Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

પરીક્ષામાં કોલેજના આચાર્યોમાં ભયનો માહોલ : સલામતીના પગલા નહિં લેવાય તો કુલપતિ-કુલનાયક સામે ઉગ્ર રજૂઆત

જામનગરની કોલેજના પ્રિન્સીપાલ ઉપર હિચકારા હુમલાથી : પરીક્ષા કેન્દ્રો ઉપર ૧૪૪મી કલમ - પોલીસ બંદોબસ્ત ગોઠવો * પરીક્ષા નિયામક સામે પગલા ભરો * કાયદાકીય પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા જ હાથ ધરાઈ તેવી માંગણી

રાજકોટ, તા. ૬ : જામનગરની કોલેજના પ્રિન્સીપાલ શ્રી સિંગ ઉપર ગઈકાલે પરીક્ષા દરમિયાન થયેલા હિચકારા હુમલાના કોલેજ આચાર્યોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે ભયના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજ પ્રિન્સીપાલ એસોસીએશને કુલપતિને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર કોલેજ પ્રિન્સીપાલ એસોસીએશનના યજ્ઞેશ જોષી, નિદત બારોટ, ફાલ્ગુનીબેન શાસ્ત્રી, પ્રિતીબેન ગણાત્રા, કલ્પેશભાઈ ગણાત્રા, એન.કે.ડોબરીયા, કમલેશ જાની, નિલેશ કાનાણી, અજીતાબેન જાની, રાજેશ કાલરીયા, સ્મિતાબેન ઝાલા, વિજયભાઈ પટેલ સહિતનાનું પ્રતિનિધિમંડળ આજે કુલપતિ ડો.નીતિન પેથાણીને જામનગરમાં પ્રિન્સીપાલ શ્રી જી.બી.સિંગ ઉપર થયેલા હુમલા સંદર્ભે રજૂઆત કરવા દોડી ગયા હતા. કુલપતિ નીતિન પેથાણીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટી અને શિક્ષણ જગત માટે શર્મસાર કરનારી આ ઘટના છે. તેને વખોડી કાઢી સત્તાધીશો પાસે કડક પગલાની માંગણી કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયુ છે કે ઘટના ઘટે - હુમલો થાય પછી પગલા લેવા દોડા-દોડી કરો - ફોન કર્યો ત્યાં સુધીમાં આચાર્ય હોસ્પિટલના બિછાને હોય, આપ દ્વારા આગમચેતી રૂપે કોઈ પગલા લેવામાં આવતા નથી જે નરી વાસ્તવિકતા છે.

આવેદનપત્રમાં જણાવાયુ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના આચાર્યો જણાવીએ છીએ કે જો આચાર્ય - અધ્યાપકોની સલામતી માટે તત્કાલ પગલા લેવામાં નહિં આવે તો મહાત્મા ગાંધીજીના ચિંધ્યા માર્ગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ પરીસર ખાતે તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુખ્ય મથક પર આગમચેતી / સાવચેતીના કાર્યક્રમ કરવાની ફરજ પડશે.

રજૂઆતમાં પરીક્ષાના સ્થળ પર ૧૪૪મી કલમ લગાડવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે અગાઉથી જરૂરી સંકલન કરવામાં આવે. પરીક્ષા સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેની તાતી જરૂરીયાત છે.  પરીક્ષાના સ્થળ ઉપર ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવે. પરીક્ષા વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવુ જણાઈ રહ્યુ છે. ઘટનાની જાણ કરવા માટે પરીક્ષા નિયામકને ફોન કરીએ તો કયારેય ઉપાડતા નથી. તેથી પરીક્ષા નિયામકની સજાગતા/ સભાનતા તરફ ધ્યાન આપવુ જોઈએ.  ચાલુ પરીક્ષા દરમિયાન આચાર્ય કે અધ્યાપક ઉપર હુમલાની ઘટના ઘટે તો તમામ પ્રકારે કાયદાકીય રક્ષણ - કાયદાકીય ગતિવિધિઓ યુનિવર્સિટી દ્વારા જ કરવામાં આવે તેમજ સારવારનું ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉઠાવે તેવી માંગ કરવામાં આવી છે.

(4:06 pm IST)