Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

દેખ ચુનાવી વર્લ્ડ કપ કા સજા ગયા મૈદાન, ટ્રોફી ઈસકી પાને કો સબ નેતાગન પરેશાન, સોચ રહે હૈ સબ, કૈસે મતદાતા કો રીઝાયે, કમ ઓવરમેં અબ કૈસે રન તેજી સે બનાયે...

પ્રચારમાં બધા મુદ્દા 'રન આઉટ': હવે 'અમ્પાયર' પર આધાર

પ્રથમ ચરણની ચૂંટણીમાં એક પણ મુદ્દો બરાબર પકડાયો નહિઃ પ્રદેશ નેતાઓના કદ મર્યાદિત રહ્યાઃ શનિવારના જનાદેશ તરફ મીટ

રાજકોટ, તા. ૬ :. આવતીકાલે ગુરૂવારે સાંજે પાંચના ટકોરે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોના જાહેર પ્રચારના ભૂંગળા બંધ થશે. શનિવારે તા. ૯મીએ સવારે ૮ થી ૫ વાગ્યા સુધી મતદાન છે. બીજા તબક્કાનું મતદાન તા. ૧૪મીએ પુરૂ થયા બાદ મત ગણતરી તા. ૧૮ ડીસેમ્બરે થશે. પહેલા તબક્કામાં સમાવિષ્ટ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રવાસે આવી ગયા છે. નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને રાહુલ ગાંધીએ તો અવારનવાર ગુજરાતને ધમરોળી પ્રચાર અભિયાન ચલાવ્યું છે. છેલ્લા એક-દોઢ મહિનામાં બન્ને પક્ષો તરફથી અનેક મુદ્દા ઉછાળવા પ્રયાસ થયો પરંતુ ચૂંટણીમાં નિર્ણાયક બની જાય તેવા કોઈ મુદ્દો હજુ પકડાયો નથી. ગુજરાતમાં કોઈ એક મુદ્દા વગર ચૂંટણી લડાતી હોય તેવું વર્ષો બાદ બન્યુ છે પાર્ટી અને સરકારના પ્રચારની સાથે ઉમેદવારની વ્યકિતગત તાકાત મહત્વની બની ગઈ છે.

'વિકાસ ગાંડો થયો છે' તેવા પ્રચારની બે મહિના પહેલા જમાવટ હતી પરંતુ સમય જતા આ મુદ્દાના પુર ઓસરી ગયા છે. કોંગ્રેસે મોંઘવારી, મોદીના વચનોની નિરાશા, ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, જી.એસ.ટી., નોટબંધી વગેરે ઉઠાવવા પ્રયાસ કર્યા છે. બીજી તરફ ભાજપે વિકાસના મુદ્દા ઉપરાંત હાર્દિકની સીડી, ત્રાસવાદીઓ સાથે કોંગી નેતાના કથિત સંબંધ, સોમનાથ મંદિરમાં રાહુલની બિનહિન્દુ તરીકે નોંધ, રામ મંદિર બાબતે કપિલ સિબ્બલનું નિવેદન, કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ વગેરે મુદ્દાને ચગાવવા પ્રયાસ કર્યો છે પરંતુ ચૂંટણીમાં વ્યાપક અસર કરી શકે તે રીતે મુદ્દા પકડી શકાયા નથી.

સામાન્ય રીતે ભાજપ મુદ્દા આપે અને કોંગ્રેસ હંમેશા બચાવના મુડમાં રહે તેવુ બનતુ હોય છે પરંતુ આ વખતે કોંગ્રેસે નક્કી કરેલા એજન્ડા તરફ ભાજપે ખેંચાવુ પડયુ હોય તેવું લાગે છે. રાહુલ મંદિરોમાં જાય તેનો વડાપ્રધાને ઉલ્લેખ કર્યો તે બાબત ઘણુ કહી જાય છે. પોતાના વતનના રાજ્યમાં પાર્ટીને ચૂંટણી જીતાડવા મોદીએ ૩૦થી વધુ જાહેર સભા યોજવી પડી છે.

ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતાઓ છવાયેલા રહ્યા. પ્રદેશના કોઈ નેતા પદ મુજબનું કદ બતાવી શકયા નથી. ભાજપે રાજ્ય સરકાર કરતા કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પર વધુ ભાર મુકયો છે. પ્રચારમાં બધા મુદ્દા રનઆઉટ થઈ ગયા છે. હવે અમ્પાયર (મતદારો)ના નિર્ણય પર મીટ છે.

એક નઝર ઈધર ભી

એક માણસ દિલ્હીમાં એક નેતાના ઘર પાસે બૂમો પાડી રહ્યો હતો. 'નેતા ફેકુ હૈ, નેતા ફેકુ હૈ...!' આ સાંભળી નેતાના સુરક્ષા જવાનોએ પકડીને તેને માર્યો... અને કહ્યું 'આપણા નેતા માટે આવું બોલાય ?' પેલા માણસે વધુ મારથી બચવા ફેરવી તોળ્યુ. 'હું આપણા નેતા માટે નહિ, વિદેશી નેતા માટે ફેકુ બોલુ છું.'

સુરક્ષા જવાનોએ ફરી મારતા મારતા કહ્યું 'સાલા, ખોટુ બોલે છે ? અમને ન ખબર હોય કયા નેતા ફેકુ છે ?

(4:12 pm IST)