Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં રાજકોટના ત્રણ બાળ વૈજ્ઞાનિકોના સંશોધન પત્રોને સ્થાન

રાજકોટ : ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ એનસીએસટીસી દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વિવિધ સ્તરે કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં આ કાર્યક્રમ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજન થતા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ પરિષદની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ૧૦ ટીમ રાજય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ. આ ટીમે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ. રાજય સ્તરની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરીષદમાં રાજયના ૩૩ જિલ્લાઓમાંથી ૩૦૦ થી વધુ સંશોધન પેપર રજુ થયેલ. તેમાંથી ૨૮ સંશોધન પસંદગી પામેલ. રાજકોટ જિલ્લાના ૩ બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેકટની પસંદગી થઇ છે. એકનાથ રાનડે સ્કુલના અશ્વિન કુશ્વાહાએ સુર્યથી ઉર્જાથી ચાલતુ સોલાર કુકર વોટર હીટર તૈયાર કર્યુ છે. જી. કે. ધોળકીયા સ્કુલના ગજેરા જીલે સ્માર્ટ ફલશ સીસ્ટમ જેમાં ગંદા, નકામા પાણીનો સદ્દઉપયોગ થાય છે તેની વિસ્તૃત વિગતો રજુ કરી છે. આ બાળ વૈજ્ઞાનિકો ભુવનેશ્વર ઓરીસ્સા ખાતે આગામી તા.૨૭ થી ૩૧ ડીસેમ્બર દરમિયાન યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં રાજય તરફથી પોતાના સંશોધનપત્રો  રજુ કરશે.

(4:15 pm IST)