Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

પૂજારા પ્લોટમાં શિવગ્રુપ ટ્યુશનમાં ધોરણ-૧૨ના છાત્ર મયુર વાળાને શિક્ષક-શિક્ષીકા-પ્યુને બેફામ માર માર્યો

ટોયલેટ જઇને આવ્યા બાદ શિક્ષક વિનયસરે વર્ગમાં આવવા ન દીધોઃ શિક્ષીકાએ બહાર કેમ ઉભો છો? કહી ફડાકા માર્યાઃ કૃણાલ સર અને પ્યુન કિશને ગડદા-પાટુ અને પટ્ટાથી પણ ફટકારી હડધુત કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૬: શાળાઓ અને ટ્યુશન કલાસમાં છાત્રો સાથે શિક્ષકો દ્વારા ધોલધપાટ થતી હોવાના કિસ્સા અવાર-નવાર બને છે. જો કે મોટા ભાગના કિસ્સા બહાર આવતાં હોતા નથી. દરમિયાન પૂજારા પ્લોટ-૬માં આવેલા શિવગ્રુપ ટ્યુશન અને સ્કૂલમાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતાં અને એંસી ફુટ રોડ  આંબેડકરનગર ગેઇટમાં ખોડિયારનગર-૩માં રહેતાં મયુર પ્રવિણભાઇ વાળા (ઉ.૧૮) નામના દલિત છાત્રને મોટા અવાજે શિક્ષીકા સામે બોલવા બાબતે શિક્ષીકા, શિક્ષક અને પટ્ટાવાળાએ મળી ગડદા-પાટુ અને કમરપટ્ટાનો બેફામ માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું છે. પોલીસે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મયુર રાત્રે મારની ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રાણાભાઇ ચીહલા અને રવિભાઇ ગઢવીએ ભકિતનગર પોલીસને જાણ કરતાં પોલીસે  મયુર વાળાની ફરિયાદ પરથી શિવગ્રુપ ટ્યુશન કલાસીસના શિક્ષક કૃણાલ ઉર્ફ કાનાભાઇ કનેરીયા, શિક્ષીકા દિક્ષાબેન તથા પ્યુન કિશન ગોંડલીયા વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, એટ્રોસીટી એકટની ૧૯૮૯ની કલમ ૩ (૧) (આર) ૩ (૨) (૫-એ) તથા જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

મયુરના કહેવા મુજબ શિવગ્રુપ ટ્યુશનના મુખ્ય સંચાલક ધવલભાઇ પોપટ છે. બપોરે એક વાગ્યાથી પોતે અહિ જ ચાલતી શાળામાં ભણે છે અને સાંજે ટ્યુશનમાં જાય છે. ગત સાંજે સાતેક વાગ્યે વર્ગ ચાલુ હોઇ પોતે ટોયલેટ જઇને પરત આવ્યો ત્યારે વિનયસરે હવે તું બહાર જ રહેજે, બધાને ડિસ્ટર્બ કરે છે તેમ કહેતાં પોતે વર્ગખંડ બહાર ઉભો હતો. ત્યારે શિક્ષીકા દિક્ષાબેને આવીને કેમ બહાર ઉભો છો? પુછતાં પોતાને શિક્ષકે બહાર ઉભા રહેવાનું કહ્યું છે તેમ જણાવતાં શિક્ષીકાએ 'તું કેમ મારી સામે મોટા અવાજે વાત કરે છે, વધુ બોલવાનું નહિ' કહી લાફા મારી દીધા હતાં. મારથી બચવા પોતે હાથ આડા રાખતાં શિક્ષીકાએ બૂમો પાડતાં બીજા શિક્ષક કૃણાલ કનેરીયા અને પ્યુન કિશન ગોંડલીયાએ દોડી આવી ગાળો દઇ ગડદા-પાટુ અને કમરપટ્ટાથી બેફામ માર માર્યો હતો. જેમાં વાંસા, કપાળ, ડાબા હાથે ઇજા થઇ હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યો હોવાનું મયુરે ફરિયાદમાં જણાવતાં  એસસીએસટી સેલના એસીપીની રાહબરી હેઠળ તપાસ થઇ રહી છે.

(12:04 pm IST)