડ આપવામાં આવેલ છે.

સરકારે આપેલ વિગતદર્શક કાર્ડ ધરાવતા કુટુંબોના વારસને વિગતદર્શક કાર્ડના આધારે સરકારની સુચનાઓ મુજબ અનુસુચિત જન જાતિના જાતિ પ્રમાણપત્રો આપવામાં આવેલ છે આવા જાતિ પ્રમાણપત્રોનું વિતરણ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે માંગરોલ મુકામે તેમજ મુખ્યમંત્રીના હસ્તે કુતિયાણા મુકામે સમારોહ ગોઠવીને આપવામાં આવેલ છે. આવા પ્રમાણપત્રોના આધારે ગીર, બરડા અને આલેચમાં વસવાટ ધરાવતા સોરઠીયા રબારી સમાજના રહીશો તથા તેના સંતાનો અનુસુચિત જનજાતિને મળતા લાભો મેળવતા હતા.

તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસી સમાજ દ્વારા ગીર, બરડા અને આલેચમાં જેતે સમયે વસવાટ કરતા સોરઠીયા રબારી, ભરવાડ અને ચારણ સમાજને મળતા લાભોનો વિરોધ કરવામાં આવેલ છેઅને આ સમાજને સરકાર તરફથી મળતા લાભો બંધ કરવા માટે ગુજરાત સરકાર પર રાજકીય દબાણ લાવી મળતા લાભો બંધ કરવાની પેરવી કરવામાં આવેલ છે જેના દબાણને વંશ ભરવાડ અને ચારણ સમાજના યુવાનોને અનુસુચિત જનજાતિના લાભોથી વંચિત રાખી આખરી યાદીમાં ઉપરોકત સમાજના પાસ થયેલ યુવાનોના નામની કમી કરેલ છે જે સરકાર તરફથી અમારા સમાજને અન્યાય થયેલ છે.

ઉપરોકત કાર્યવાહીથી સૌરાષ્ટ્રમાં વસાવટ કરતા તમામ સોરઠીયા રબારી સમાજમાં સરકાર પ્રત્યે અસંતોષની લાગણી જન્મેલ છે. જેના કારણે આગામી સમયમાં ગુજરાત સરકારની વિરૂદ્ધમાં આંદોલાત્મક કાર્યક્રમો જેવા કે અનશન, સત્યાગ્રહ અને હડતાલો જેવા કાર્યક્રમો અમલમાં મુકવામાં આવશે તથા હાલમાં પોરબંદર મુકામે શરૂ થયેલ આમરણાંત ઉપવાસ આંદોલનને અમારો સંપૂર્ણ ટેકો છે. ઉપરોકત વિગેતે થયેલ અન્યાય અંગે સરકાર તરફથી એક અઠવાડીયામાં કોઇ હકારત્મક કાર્યવાહી કરી તેની જાણ અમોને કરવામાં નહી આવે તો અમો આંદોલાત્મક કાર્યક્રમો રાજકોટ મુકામે પણ શરૂ કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ અંતમાં ઉમેર્યું હતું.

(4:09 pm IST)