Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

આઝાદ ચોકના ચારભાઇ ફેઇમ સાહિલ કચરાની વિદેશી દારૂના બે ગુનામાં ધરપકડ

સાહિલ ઉર્ફ લાલા કચરાના કબ્જાની દૂકાન અને ફલેટમાં ઉપરા ઉપર બે દરોડા પડ્યા ત્યારથી ફરાર હતોઃ આઝાદ ચોકની દૂકાનમાંથી અને બાદમાં બાલમુ કુંદ સોસાયટીના સાગર કોમ્પલેક્ષમાં તેના પિત્રાઇ શોકતની ઓફિસમાંથી અને બીજા માળના સાહિલ હસ્તકના ફલેટમાંથી જથ્થો મળ્યો હતો

રાજકોટ તા. ૬: ગયા મહિને સ્ટેટ વિજીલન્સ સ્કવોડે રૈયા રોડ આઝાદ ચોકમાં ચારભાઇ ફેઇમ સાહીલ કચરા હસ્તકની દૂકાનમાં દરોડો પાડી એક લાખનો દારૂ-બીયર અને બાદમાં બીજા દિવસે ગાંધીગ્રામ પોલીસે સાહિલ કચરાના પિત્રાઇ ભાઇ શોકત ઉસ્માનભાઇ કચરા (ઘાંચી) (ઉ.૪૪)ને નિર્મલા રોડ બાલમુકુંદ સોસાયટી સાગર કોમ્પલેક્ષમાંથી રૂ. ૮૫,૮૦૦ના દારૂ-બીયરનો જથ્થો જપ્ત કરી શોકતની ધરપકડ કરી હતી. આ બંને ગુનામાં દારૂ સાહિલ ઉર્ફ લાલા અનવરભાઇ કચરા (ઘાંચી) (ઉ.૩૦-રહે. નહેરૂનગર-૨ સાગર મકાન)નું નામ ખુલ્યું હતું. તેને આજે તે ઘરે આવતાં પકડી લેવાયો છે.

ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ આર. જે. જાડેજા અને ટીમના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. કનુભાઇ બસીયા, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરભાઇ ઘુઘલ, શૈલેષભાઇ કગથરા, દિનેશભાઇ વહાણીયા, વિરભદ્રસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માહિતી મળી હતી કે દારૂના ગુનામાં ફરાર સાહિલ તેના ઘરે આવ્યો છે. તેના આધારે શેરીમાં વોચ રાખતાં તે મળી આવતાં ધરપકડ કરવામાં આવી હતી.

સાહિલ વિરૂધ્ધ અગાઉ પ્ર.નગર પોલીસમાં આઇપીસી ૨૭૯, ૩૩૭ તથા ગાંધીગ્રામમાં દારૂના બે ગુના નોંધાયા હતાં. તે કયાં-કયાં ભાગતો ફર્યો હતો અને દારૂ-બીયરનો જથ્થો કોની પાસેથી મેળવીને દૂકાન-ફલેટમાં સંઘર્યો હતો? તે સહિતની વિગતો મેળવવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરી હેઠળ આ કામગીરી થઇ હતી. (૧૪.૧૧)

(4:38 pm IST)