Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જાળીયાના પુર્વ સરપંચને હનીટ્રેપમાં ફસાવનાર યુવતીઓની રીમાન્ડ રદ્દ

રાજકોટ તા.૬: જાળીયા ગામના પૂર્વ સરપંચ હંસરાજ પ્રેમજીભાઇ પટેલને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલીંગ કરીને વારંવાર રૂપિયાનો ''તોડ'' કરવા અંગે પકડાયેલ પુજા ઉદેશી ભટ્ટી, ચાર્મી રાકેશ ડોડીયા તથા ચાંદનીની માતા ક્રિષ્નાબેન રાકેશ ડોડીયાની પોલીસે પાંચ દિવસની રીમાન્ડ મેળવવા કરેલ અરજીને કોર્ટે રદ્દ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આજથી એકાદ માસ પહેલા ફરીયાદી હંસરાજ પટેલને જયુબેલી ગાર્ડનમાં પુજા સાથે ઓળખાણ થયેલ અને વારંવાર મુલાકાત કરી કટકે કટકે રૂપિયા પડાવાયા હતાં. ત્યારબાદ રેસકોર્ષમાં બોલાવી વધુ રકમની માંગણી કરી ફોટા બતાવી ફરીયાદીને બદનામ કરી નાણાં પડાવવા અને મોટી ફરીયાદ કરવાની ધમકી આપતાં ફરીયાદીએ ઉપરોકત ત્રણેય આરોપી સામે ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ધરપકડ કરી રીમાન્ડ મેળવવા અરજી કરી હતી.

સદરહું ફરીયાદ અંગે જેમા આરોપી ચાર્મીબેન અને ક્રિષ્નાબેન વતી બચાવપક્ષે આરોપીના એડવોકેટશ્રી અમિત એન. જનાણીએ દલીલ કરેલ કે આરોપીઓ તદ્દન નિર્દોષ છે તેમણે આરોપીએ ફરીયાદીએ પાસેથી કોઇ નાણાકીય લેતી-દેતી કરેલ નથી, આરોપીઓનો કોઇ ગુનાહીત ઇતિહાસ નથી જે તમામ દલીલોને જજ સાહેબશ્રીએ ધ્યાને રાખી અને આરોપી ચાર્મીબેન અને તેની માતા ક્રિષ્નાબેનની ઉપરોકત દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીને પાંચ દિવસના રીમાન્ડ માગતી અરજી રદ કરેલ છે.

ઉપરોકત આ કામમા આ બંને આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમીત એન. જનાણી, કિશન બી. વાલવા, માધવ પરમાર, સંદીપ જેઠવા રોકાયેલા હતા. જયારે આરોપી પુજા વતી એડવોકેટ ચિમનભાઇ સાંકળીયા રોકાયા હતાં.

(4:40 pm IST)