Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાજકોટ શહેર અને જીલ્લાના 1194 માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાંથી 847 શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોવાનું ખુલ્‍યુ

રાજકોટ: શહેર અને જિલ્લાની 847 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી. સમગ્ર રાજકોટ શહેર અને જિલ્લામાં 1194 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 847 શાળાઓ પાસે ફાયર NOC નથી. જેથી રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ શહેર અને જિલ્લાની તમામ શાળાઓને 15 દિવસમાં જ ફાયર એનઓસી મેળવવાનો આદેશ આપી દીધો છે. જેથી 291 શાળાઓએ ફાયર NOC મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઘણી બધી બિલ્ડીંગો અને હોસ્પિટલો તેમજ શાળાઓ કે કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે આગ લાગ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં થોડાં દિવસો પહેલાં ફાયર સેફ્ટીને લઇને હાઇકોર્ટમાં થયેલા ઘટસ્ફોટ બાદ CM રૂપાણીએ ફાયર સેફ્ટીને લઇને મહત્વનો નિર્ણય કર્યો હતો. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીનું NOC ફરજિયાત હોવાનો નિર્ણય કર્યો હતો.

રાજ્યમાં દરેક જગ્યાએ ફરજિયાત NOC કરવાનો આદેશ કર્યો હતો

રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડીંગો, વાણિજ્યક સંકુલ, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ તેમજ ઔદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દેવાઇ તેમજ દર 6 મહિને ફાયર સેફ્ટીનું NOC રિન્યુઅલ કરાવવાનું રહેશે. એ માટે રાજ્યમાં ખાસ ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂંક પણ કરાશે. સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરોની પેનલ બનાવાશે. ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા યોગ્ય તાલીમ અપાશે. ખાનગી કોલેજમાં ભણતા યુવા એન્જીનર્સને આ અંગેની યોગ્ય તાલીમ અપાશે જેવી CM રૂપાણીએ અગાઉ જાહેરાત કરી હતી.

જો કે, તેમ છતાં CM રૂપાણીના આદેશને પણ શાળાઓ અવગણી હોય તેવું લાગી રહ્યું છે. આખરે ક્યાં સુધી આ રીતે શાળા-કોલેજો કે બિલ્ડીંગો, કોમ્પલેક્ષો ફાયર સેફ્ટી વગર ધમધમતી રહેશે. રાજકોટ શહેર અને જિલ્લાની 847 શાળાઓ પાસે ફાયર NOC નહીં હોવાને કારણે અનેક સવાલો ઊભા થઇ રહ્યાં છે કે, શું આખરે તંત્ર હજી ઊંઘમાં છે? કે પછી શું તંત્ર આંખ આડા કાન કરી રહી છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લાં કેટલાંય સમયથી એક પછી એક આગની ઘટનાઓ ઘટતી રહે છે. તેમ છતાં કેમ તંત્ર, સરકાર તેમજ શાળાઓના ટ્ર્સ્ટીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ હજી ઊંઘમાં છે. આખરે કેમ દરેક જગ્યાએ ફાયર NOCને લઇને યોગ્ય તપાસ હાથ ધરવામાં નથી આવી રહી. જો ક્યાંય પણ આગની ઘટના ઘટશે અને લોકો મોતના ભોગ બનશે તો આખરે તેમાં જવાબદાર કોણ ગણાશે.

(5:18 pm IST)