Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગુજરાત અન્ય રાજયો માટે રોલમોડલ, ઔદ્યોગિક- સહકારી ક્ષેત્રે અદ્દભૂત વિકાસ

છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણસિંહજીની જાહેરસભા : અનેક કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા : રોજગારી અને ઉદ્યોગમાં ગુજરાત પ્રથમ પણ કોંગ્રેસ અપ્રચાર કરી ભ્રમિત કરે છે : અરવિંદ રૈયાણી

રાજકોટ, તા. ૬ : ગુજરાતની પ્રજા હંમેશા વિકાસ પ્રેમી રહી છે અને વંશવાદ તેમજ જાતિવાદને જાકારો આપતી આવી છે. ગુજરાતની પ્રજાએ હંમેશા વિકાસને અપનાવ્યો હોય આજે સમગ્ર દેશ માટે ગુજરાત દેશના અન્ય રાજયો માટે રોલ મોડલ બન્યા હોવાની વાત રાજકોટ વિધાનસભાની બેઠક-૬૮ના ઉમેદવાર શ્રી અરવિંદભાઈ રૈયાણીના ચૂંટણી પ્રચારમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણસિંહજીએ જણાવ્યુ હતું કે ગુજરાતે તેની ઔદ્યોગિક - કન્યા કેળવણી - શૈક્ષણિક સહિતની વિવિધ ક્ષેત્રની વિકાસ ગાથાઓ ઉપસ્થિત જનમેદની સમક્ષ કહી હતી.

ગુજરાતની વિકાસગાથા જણાવતા જણાવ્યુ હતું કે ગુજરાત આ દેશનું રોલ મોડલ છે. દેશના અન્ય રાજયો ગુજરાતની યોજનાઓ, વિકાસની પદ્ધતિનો અભ્યાસ કરવા ગુજરાતમાં આવે છે. ગુજરાતના લોકો પાસેથી ઘણુ શીખવા જેવું છે. ગુજરાતનો ઔદ્યોગિક - સહકાર ક્ષેત્રે પણ વિકાસ અદ્દભુત છે. ઉર્જા વિકાસ દેશમાં ગુજરાત શ્રેષ્ઠ રાજય છે જણાવતા કહેલ કે પવનચક્કી અને સોલાર ઉર્જા થકી હજ્જારો મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી વિકાસ મજબૂત કર્યો નર્મદા યોજના દ્વારા સમૃદ્ધિ વધશે અને પીવાનું પાણીની મુશ્કેલી કચ્છ - સૌરાષ્ટ્રમાં ભૂતકાળ બનાવી હરીયાળી ક્રાંતિ તરફ ગુજરાત આગળ વધી રહ્યુ છે. રાજયની પ્રગતિશીલ સરકાર - નિર્ણાયક સરકાર - પારદર્શક સરકાર ભાજપની દેન છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનું અને દેશનું ગૌરવ છે. મોદીનું ગુજરાત મોદીનું જ રહે અને વિકસીત બને માટે આપ સૌને વિનંતી કરવા છત્તીસગઢથી રાજકોટ આવ્યો છું.

આ સાથે ઉપલા કાઠા વિસ્તારના કોંગ્રેસના બે ધરખમ આગેવાનો શ્રી કારડીયા રાજપૂત સમાજના આગેવાન નારણભાઈ પરમાર તથા કોળી સમાજના આગેવાન સુરેશભાઈ બાવળીયા ૨૦૦૦ જેટલા કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કરેલ અને છત્તીસગઢના મુખ્યમંત્રી તથા શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે પક્ષમાં આવકાર્યા હતા. તેઓએ જણાવેલ કે રાજપૂત સમાજના આગેવાન નારણભાઈ પરમાર તથા કોળી સમાજના મોટાગજાના આગેવાન ભાજપમાં ભળતા પક્ષ ખૂબ જ શકિતશાળી બનશે. આવા કોંગ્રેસના ધરખમ કાર્યકર્તા પાર્ટીમાંથી જતા કોંગ્રેસમાં હતાશા છવાતી જાય છે. કાર્યકરોમાં નિરાશા દેખાય છે.

ઉમેદાવાર અરવિંદભાઈ રૈયાણીએ ગુજરાતના વિકાસ સાથે આ વિસ્તારનો પણ સર્વાંગી વિકાસ થાય છે અને સરકારની મહત્તમ યોજના દરેક વ્યકિત સુધી પહોંચાડવા  અને સુખ - દુઃખમાં ભાગીદાર થવાની ખાતરી આપેલ ખાસ જણાવેલ કે હું સ્થાનિક કોર્પોરેટર છું માટે દરેક સોસાયટી - વિસ્તારની પરિસ્થિતિથી ખૂબ જ માહિતગાર છું. ૭ વર્ષથી કોર્પોરેટર હોવાથી કયાં કેટલુ ખૂટે છે તે બરોબર જાણુ છું માટે ઝડપથી કામ થશે.

પૂર્વ ધારાસભ્ય ચૂંટાયા પછી વિસ્તારમાં દેખાતા નથી. વિકાસના કામો કાર્ય નથી. અતિવૃષ્ટિમાં પ્રજાને સાથ આપવાના બદલે બેંગ્લોર ફાર્મ હાઉસમાં મોજ મસ્તી કરતા હતા. હું લાલપરી તળાવમાં ત્રણ દિવસ અકસ્માતે ડૂબી જનાર પરિવારની સાથે રાત દિવસ પડખે ઉભો રહેવાવાળો છું. હું પ્રજાનો છું, પ્રજા વચ્ચે જ રહીશ તેવી ખાતરી આપુ છું.

સભામાં પૂર્વ ડે. મેયર વલ્લભાઈ દુધાત્રા, કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, અનિલભાઈ રાઠોડ, પ્રીતિબેન પનારા તથા અશોકભાઈ લુણાગરીયા, પરેશભાઈ પીપળીયા, નયનાબેન પેઢડીયા, કલ્પનાબેન કીયાડા, કાનાભાઈ, સોનલબેન ચોવટીયા, સી. ટી. પટેલ, દિલીપભાઈ લુણાગરીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી દિપકભાઈ પનારાએ કરેલ હતું. તેમ યાદીના અંતમાં જણાવ્યુ હતું.

(4:20 pm IST)