Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભ

૧૪ વિદ્યાશાખાના ૩૬પ૬૪ છાત્રોને ડીગ્રી અને ૭૩ તેજસ્વી છાત્રોનું સુવર્ણચંદ્રકથી બહુમાનઃ ભૂમીકા સોલંકી અને દીક્ષીત પ્રશન્સાને ૪-૪ ગોલ્ડ મેડલ એનાયત થશેઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રખર ભાગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝા, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ઉપસ્થિતિ પદવીદાન સમારોહનું લાઇવ વેબકાસ્ટીંગ થશે

રાજકોટ તા. પઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ૪ મો પદવીદાન સમારંભ આગામી તા. ૭/૧ર/ર૦૧૯ ને શનિવારના સવારે ૧૧:૩૦ કલાકે ગુજરાત મહામહિમ રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા તથા પ્રખર ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા (પૂજય ભાઇશ્રી) ની ઉપસ્થિતિમાં યોજાનાર છે. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૩૬પ૬૪ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારંભમાં કુલ ર૧ર૩ વિદ્યાર્થીઓ રૂબરૂ ઉપસ્થિત રહી પદવી મેળવનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ૪ મા પદવીદાન સમારોહમાં ડાયસ પર બિરાજતા સૌ મહેમાનો ભારતીય પરંપરા મુજબના પરિધાનમાં સજજ થઇ પદવીદાન સમારોહમાં ભાગ લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનારા પ૪ મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર    યુનિવર્સિટીના કોમ્પ્યૂટર સેન્ટરના ડાયરેકટરશ્રી પીયુશભાઇ    ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ http://estv.in/saurashtrauniversity/ પરથી વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

જે વિદ્યાર્થીઓ પદવીદાન સમારંભમાં રૂબરૂ હાજર રહી પદવી પ્રમાણપત્ર લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ નથી/કરાવી શકેલ નથી તેવા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓને પદવીદાન સમારંભનું ઓનલાઇન વેબકાસ્ટીંગના લાભ લેવા અનુરોધ છે.

પ૪ મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧. વિનયન વિદ્યાશાખા ૮૭૦૩, ર. શિક્ષણ વિદ્યાશાખા ૪ર૧ર, ૩. વિજ્ઞાન વિદ્યાશાખા ૬૯૪૬, ૪. ઇજનેરી વિદ્યાશાખા ૦૭, પ. કાયદા વિદ્યાશાખા ૧૯૯૮, ૬. તબીબી વિદ્યાશાખા ૧પ૬ર, ૭. વાણિજય વિદ્યાશાખા ૧૦પ૮પ, ૮. ગ્રામવિદ્યા વિદ્યાશાખા ૧૧૦, ૯. ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા ર૪૭, ૧૦. બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા ૧૭૦૭, ૧૧. હોમીયોપેથી વિદ્યાશાખા ૩૪૧, ૧ર. આર્કીટેકચર વિદ્યાશાખા ૮૬, ૧૩. પરફોર્મીંગ આર્ટસ વિદ્યાશાખા ૧૮, ૧૪. ફાર્મસી વિદ્યાશાખા ૪ર કુલ ૩૬પ૬૪ સમાવેશ છે.

પદવીદાન સમારંભ પૂર્ણ થયા બાદ રૂબરૂ પદવીઓ મેળવનાર વિદ્યાર્થીઓને સરળતાથી પદવીઓ મળી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમના સ્થળે ૧ર ડીગ્રી વિતરણ માટેના કાઉન્ટરો શરૂ કરવામાં આવેલ છે.

પદવીદાન, સમારોહમાં કુલ ૧૩ વિદ્યાશાખાના પ૭ વિદ્યાર્થીઓને કુલ ૭૩ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે અને ૯ર દાતાશ્રીઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ ૧૧૩ રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે.

દીવ કોલેજની વિદ્યાર્થીની શ્રી સોલંકી ભૂમિકા મનસુખભાઇને થર્ડ બી.એ.માં સૌથી વધુ ૪ (ચાર) ગોલ્ડમેડલ અને ૮ (આઠ) પ્રાઇઝ તથા જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજના વિદ્યાર્થીની શ્રી દીક્ષીત પ્રશન્સા પ્રશાંતભાઇને થર્ડ એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૪ (ચાર) ગોલ્ડમેડલ તથા ૩ (ત્રણ) પ્રાઇઝ એનાયત થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ૪ માં પદવીદાન સમારોહના સુચારૂ સંચાલન માટે જુદી જુદી ૧૮ કમિટીઓની રચના કરવામાં આવેલ છે.

ગરીમાપૂર્ણ પ૪ માં પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવાર પ૪ મા પદવીદાન સમારોહના કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત છે.

(3:56 pm IST)