Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ફઇના દિકરાને આપેલ ર૭ લાખના ચેક રીટર્નના કેસોમાં મામાના દિકરાને એક-એક વર્ષની સજા

સજા ઉપરાંત ર૭ લાખનો દંડ ભરવા પણ હુકમઃ દંડ ન ભરે તો વધુ ૩ માસની સજા

રાજકોટ તા. ૬ :.. રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ ખોખડદડ ગામના રહીશ ફરીયાદી નિલેષ મનસુખભાઇ નસીતે આરોપી વસંત રમેશભાઇ વાડોદરીયા એટલે કે, ગોંડલ મુકામે સાટોડીયા સોસાયટીમાં રહેતા મામાના દિકરાએ ફરીયાદીને રકમ રૂા. ૧૬,૦૦,૦૦૦ તથા રકમ રૂા. ૧૧,૦૦,૦૦૦ ચુકવવા આપેલ બન્ને ચેકો રીટર્ન થતા તે સબંધે થયેલ ફોજદારી ફરીયાદો ચાલી જતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. આરોપી વસંત વાડોરીયાને બન્ને કેસોમાં એક-એક વર્ષની સજા અને બન્ને કેસો મળી રકમ રૂા. ર૭,૦૦,૦૦૦ નો દંડ અને દંડની રકમ ન ભર્યેથી વધુ ત્રણ-ત્રણ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસની હકિકત જોઇએ તો ફરીયાદી ખોખડદડ મુકામે ખેતીવાડી ઉપરાંત દૂધાળા પશુનો તબેલો રાખી ધંધો કરતા હોય અને આરોપી જમીન મકાન લે-વેચનો ધંધો કરતા હોય, જે ધંધામાં મંદી આવતા ફરીયાદી પાસેથી ઉપરોકત રકમ લીધેલ અને લીધેલ રકમ  પરત કરવા ફરીયાદી જોગ ઉપરોકત જૂદી જુદી રકમોના બે ચેકો ઇસ્યુ કરી આપેલ, જે ચેકો રીટર્ન થતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં આરોપી વિરૂધ્ધ બે ફરીયાદો દાખલ કરતા આરોપીને હાજર રહેવા સમન્સ કરવામાં આવેલ અને કેસો ચાલવા પર આવતા ફરીયાદીએ મૌખિક સાથે દસ્તાવેજો પુરાવો આપેલ અને આરોપીએ મૌખિક પુરાવો આપેલ અને બન્ને પક્ષે વિગતવાર દલીલો કરવામાં આવેલ.

બન્ને પક્ષેની દલીલો તથા રેકર્ડ પરની હકિકતો ધ્યાને લેતા ફરીયાદીએ પોતાના સરતપાસના સોગંદનામા સાથે રજૂ કરેલ દસ્તાવેજી પુરાવાથી પોતાનો કેસ સાબતી કરેલ હોય અને તે અનુમાનનું ખંડન કરવા માટે આરોપી તરફે જે બચાવ લેવામાં આવ્યો હોય તે બચાવ સામાન્ય બુધ્ધિ ધારણ કરનાર માણસ સ્વીકારી શકે તેવો સંભવીત બચાવ હોવો જોઇએ. આરોપી તરફેથી કરવામાં આવેલ ઉલટ તપાસમાં જ ફરીયાદીના ધંધાની તથા રકમ આપ્યા સબંધેની હકિકતો રેકર્ડ પર આવેલ છે અને સમગ્ર પુરાવો લક્ષે લેતા વિવાદી ચેકમાં આરોપીની સહી ન હોવાની તકરાર નથી, આરોપીએ તબકકે જુદો બચાવ લીધેલ છે, જેથી આરોપી શું બચાવ લેવા માંગે છે તે સ્પષ્ટ થતુ નથી, જયારે ફરીયાદીની  ઉલટમાં જ ફરીયાદીની આવક સબંધેના બીલો રેકર્ડ પર રજૂ થયેલ હોય તેમજ ફરીયાદ વાળા ચેક આરોપી તરફથી રજૂ કરવામાં આવેલ તકરાર અને બચાવ યોગ્ય અને વ્યાજબી જણાતો નથી તેમજ તે અન્વયે અનુમાનનું ખંડન કરતો પુરાવો રજુ કરવામાં નિષ્ફળ નિવડેલ છે.

સમગ્ર પુરાવો લક્ષે લેતા આરોપી પોતાના વિરૂધ્ધનો કેસ વ્યાજબી શંકારહિત, નિઃશંકપણે પુરવાર કરવામાં સફળ થયેલનથી. હાલના સમયમાં આવા કિસ્સાઓ વધી રહેલ છે. કાયદાનુ ખોટુ અર્થઘટન કરી કેસ લંબાવે છે, ચેકો વગર સ્વીકાર્યે પરત થતા રહે છે, તે ખૂબ ગંભીર બાબત ગણાય, જે અંકુશમાં લાવવી જરૂરી છે, વિગેરે હકિકતો માની આરોપી  વસંત વાડોદરીયાને બે જૂદા જુદા ચેક રીટર્ન કેસોમાં એક એક વર્ષની સજા અને રૂા. ર૭,૦૦,૦૦૦ નો દંડ અને દંડ ન ભર્યે વધુ ત્રણ-ત્રણ માસની સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવેલ હતાં.

ઉપરોકત કામમાં ફરીયાદી નિલેષભાઇ નસીત વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દૂધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતાં. (પ-ર૧)

 

(4:21 pm IST)