Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની ૪ લાખ ગુણીની આવકો : ૪૦ રૂ. ભાવ વધ્યા

રાજકોટ યાર્ડમાં સીઝનમાં બીજી વખત ૧ લાખ કરતા વધારે મગફળીની ગુણીની આવકો : દિવાળી પહેલા ખેડૂતો 'રોકડી' કરવાના મુંડમાં

રાજકોટ, તા. ૬ : દિવાળી પૂર્વે રાજકોટ યાર્ડ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે મગફળીની ૪ લાખ ગુણીની જંગી આવકો થઇ હતી. પુષ્કળ આવકોના પગલે મગફળીના ભાવમાં મણે ૪૦ રૂ.નો ભાવ વધારો થયો હતો.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજ ૧.રપ લાખ મગફળીની જંગી આવકો થઇ હતી. જયારે સૌરાષ્ટ્રના ગોંડલ સિવાયના અન્ય યાર્ડોમાં પણ મગફળીની પુષ્કળ આવકોનો દોર ચાલુ છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની ૪ લાખ ગુણીની આવકો નોંધાઇ છે. રાજકોટ યાર્ડમાં સીઝનમાં બીજી વખત ૧ લાખ કરતા વધારે મગફળીની ગુણીની આવકો થઇ છે. જો કે રાજકોટ યાર્ડમાં જંગી આવકો સામે જોઇએ તેવી લેવાલી ન હોય માલનો ભરાવો રહેતો હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધવાની સાથે મગફળીના ભાવોમાં પણ સુધારો થયો હોત. મગફળીમાં એક મણે ૪૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. મીલ ડીલીવરોમાં મગફળી જાડી એક મણના ભાવ ૧૦૪૦થી ૧૦પ૦ રૂ. હતા તે વધીને ૧૦૮૦થી ૧૦૯૦ રૂ. થયા છે. જયારે મગફળી ઝીણી એક મણના ભાવ ૧૧પ૦ રૂ. હતાં તે વધીને ૧૧૯૦ રૂ. થયા છે.

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં મોડુ પેમેન્ટ મળતું હોય ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાના બદલે ઓપન માર્કેટમાં મગફળી વંચી 'રોકડી' કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની જંગી આવકો જોતા ખેડૂતો દિવાળી પૂર્વે જ રોકડી કરવાના મુંડમાં હોવાનું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

(3:01 pm IST)