Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

ડો.રાજેશ તેલી લિખિત 'સંજીવની સ્પર્શ'નો રવિવારે પુસ્તક વિમોચન સમારોહ : વિજયભાઈની ઉપસ્થિતિ

ત્રણ દાયકાના આધ્યાત્મિક, સામાજીક અને વૈજ્ઞાનિક અનુભવો આ પુસ્તકમાં રજૂ : પૂ.જ્ઞાનવત્સલ સ્વામી અને જાણીતા લેખક ડો.આઈ.કે. વિજળીવાળાનું ઉદ્દબોધન : આગેવાનોની હાજરી

રાજકોટ, તા. ૫ : સૌરાષ્ટ્રના વરિષ્ઠ ફિઝીશ્યન ડો.રાજેશ તેલી દ્વારા લિખિત પુસ્તક 'સંજીવની સ્પર્શ'ના વિમોચન સમારોહનું આયોજન તા.૮ ડિસેમ્બરના રવિવારના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પ્રમુખસ્થાને હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦ વાગ્યે કરવામાં આવેલ છે.

આ પ્રસંગે જાણીતા લેખક ડો. આઈ.કે. વીજળીવાળા પ્રાસંગિક ઉદ્દબોધન કરશે. સમારોહમાં રાજકોટ આઈએએમએના પ્રમુખ ડો.ચેતન લાલસેતા, રાષ્ટ્રીય આઈએમએના ઉપપ્રમુખ ડો.અતુલ પંડ્યા, ગુજરાત રાજય આઈએમએના ઉપપ્રમુખ ડો.હિરેન કોઠારી, વડોદરાના ડો.એન.જી. સંઘવી તેમજ આર.આર. શેઠ કંપની લિમિટેડ અમદાવાદ - મુંબઇના શ્રી ચિંતનભાઈ શેઠ ખાસ હાજરી આપશે. કાર્યક્રમનું સંચાલન ડો.જયપ્રકાશ ભટ્ટ કરશે.

ડો.રાજેશ તેલીએ પોતાના તબીબી વ્યવસાયના ત્રણ દાયકાના આધ્યાત્મિક સામાજીક અને વૈજ્ઞાનિક અનુભવો આ પુસ્તકમાં રજૂ કરેલ છે. વર્તમાન સમયમાં તબીબ સમાજના સંબંધમાં ચાલી રહેલ તનાવને દૂર કરી પ્રેમ અને વિશ્વાસના સેતુને પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરેલ છે.

આ સમારોહમાં ઉપસ્થિત રહેવા પુસ્તક રસીકો અને આમંત્રિત મહેમાનોને કાન્તાબેન રમણીકલાલ તેલી, વંદના રાજેશ તેલી, ડો.ઋત્વી તેલી, ડો. બ્રીજ તેલી તથા ડો.પિનલ તેલીએ અનુરોધ કરેલ છે.

ત્રણ દાયકાના તબીબી વ્યવસાયની આધ્યાત્મિક, સામાજીક અને વૈજ્ઞાનિક અનુભૂતિનું પુસ્તક એટલે 'સંજીવની સ્પર્શ'. વધુ માહિતી માટે ફોન - ૦૨૮૧-૨૪૬૮૫૪૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:06 pm IST)