Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

'ઓખી' વિખેરાતા હાશકારો : બપોર બાદ વાતાવરણ ચોખ્ખુ

ગઈરાત્રે જ નબળુ પડી લોપ્રેસરમાં પરિવર્તિત થઈ વિડ્રોલ થઈ ગયેલુ : આજે કયાંક છાંટા છૂટીની સંભાવના : રાજકોટમાં બે દિવસ બાદ સૂર્યનારાયણે દર્શન દીધા, ગાંધીનગરમાં ૧૯ ડિગ્રી અને અમદાવાદમાં ૧૯.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયા : આવતીકાલે રેકોર્ડબ્રેક કહી શકાય તેવા ઠંડીમાં વધારો થવાની સંભાવના

રાજકોટ, તા. ૬ : સમગ્ર રાજયમાંથી વાવાઝોડુ 'ઓખી' વિના વિઘ્ને પસાર થઈ જતાં રાહત થઈ છે. ગતરાત્રીના જ આ વાવાઝોડુ નબળુ પડી લોપ્રેસરમાં પરિવર્તિત થઈ દક્ષિણ ગુજરાતમાં જમીનમાં પ્રવેશ્યુ હતું. જો કે કોઈ મોટી જાનહાની ન થતાં રાહતની લાગણી અનુભવાઈ છે તંત્ર પણ સાબદુ થઈ ગયુ હતું. રાહત બચાવની કામગીરી માટેની પૂરેપૂરી તૈયારી કરી લેવાઈ હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુરતમાં જ હતા અને પળેપળની માહિતી મેળવી રહ્યા હતા. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી છેલ્લા ત્રણેક દિવસથી રાજયમાં વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસ્યો હતો. પવનનું જોર પણ વધુ જોવા મળતુ હતું. આજથી વાતાવરણ ચોખ્ખુ બની ગયુ છે. આવતીકાલે ઠંડીમાં થોડો વધારો થવાની સંભાવના છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં રહેલુ આ વાવાઝોડુ હવે હવાના નીચા દબાણમાં ફેરવાતા આજનો દિવસ સાવધાની રાખવી જરૂરી છે. ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાઓમાં સિગ્નલ નં. ૨ મૂકવામાં આવ્યુ હતું તો દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે ચેતવણીવાળુ સિગ્નલ નં. ૩ મૂકવામાં આવેલ.

દરમિયાન ગઈકાલે દિવસ દરમિયાન ટાઢોડુ છવાયેલુ હતું. રાજકોટ શહેરમાં આખો દિવસ હીલસ્ટેશન જેવો માહોલ રહ્યો હતો. થોડી થોડીવારે હળવા છાંટા હળવો વરસાદ પવનની સાથે ચાલુ જ રહ્યા હતા. માર્ગો સતત ભીના જોવા મળતા હતા. સાંજના સમયે પવનનું જોર એકદમ વધી ગયુ હતું. તો મહત્તમ તાપમાન ૨૩.૬ ડિગ્રી જે નોર્મલથી ૭ ડિગ્રી જેટલુ નીચુ રહ્યુ હતું. તો અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે ૧૯.૧ અને ૧૯ ડિગ્રી જે રેકોર્ડબ્રેક કહી શકાય. ઉકત ન્યુનતમ તાપમાનના આંકડા નથી પણ મહત્તમ તાપમાનના આંકડા છે.

રાજકોટ શહેરમાં બે - ત્રણ દિવસ બાદ આજે સૂર્ય નારાયણે દર્શન દીધા છે. આમ છતાં ટાઢોડુ યથાવત છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. આવતીકાલથી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

(11:37 am IST)