Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

૬ ડીસેમ્બરઃ આજે હોમગાર્ડ ડે

આજે હોમગાર્ડ ડેઃ રાજયમાં ૫૦ હજાર હોમગાર્ડઝ જવાનોની ''દીન'' સ્થિતિઃ દસ વર્ષોથી ૧૭ જિલ્લાઓમાં કમાન્ડન્ટ હોમગાર્ડની જગ્યાઓ અધ્ધરતાલઃ શિસ્ત અને સેવાના નામે હોમગાર્ડદળના પ્રશ્નો ભોંમાં ભંડારી દેવાયાઃ આજે પણ રાજયમાં હોમગાર્ડની સ્થિતિ દયાજનકઃ ઈમરજન્સીમાં હોમગાર્ડને મધરાત્રે ધમકી દેનારી સરકાર હોમગાર્ડના : પ્રશ્નો ગોકળગાયની ગતિએ પણ ઉકેલતી નથી

આજે ૬ ઠી ડિસેમ્બર રાજયમાં 'હોમગાર્ડ ડે' છે. ગુજરાત રાજયમાં પંચાસ હજાર હોમર્ગાડના વ્યાજબી અને અણઉકેલ પ્રશ્નો સરકારે શિસ્ત અને સેવાના નામે ભોંમાં ભંડારી દેવાયા છે અને જે પગલે આજે ગુજરાત રાજયમાં પચાસ હજાર હોમગાર્ડ ધ્યાજનક સ્થિતિમાં જીવી રહયા છે અને આજે રાજયમાં 'હોમગાર્ડ ડે' ના સ્થાપના દિવસે જ 'બળતા જીવ' હોમગાર્ડ- ડે મનાવી રહયા છે. રાજય સરકાર-કેન્દ્ર સરકાર અને પોલીસ વડાની કૈકેયી નિતીને પગલે આજે રાજયસભાનાં હોમગાર્ડ જવાનો બેહાલ છે.

રાજય ભરમાં ક્રાઈમ રેટ ઉંચકાયો છે ત્યારે દળના જવાનોની સેવાઓ વખતો-વખત સ્થગીત કરી દેવામાં આવે છે.

આજે હોમગાર્ડ દિન છે પરંતુ રાજયની અને કેન્દ્ર સરકારની ગુજરાત રાજય હોમગાર્ડ જવાનો પ્રત્યેની બેદરકારી અને લાપરવાહીને કારણે આજે રાજયના પચાસ હજાર હોમગાર્ડ 'દિન' એટલે કે ગરીબ છે. રાજયમાં ગૃહ રક્ષક દળ (હોમગાર્ડ) ની સ્થાપના ૬ ઠી ડિસેમ્બર ૧૯૪૭ના રોજ કરવામાં આવી છે જે તે સમયે દળનું સંખ્યાબળ માત્ર ૧૮૫૦ સભ્યોનું જ હતું. આજે વટવૃક્ષ બનીને પચાસ હજાર હોમગાર્ડ રકતદાન, પ્રૌઢ શિક્ષણ, વૃક્ષારોપણ જેવી સમાજોપયોગી પ્રવૃતિઓ પણ કરે છે. આગ, લૂંટ કાયદાની ફાળવણી અતિવૃષ્ટિ કે મોટી હોનારતના પ્રસંગોમાં દળના જવાનો પોતાની જાનની પરવા કર્યા વગર ફરજો બજાવે છે. મુખ્યમંત્રી તેમજ કેબીનેટ મંત્રીશ્રીઓએ હોમગાર્ડની સેવાઓને વખતો-વખત બિરદાવેલી છે. પોલીસની સાથે ખભ્ભે ખભ્ભા મિલાવી ચૂંટણી બંદોબસ્ત, વીઆઈપી સુરક્ષા, નાઈટ પેટ્રોલીંગ, ટ્રાફીક ફરજો ઈમર્જન્સી ડ્યુટી યુધ્ધકાળ દરમ્યાન સિવિલ ડીફેન્સની ફરજોમાં રાઉન્ડ ધ કલોક સેવા બજાવતાં હોમગાર્ડની ઉપેક્ષા થઈ રહી છે. અગાઉ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડની માનદ પોષ્ટ હતી જે આજે ડાયરેકટર જનરલ ઓફ પોલીસના ઉચ્ચ હોદ્દા સાથે કમાન્ડન્ર જનરલ  હોમગાર્ડ માટે પોલીસ વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત થાય છે.

રાજય સરકારે વર્ષ ૨૦૦૮ અને વર્ષ ૨૦૧૩માં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની રાજયભારમાં દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાતનં:- કજ/ વહટ/૧/૨૦૦૮-૦૯ અને જાહેરાત નં:- કજ/વહટ/૧/ ૨૦૧૩-૧૪થી જિલ્લા કમાન્ડન્ટ હોમર્ગાડની જગ્યા માટેની જાહેરાતો પ્રસિધ્ધ કરાવેલ હતી.જેમાંથી ફકત ૧૬ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની નિયુકિત તાજેતરમાં ચૂંટણી આચાર સંહિતા પૂર્વ કરી આજે પણ ૧૭ જિલ્લાઓની અરજીઓ ગૃહખાતામાં કચરાપેટીમાં છે. જેને પગલે રાજયભરમાના  ૧૭ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ તરીકે જે તે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) હસ્તક છે જે જિલ્લામાં ડીવાયએસપીના હોય તે જિલ્લામાં એસપી પોતાની પાસે હોમગાર્ડ ચાર્જ રાખે છે.

રાજયનાં મેટ્રો સીટીમાં અને અન્ય શહેરોમાં તાલીમ વગરનાં ટ્રાફીક વોર્ડન ઉભાં કરી તાલીમ બધ્ધ અને પેરા મેલ્ટ્રી ફોર્સ ગણાતાં (હોમગાર્ડ જવાનોને) વનવાસ આપી દીધો છે.

તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં કોઈ કારણસર ગેરહાજર રહેનાર હોમગાર્ડને મધરાતે ઉઠાડી ઈમર્જન્સી ડ્યુટીમાં આવવુ઼ પડશે નહિં આવો તો ત્રણ મહિનાની જેલ અને ૧૦૦૦ રૂ. દંડ થશે તેવી ધમકી મારતી સરકાર હોમગાર્ડના વ્યાજબી પ્રશ્નો ઈમર્જન્સી તો શું ગોકળગાયની ગતિએ પણ ઉકેલતી નથી. રાજકોટમાં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ખાલી પડેલ જગ્યા માટે (૧૦ વર્ષોથી) ચૂંટણી બાદ ધરણાં કરી જે તે સરકારને ઢંઢોળવામાં આવશે.

આલેખન : ગજેન્દ્રસિંહ ડી.ઝાલા

પૂર્વ હોમગાર્ડ અગ્રણી,રાજકોટ

મો.૯૪૨૬૨ ૨૯૩૯૬

 

(4:13 pm IST)