Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ભિક્ષાવૃત્તિઃ લાચારીમાં છુપાયેલો સદાબહાર વ્યવસાય

ચોક્કસ વર્ગે માટે ભીખ માટે હાથ લાંબો કરવો મજબૂરી નહીં હુન્નર બની ગયું : ભિક્ષાવૃત્તિના પક્ષમાં અને વિરોધમાં અનેક દલીલો છેઃ પણ ભીખ માંગનાર દરેક વ્યકિત કમાવવા સક્ષમ ન હોઈ તે વાત સ્વીકાર્ય નથીઃ મજબૂરીવશ ભીખ માંગનારનું પુનઃવસન અને ભિક્ષાને વ્યવસાય સમજનાર સામે કાયદાકીય પગલાં જરૂરી

રાજકોટ, તા.૬: રાજકોટને સ્માર્ટ સીટી બનવવા તંત્ર વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસોના ભાગરૂપે રાજકોટમાં હવે ભિક્ષાવૃતિ સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. કોર્પોરેશન અને પોલીસ સંયુકતપણે ઝુંબેશ ચલાવી રસ્તા પર કે ધાર્મિક સ્થાનો પર ભીખ માંગનારને પ્રથમ સમજાવશે બાદમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ રીતે તેમને મુખ્ય પ્રવાહમાં વળવા પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રથમ વખત નથી જયારે ભિક્ષાવૃતિના સામાજિક દુષણ અંગે તંત્ર ગંભીર બન્યું હોઈ વખતોવખત આવી ઝુંબેશ ચલાવવામાં આવે છે પણ, તેની ફળશ્રુતિ કેટલી તેના સચોટ આંકડા કયારેય સામે આવતા નથી. ભિક્ષાવૃત્તિના આ દુષણ માટે માત્ર તંત્રને જવાબદાર ગણી ન શકાય પણ માંગવા માટે ટેવાયેલ એક ચોક્કસ વર્ગ વધુ જવાબદાર છે. જાહેરમાં માંગનાર દરેક વ્યકિત લાચાર હોવાનું માની લેવું ભૂલભરેલું છે. વાસ્તમાં ભિક્ષાવૃતિ લાચારીમાં છુપાયેલો એક સદાબહાર વ્યવસાય છે. બે ટક ખાવા માટે કોઈ પાસે હાથ લાંબો કરવો એ આત્માને મારી નાખવા સમાન છે.અને આવી મજબૂરી આવી લાચારી ભગવાન કોઈને ન આપે તેવી પ્રાર્થના આપણી પાસે હાથ લાંબો કરનાર વ્યકતીને જોતા જ મનોમન થઈ જતી હોઈ છે. સાથોસાથ એ વાત પણ એટલી જ સત્ય છે કે જાહેર રોડ પર ધાર્મિક સ્થળે કે પછી લગ્ન સમારોહના હોલ કે વાડી પાસે અચૂકપણે હાથ ફેલાવી ભીખ માંગનાર નજરે પડી જ જતા હોઈ છે આ દરેક બે ટક ભોજનના મોહતાજ હોઈ અથવા તો પોતે કમાઈ શકવા માટે અસમર્થ હોઈ તેવું માની લેવાનું કોઈ કારણ જણાતું નથી. હકીકતમાં ભિક્ષાવૃત્તિ હવે લાચારી નહીં પણ તેની આડમાં ચાલતો સુવ્યવસ્થિત વ્યવસાય છે.

આપણી સંસ્કૃતિમાં યુગોથી ખુશીના પ્રંસગોમાં દાન દક્ષિણા આપવાની પરંપરા છે. આ પરપરંપરા આજે પણ ચાલુ છે માત્ર સારા પ્રંસગો પર જ નહીં પણ માઠા પ્રંસગમાં પણ દાન કરવામાં આવે છે.સ્વેછાએ કરાતું દાન એ દરેકની અંગત બાબત છે અને તેમાં કઇ ખોટું પણ નથી.પણ જયારે જાહેરમાં ચાની કીટલીએ ઉભા હોઈ દુકાને ખરીદી કરતા હોઈ ત્યારે લાચાર ચેહરો કરી તમારી પાસે હાથ ફેલાવી ભગવાનને મધ્યસ્થી બનાવી તમારી પાસે ભીખ માગવામાં આવે ત્યારે ચોક્કસ આ વાત કોઈને પસંદ પડતી નથી. તમારી એકથી વધુ ના કહેવા છતાં આ લોકો દૂર જવાનું નામ લેતા નથી જેથી કંટાળી કા તમે જગ્યા બદલી નાખવાનું પસંદ કરો અન્યથા તેને પૈસા અથવા કઈ પણ વસ્તુ આપી પીછો છોડાવો મુનાસીબ સમજો છો આ વાત યોગ્ય નથી.ભિક્ષાવૃત્તિના પક્ષમાં અને વિરોધમાં અનેક દલીલો છે, પણ એક વાત તો ચોક્કસ છે કે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો એક આખો વર્ગ મજબૂરીમાં આ હાથ લાંબો કરે છે તે સ્વીકારવા મન નથી માનતું. અપવાદરૂપ વ્યકિતઓને બાદ કરતા ભીખ માંગનાર મોટાભાગનો વર્ગ એવો છે જેણે હવે ભીખ માંગવાને એક વ્યવસાય તરીકે સ્વીકારી લીધો છે. વખતો વખત ભિક્ષાવૃતિ સામે સરકાર ઝુંબેશ ચલાવે છે. તેને સફળતા ન મળવાનું એક મોટું કારણ આ છે કે આ વર્ગ હવે અન્ય કોઈ કામ કરવાના બદલે માંગવાને જ પોતાનું હુન્નર માની બેઠો છે.ભિક્ષાવૃત્તિ તો એક સામાજિક દુષણ છે જ પણ તેનાથી વધુ ચિંતાની વાત એ છે કે,આ ગુનાહિત પ્રવૃત્તિનું માધ્યમ પણ બની રહે છે.દિવસે ગલી ગલી ભટકી ભીખ માંગનાર પૈકી કેટલાક બંધ મકાનોની રેકી કર્યા બાદ રાત્રીના ગુનાહિત ઇરાદાને અંજામ આપે છે. તેટલું જ નહીં ભીખમાં મળતી રકમનો ઉપયોગ પણ નશાખોરી સહિતના શોખ પુરા કરવા માટે થાય છે.એવું પણ વારંવાર સાંભળતા આવ્યા છીએ કે ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલો એક વર્ગ બાળ તસ્કરીમાં સક્રિય છે.બાળકોને ઉઠાવ્યા બાદ તેને ફરજીયાત ભીખ માંગવા માટે મજબૂર કરાઈ છે.ત્યારે આ તમામ બાબતોને લક્ષમાં લઇ ભિક્ષાવૃત્ત્િ। સામે તંત્રએ જે અભિયાન છેડયું છે તે ખરા અર્થમાં સમાજ માટે જરૂરી છે.જે વ્યકિત મજબૂરીવશ ભીખ માંગે છે તેના પુનઃવસન માટે અને તેને રોજગાર મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી ચોક્કસપણે તંત્રની છે અને તેમાં તે ઉણુ ઉતરવું ન જોઈએ પણ જે લોકોને મહેનત નથી કરવી ભિક્ષાવૃત્ત્િ।ને વ્યવસાય સમજી બેઠા છે તેવા દરેક ભિક્ષુક સામે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ.

(3:49 pm IST)